રાજકોટ TRP અગ્નિકાંડ કેસમાં ‘મનુષ્ય વધ’ની કલમ રદ કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર : સસ્પેન્ડેડ ફાયર ઓફિસરની અરજી ફગાવી
રાજકોટ TRP અગ્નીકાંડનો કેસમાં હાલ બંને તરફે હાલ અદાલતમાં કાયદાકીય દાવપેચ ચાલી રહ્યા છે. ત્યારે આરોપી એવા સસ્પેન્ડ ફાયર ઓફીસર રોહિત વિગોરા દ્વારા કેસમાંથી બીનતહોમત છોડી મુકવા માટે તેમજ ” મનુષ્ય વધ” ની કલમ દૂર કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં ઉચ્ચ ન્યાયાલય દ્વારા સ્પેશિયલ હુકમ કરીને રાજકોટ સેશન્સ કોર્ટમાં રજૂ કરેલા ચાર્જફ્રેમને ચકાસી અરજી ફગાવી દેવામાં આવી હતી.
આ કેસની હકીકત એવી છે કે, રાજકોટ શહેરના કાલાવડ રોડ નજીકના નાનામૌવા વિસ્તારમાં આવેલા TRP ગેમઝોનમાં ગઈ તા.25/05/2024ના રોજ આગ ફાટી નિકળતા નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહીતના 27 લોકોના મૃત્યુ થઈ ગયેલ હતા. આ બનાવવાળી જગ્યાનું ફાયર એન.ઓ.સી. લેવામાં ન આવેલ હોવા છતા તંત્ર દ્વારા ગેમઝોનના ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીઓની સાંઠગાંઠ હોવાના કારણે આ ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું,
જે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને TRP ગેમઝોનના ભાગીદારો, સંચાલકો તેમજ મહાનગર પાલીકાના જવાબદાર અધીકારીઓ સહીતના કુલ 15 આરોપીઓ વિરૂધ્ધ ગુન્હો નોંધી જેલ હવાલે કરવામાં આવેલ હતા અને સદર કેસમાં ચાર્જશીટ થયા બાદ અદાલતમાં ટી.પી.ઓ. મનસુખ સાગઠીયા, એ.ટી.પી.ઓ. રાજેશ મકવાણા, જયદિપ ચૌધરી, ગૌતમ જોષી, ડે.ચીફ ઓફિસર ભીખા ઠેબાં, ધવલ ઠકકર અને નિતીન જૈન દ્વારા કેસમાં ચાર્જફેમ થયા પહેલા કેસમાંથી બિનતહોમત છોડી મુકવા (ડિસ્ચાર્જ) અરજી કરાયેલ હતી. જે અરજી રાજકોટ સેશન્સ અદાલત નામંજુર કરવામાં આવેલ હતી.
આ પણ વાંચો :રાજકોટમાં સગીરા પર દુષ્કર્મ-સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર નરાધમને જીવે ત્યાં સુધી કેદ : ગુનામાં મદદ કરનાર મહિલાને પણ 10 વર્ષની સજા
આ હુકમ સામે ગુજરાત હાઈકોર્ટમાં આરોપીઓએ અરજી કરેલ હતી જે અરજીઓ ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ કરતા આરોપીઓ પૈકી ફાયર ઓફીસર રોહિત વિગોરા દ્વારા સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરાયેલ હતી જે દરમ્યાન સેશન્સ અદાલતમાં આરોપીઓ વિરૂધ્ધ તહોમતનામું (ચાર્જફેમ) ફરમાવી દેવામાં આવતા આરોપીએ તહોમતનામાની વિગતો પણ પડકારેલ હતી જે અરજી સર્વોચ્ચ અદાલત દ્વારા સેશન્સ અદાલત દ્વારા ફરમાવવામાં આવેલ તહોમતનામાને ઘ્યાને લીધા બાદ ફગાવી દીધી હતી. આ કેસમાં આરોપી વતી સેશન્સ કોર્ટમાં સરકાર તરફે સરકારી વકીલ તુષાર ગોકાણી અને નીતેશ કથીરીયા કેસ કાર્યવાહી ચલાવી રહેલ છે.
