ભારતની જીત બાદ દહેગામમાં નીકળેલા સરઘસમાં બે કોમ વચ્ચે પથ્થરમારો: 15થી વધુ વાહનોમાં તોડફોડ
રવિવારે ICC Champions Trophy 2025ની ફાઈનલ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે ન્યુઝીલેન્ડ 4 વિકેટે હરાવીને ઈતિહાસ રચ્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમની આ સિદ્ધિની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી હતી. ત્યારે દહેગામના કસ્બા વિસ્તારમાં સરઘસ નિકળતાબે સમુદાયો વચ્ચે ઘર્ષણ થયું હતું. દુબઈમાં રમાયેલી ફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે પરાજિત કરી ત્રીજું ટાઇટલ જીત્યું હતું, જે બાદ વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. જો કે, સરઘસ દરમિયાન તણાવ ઉભો થતા પથ્થરમારાની ઘટના બની હતી.ઘર્ષણ વકરી જતા પથ્થરમારો શરૂ થયો, જેમાં 15થી વધુ વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી.જ્યારે આ ઘટનાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
બનાવની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દહેગામ પહોંચ્યા અને મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ ખડકી દેવામાં આવ્યો હતો. જ્યારે પ્રશાસન દ્વારા શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અધિકારીઓએ ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓમાં સામેલ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાના સંકેત આપ્યા છે. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ વિસ્તાર હજુ પણ સંવેદનશીલ છે. સ્થાનિકોને શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી રહી છે.