પ્રજાજનો માટે ‘સુખદેણ’ અને ગુનેગારો માટે ‘સિંહ’ એવા સુખદેવસિંહ ઝાલાની ચીર વિદાય : શાસ્ત્રોક્ત વિધિથી કરાયા અંતિમસંસ્કાર
રાજ્યના પોલીસબેડાની એક એવી ઉમદા પ્રતિભા કે જેના નામ માત્રથી પોલીસ કોન્સ્ટેબલથી લઈ ઉચ્ચ અધિકારીઓમાં હકારાત્મક પ્રેરણા ઉદુભવે એવા નિવૃત્ત ડીવાયએસપી સુખદેવસિંહ ઝાલાનું આજે હૃદય રોગનો હુમલો આવતા દેહાંત થયું હતું. પોલીસ ડિપાર્ટમેન્ટ તેમજ અસંખ્ય લોકો માટે શોક છવાઈ ગયો છે. નખશીખ શુધ્ધ, પ્રમાણિક અધિકારી સુખદેવસિંહ ઝાલા પ્રજા માટે સુખદેણ અને ગુનેગારો માટે સિંહ હતા. ચમરબંધીઓ (ગમે તેવા ખેરખાઓ, ગુનેગારો) માટે કાળ તથા પ્રજાજનો માટે પ્રેમાળ વ્યક્તિત્વ હતા. સદ્ગતના નશ્વરદેહની તેમના વતન લખતરના ઝમર ગામે અંતિમવિધિ કરાઈ હતી. શનિવારે તેમનો જન્મ દિવસ હતો.

સુખદેવસિંહ ઝાલાએ MSC સુધી અભ્યાસ કર્યો
સુખદેવસિંહ ઝાલા એવું વ્યક્તિત્વ કે કડક અધિકારી છાપ હતી કે કોઈપણ શહેર-જિલ્લામાં ક્રાઈમનો રેશિયો અપ હોય, અસામાજિકો, માફિયાઓ, ગુનેગારોનું જાણે સામ્રાજ્ય હોય ત્યાં સુખદેવસિંહ ઝાલાનું પોસ્ટિંગ થતાની સાથે જ આવા ગુંડાઓ, મવાલીઓ, ગેંગો માટે કપરા ચઢાણ કે કાળરૂપ કામગીરીનો આરંભ થતો હતો. ઝમર ગામના સુખદેવસિંહ ઝાલાએ એમએસસી સુધી અભ્યાસ કર્યો હતો. તેઓ 1975-76ની બેંચમાં PSI તરીકે સિલેક્ટ થયા હતા.

છલાસર ગામે લગ્ન થયા હતા. સંતાનમાં પૂત્ર, પૂત્રી છે. પ્રથમથી જ કર્મ એ જ પહેલો ધર્મ માનારા સુખદેવસિંહ ઝાલાએ સૌરાષ્ટ્રમાં રાજકોટ રૂરલ, જસદણ, મોરબી, જામનગર જિલ્લો, સલાગા, જામખંભાળીયા, પોરબંદર જિલ્લો કે જ્યાં ગુનાઈત તત્વોની જાળ બિછાયેલી રહેતી આવા જિલ્લાઓમાં જ મહુત્તમ ફરજ બજાવી હતી. ગુનેગારોને સફાયો કર્યો હતો. સુખદેવસિંહ ઝાલાનું જ્યાં પોસ્ટિંગ થતું ત્યાં ગુનેગારો કાં તો પોતાના કારનામાઓ સંકેલી લેતા હતા અથવા તો શહેર, ગામ છોડી જતા હતા. નિર્દોષો, નબળાઓ માટે સુખ અને દેવરૂપ તથા ગુનેગારો માટે સિંહુ હોવાની છાપ ધરાવતા હતા.
જસદણમાં કાળોકેર વર્તાવનારા ગુનાઈત તત્વોને સુખદેવસિંહે ભોંભેગા કર્યા હતા. આરટીઆઈ એક્ટિવિસ્ટ રહીત લોહિયાના હત્યાના કેસમાં પણ સુખદેવસિંહને તપાસ સોંપાઈ હતી. વર્તમાન કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સામે બેહીચક બનીને સુખદેવસિંહ ઝાલાએ કાયદાકીય કાર્યવાહી કરી હતી. દેશના એક ઉચ્ચ ઉદ્યોગપતિને પણ પરમીશન ન હોવાથી એરપોર્ટ પર અટકાવ્યા હતા જે કિસ્સો પણ જે તે સમયે ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. સાયલામાં તેઓની ધાકથી ગુનેગારો સામેથી હથિયારો જુમા કરાવી ગયા હ તાજીયા ગેંગનો મુખ્ય આરોપી સુખદેવસિંહની ટ્રીટમેન્ટથી સુધરીને હોટલ સંચાલક બની ગયો હતો.

