અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે પથ્થરમારો
કોંગ્રેસ કાર્યાલય બહાર રાહુલ ગાંધીના નિવેદનના વિરોધ દરમિયાન સ્થિતિ વણસી: રાજકોટમાં પણ કોંગ્રેસ કાર્યાલય બહાર સૂત્રોચ્ચાર કરાયા
અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ સામ સામે આવી ગયા હતા. રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભાજપ યુવા મોરચાના કાર્યકરો કોંગ્રેસ કાર્યાલય બહાર વિરોધ કરી રહ્યા હતા. આ સમયે પરિસ્થિતિ તંગ બની હતી અને સામસામે પથ્થરમારો પણ થયો હતો.
સંસદમાં રાહુલ ગાંધીના ભાષણ બાદ સમગ્ર દેશમાં ભાજપ દ્વારા કોંગ્રેસ કાર્યાલય બહાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે અમદાવાદમાં ભાજપના કાર્યકરો કોંગ્રેસ કાર્યાલય ખાતે એકઠા થઈને વિરોધ કરી રહ્યા હતા. આ સમયે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયો હતો. થોડા જ સમયમાં પરિસ્થિતિ વણસી હતી અને બંને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે પથ્થરમારો થયો હતો. જેમાં કેટલાક પોલીસ જવાનો પણ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.
ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરાતા વિરોધ વચ્ચે સ્થિતિ વણસી હતી અને પથ્થરમારા ઉપરાંત સામસામે કાચની બોટલો પણ ફેંકાઇ હતી. કાર્યકર્તાઓ પોલીસ સાથે પણ ઘર્ષણમાં ઉતર્યા હતા. આ સમયે ટીંગાટોળી અને ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. જાણવા મળતી માહિતી પ્રમાણે સોમવારે મોડી રાત્રે બજરંગ દળના કાર્યકર્તાઓમાં પણ રોષ જોવા મળ્યો હતો અને રાહુલ ગાંધીના પોસ્ટર્સ પર કાળો સ્પ્રે છાંટવામાં આવ્યો હતો.
તો બીજી તરફ રાજકોટમાં પણ કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. શહેર યુવા ભાજપના કાર્યકર્તાઓ જિલ્લા પંચાયત ચોકથી કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા અને રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવ્યા હતા. ભાજપના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધી હિન્દુઓની માફી માંગે જેવા ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મેયર નયનાબેન પેઢડીયા સહિતના આગેવાઓ હાજર રહ્યા હતા.
