સોમનાથ મંદિર માટે ‘સુપ્રીમ’ આદેશ : સર્વોચ્ચ અદાલતે કહ્યું વિવાદિત જગ્યા સરકાર હસ્તક જ રહેશે
પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કાર્યવાહી પર સ્ટે આપવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને યથાસ્થિતિ જાળવી રાખવાની માંગ કરવામાં આવી હતી. જેની સુનાવણીમાં જસ્ટિસ બી.આર.ગવઈ અને જસ્ટિસ કે.વી.વિશ્વનાથનની બેન્ચે બંને પક્ષોને સાંભળ્યા બાદ યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપવાનો ઈન્કાર કરી દીધો હતો.બીજી તરફ ગુજરાત સરકાર વતી સોલિસિટર જનરલે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે ગીર સોમનાથમાં જે જમીન પર ગેરકાયદેસર ધાર્મિક બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે તે જમીન તેમની પાસે રહેશે આ જમીન કોઈ ત્રીજા પક્ષને ફાળવવામાં આવશે નહીં.
સોમનાથ ખાતે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા મામલે ઓલિયા-એ-દિન સમિતિ દ્વારા સુપ્રીમકોર્ટમાં દાળ મંગવકામાં આવી છે ત્યારે સમિતિ વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દલીલ કરતા જણાવ્યું હતું કે, જે જમીનના બાંધકામને ગેરકાયદેસર ગણાવવામાં આવી રહી છે, તે જમીન 1903ની છે અને તે સમિતિના નામે નોંધાયેલી છે. સિબ્બલે કહ્યું કે જમીનના કાયદાકીય અને ઐતિહાસિક દરજ્જાને માન આપ્યા વિના તોડી પાડવાની કાર્યવાહી મનસ્વી રીતે કરવામાં આવી રહી છે. આ અંગે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દસ્તાવેજો રજૂ કર્યા હતા, જેમાં વિવાદિત જમીન સોમનાથ ટ્રસ્ટના કબજામાં હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. એસજીએ કહ્યું કે અરજદારના દાવાઓ ભ્રામક છે અને સરકારને ગેરકાયદે બાંધકામો દૂર કરવાનો અધિકાર હોવાનું જણાવ્યું હતું.
ગુજરાત સરકાર પ્રસિદ્ધ સોમનાથ મંદિર પાસે ગેરકાયદે બાંધકામો સામે ડિમોલિશન અભિયાન ચલાવી રહી છે. આ અભિયાન હેઠળ 57 એકર વિસ્તારમાં ફેલાયેલા ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવી રહ્યા છે. જે ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં મુસ્લિમ સમુદાયના અનેક ધાર્મિક સ્થળો અને રહેઠાણોનો સમાવેશ થાય છે. ગુજરાત સરકારનું કહેવું છે કે ગેરકાયદે બાંધકામો દરિયાને અડીને આવેલા છે અને ગેરકાયદેસર છે. જો કે, ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને ખાતરી આપી હતી કે ગેરકાયદેસર બાંધકામમાંથી મુક્ત કરાયેલી જમીન સરકાર પાસે રહેશે અને આગળના આદેશો સુધી કોઈપણ ત્રીજા પક્ષને ફાળવવામાં આવશે નહીં. જે બાદ ખંડપીઠે કહ્યું કે આ સ્થિતિમાં અમને કોઈ વચગાળાનો આદેશ પસાર કરવો જરૂરી નથી લાગતો.
બીજી તરફ પટ્ટણી મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવેલ અરજીમાં સુપ્રીમ કોર્ટના 17 સપ્ટેમ્બરના આદેશના કથિત ઉલ્લંઘન બદલ રાજ્યના અધિકારીઓ સામે અવમાનનાની કાર્યવાહી શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી. તેના આદેશમાં સર્વોચ્ચ અદાલતે સમગ્ર દેશમાં બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો હતો. અન્ય વાદી તરફથી વરિષ્ઠ વકીલ હુઝૈફા અહમદી હાજર થયા હતા. તેમણે દાવો કર્યો હતો કે કાયદેસર વકફ જમીન પર સ્થિત બાંધકામોને નિશાન બનાવવામાં આવ્યા હતા. સાથે જ તેઓએ જે જગ્યાએ બાંધકામ તોડી પડાયા છે ત્યાં મંદિરો યથાવત રાખવામાં આવ્યા હોવાનું અને માત્ર મુસ્લિમ સમાજના જ બાંધકામ તોડવામાં આવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.અહમદીએ તેમના અસીલની આશંકા વ્યક્ત કરી કે જો સરકાર કોઈ ત્રીજા પક્ષને જમીન ફાળવવા પ્રયાસ કરી રહી છે.