કોર્ટ મુદ્દતે પણ પિતામ્બર કપડામાં જ જતા, ગામમાં 10 હજાર વૃક્ષો વાવ્યા
પોલીસ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવ્યા સમયે તો હોય પણ નિવૃત્તિ બાદ પણ ઘણાખરા અધિકારીઓ, કર્મીઓને ખાખીનો રંગ ઉતરતો નથી. સુખદેવસિંહ ઝાલા આવા વ્યક્તિઓ માટે ઘડારૂપ હતા. સુખદેવસિંહ ગાયત્રી માતાજીના ઉપાસક હતા. ડીવાયએસપી પદેથી નિવૃત્ત થયા બાદ સુખદેવસિંહે પીળા કલરના ઝભ્ભો, ધોતીજ ધારણ કરી લીધા હતા. હરિદ્વારના શાંતિકુંજ આશ્રમમાં પણ જીવન ગાળતા હતા. ગુરૂદેવના આદેશથી તેમના વતન ઝમર ગામે સુખદેવસિંહે 10 હજારથી વધુ વૃક્ષો વાવ્યા હતા અને જાતે જ પાણી પીવડાવતા, માવજત કરતા હતા. દિવસે લાઈટના ઈસ્યુ હોવાથી તેઓ રાત્રે બે-ત્રણ વાગ્યા સુધી વૃક્ષોને પાણી પીવડાવતા. નિવૃત્તિ બાદ જૂના કેસની કોર્ટ મુદ્દતોમાં પણ તેઓ સાધુ જેવા પિતામ્બર કપડામાં જ જતા હતા.
ઓનેસ્ટ, જનતા કે હિત મે બેસ્ટ ઓફિસર થે ઝાલાઃ નિવૃત IPS સતિષ વર્મા

ગુજરાત જ નહીં દેશમાં એક કડક આઈપીએસ ઓફિસરની છાપ ધરાવનાર નિવૃત્ત અધિકારી સતિષ વર્માએ ‘વોઇસ ઓફ ડે’ સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, સુખદેવસિંહ ઝાલા ‘બહોત ઓનેસ્ટ, જનતા કે હિત મે બેસ્ટ ઓફિસર થે મિ. ઝાલા’ (ખુબ જ પ્રમાણિક, પ્રજાહિતમાં સતત કાર્યશીલ અધિકારી). હું (સતિષ વર્મા) પોરબંદર તથા જામનગર જિલ્લામાં એસ.પી. હતો ત્યારે સુખદેવસિંહ ઝાલાએ મારા તાબામાં પોલીસ મથક, એલસીબીમાં ફરજ બજાવી હતી. ઝાલા એકદમ વિશ્વાસપાત્ર ઓફિસર હતા. જે વર્ક સોંપાયું કે હાથ પર લે તે કામ પૂર્ણ ન થાય કે પરિણામ સુધી ન પહોંચે ત્યાં સુધી દોડે અને ટીમને દોડાવતા રહે. કર્મનિષ્ઠ અધિકારીની વિદાયથી દુઃખ થયું છે.
સુખદેવસિંહની પ્રમાણિકતા, પોલીસ માટે આદર્શ રહેશેઃ IPS હસમુખ પટેલ

ભાવનગર જિલ્લાના તત્કાલીક એસ.પી., ગૌણસેવા પસંદગી મંડળના ચેરમેન નિષ્ઠાવાન, પ્રમાણિક આઈપીએસ ઓફિસર હસમુખ પટેલે ‘વોઇસ ઓફ ડે’ સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, સુખદેવસિંહે મારા તાબામાં ભાવનગરમાં પીઆઈ તરીકે કામ કર્યુ હતું. પ્રમાણિક, અસરકાર અધિકારી હતા. રાજ્યની આવનારી પોલીસ પેઢી, અધિકારીઓ માટે આદર્શ રહેશે. તેઓએ એક કિસ્સો યાદ કરતા જણાવ્યું હતું કે મને સૌથી મોટો આઘાત ત્યારે લાગ્યો હતો કે આવા કર્મશીલ અધિકારીને સસ્પેન્ડ કરાયા હતા. આ પગલાંથી જે તે સમયે એક તબક્કે પોતે (હસમુખ પટેલ) પણ વિચાર્યુ કે મારે રાજીનામું આપી દેવું છે. સફર આ નિર્ણય એક સાથી ઉચ્ચ અધિકારીને કહ્યો ત્યારે તેમણે સમજાવ્યું હતું કે ઉકળતા પાણીમાં પ્રતિબિંબ નહીં દેખાય, સુખદેવસિંહે સસ્પેન્શન બાદ પણ ત્રણ દિવસ સુધી પોતાનું પેન્ડિંગ કામ પૂર્ણ કર્યું હતું જે તેમની કાર્યનિષ્ઠા હતી.
આ પણ વાંચો : બબ્બે પ્રયાસ છતાં ‘રાજકોટ મહાનગરપાલિના ‘બાબુ’ઓને જમાડવા કોઈ નક્કી થતું નથી! નવેસરથી ટેન્ડર પ્રસિદ્ધ
ફરજના અંતિમ દિવસે ડીવાયએસપીનું પ્રમોશન, બે વખત અપાયું હતું એક્સ્ટેન્શન
પીઆઈ સુખદેવસિંહ ઝાલાનો ફરજનો આખરી દિવસ હતો. રિટાયર્ડ થવાના હતા. નિવૃત્તિ વિદાયમાનની સીઆઈડી ક્રાઈમ કચેરીમાં તૈયારીઓ થઈ ચૂકી હતી. ત્યાં જ અંતિમ દિવસે તેમને ડીવાયએસપીનું પ્રમોશન મળ્યું હતું અને સાથે છ માસનું એક્સ્ટેન્શન અપાયું હતું જે પૂર્ણ થયા બાદ ફરી છ માસ ફરજ મુદત વધારો અપાયો હતો. જો કે ત્યારબાદ સુખદેવસિંહે સામેથી જ એક્સ્ટેન્શન ન આપવા રજૂઆત કરી નિવૃત્તિ લઈ લીધી હતી.
અમારી ભરતીના સાથી અધિકારીઓ માસ્તર કહી ચીડવતાઃ જે.બી. જાડેજા
સુખદેવસિંહ સાથે જ ૧૯૭૫-૭૬ની બેંચના પીએસઆઈ હાલ નિવૃત્ત પોલીસ ઓફિસર જે.બી. જાડેજાએ જણાવ્યું હતું કે, અમારી એ સમયની બેંચમાં હું (જે.બી. જાડેજા) અને સુખદેવસિંહ હનુભા ઝાલા બન્નને બીએસસી અને ત્યારબાદ એમએસસી સુધીનો અભ્યાસ કરનારા સાયન્સ સ્ટુડન્ટ હતા. એ સમયે અમારા સાથીદારો અમને બન્ને તો માસ્તરની લાઈનના છે કહી ચીડવતા. જો કે સુખદેવસિસંહ મનમાં જે એક વખત વિચારે તે કર્યે પાર કરે જેવો સ્વભાવ ધરાવતા હતા. નિવૃત્તિ બાદ કયારેક પ્રસંગોપાત મળ્યા પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી કોન્ટેક્ટમાં હતા.જ્યારે અન્ય એક નિવૃત્ત પીઆઈ એ.જે.જાડેજાએ કહ્યું કે 1983માં અમે ભરતી થયા ત્યારે એમની સાથે નોકરી કરવા મળી એ જીવનનો અમૂલ્ય સમય હતો જે આજે પણ ન ભૂલી શકાય.
આ પણ વાંચો : પાટીદારોએ મગજ કેમ શાંત રાખવું એ જૈનો પાસેથી શીખવું જોઈએઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
કાયદો બધા માટે સરખો, સાથી અધિકારીનું પણ વાહન ડિટેઇન કરેલું
સુખદેવસિંહ સાથે પ્રોબેશન પિરિયડમાં જે તે સમયે ૯૫ની સાલમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવનાર હાલ નિવૃત્ત ડીવાયએસપી વી.જે. ગઢવીએ કિસ્સો ટાંકતા કહ્યું હતું કે, તેઓ એટલા સ્ટ્રીક અને ઓનેસ્ટ હતા કે સલાયામાં તેમની છાપ સાથે એવી એક કહેવત ગુનેગારોમાં થઈ હતી કે હિતે ઝાલો ઉપર ઉપરવાળો, હેડો દરિયો વંજેણો કીત્તે જાવું (નીચે ઝાલા ઉપર કુદરત બાજુમાં દરિયો એટલે હવે જાવું ક્યાં) ફરજનિષ્ઠ એવા કે માત્ર રાત્રે બે-ત્રણ કલાક સુવે, તેઓ ક્યારેક પોલીસ ચોકીમાં ટેબલ પર જ સુઈ રહેતા સ્ટાફને પણ ત્યાં ૨૪ કલાક જેમ ડયુટી કરવી પડતી. મારા જ સંબંધીનું બાઈક ડિટેઈન કર્યું, છોડ્યું ન હતું એવા કાયદો બધા માટે સરખો તેવું માનનારા ઓફિસર હતા. પોલીસ ડિપાર્ટમેન્ટને મોટી ખોટ પડી.