રાજ્યનું પ્રથમ IVF સેન્ટર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શરૂ થશે : વંધ્યત્વની સમસ્યાઓનો સામનો કરી રહેલા દંપતીઓ માટે આશાનું કિરણ
- ઝનાના હોસ્પિટલ અથવા ટ્રોમા સેન્ટરમાં ટૂંક સમયમાં આઈવીએફના સાધનો વસાવી સેન્ટર શરૂ થવાના સંકેત
રાજકોટ : આજના ઝડપી યુગમાં વધેલા જંતુનાશક દવાઓના વપરાશ તેમજ ખાનપાન અને વ્યસનના કારણે ઉપરાંત શારીરિક સમસ્યાને કારણે અનેક લોકો વંધ્યત્વની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જો કે, માતૃત્વ-પિતૃત્વની ઝંખના સેવતા યુગલો માટે આજના આધુનિક વિજ્ઞાને આઇવીએફ એટલે કે, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન સારવાર પદ્ધતિ વિકસાવી છે. પરંતુ આઇવીએફ પધ્ધતિથી સંતાન પ્રાપ્તિ માટે ખર્ચ વધી જતો હોય મધ્યમવર્ગીય કે ગરીબ પરિવારના લોકો આવી મોંઘી સારવાર કરાવી શકતા નથી.જો કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રાજ્યમાં સૌ પ્રથમ કહી શકાય તેવું આઇવીએફ સેન્ટર ટૂંક સમયમાં જ શરૂ થાય તે માટે ગતિવિધિ તેજ બની છે. આ આઇવીએફ સેન્ટર માતૃત્વ ઝંખતા ગરીબ-મધ્યમવર્ગીય લોકો માટે આશીર્વાદરૂપ બની રહેશે.
આજના સમયમાં સમગ્ર વિશ્વમાં અનેક લોકો વિવિધ કારણોસર ઈનફર્ટિલિટી એટલે કે વંધ્યત્વની સમસ્યાનો સામનો કરી રહી છે, બિરલા ફર્ટિલિટી સેન્ટરના આંકડા મુજબ વિશ્વના 4.80 કરોડ દંપતી અને 18 કરોડથી વધુ લોકો વંધ્યત્વથી પીડાઈ રહ્યા છે. જો કે, આજના આધુનિક વિજ્ઞાન અને મેડિકલ સાયન્ટિસ્ટોએ વંધ્યત્વની બીમારીનો ઉપચાર શોઘી કાઢી અનેક લોકોની માતૃત્વ-પિતૃત્વની ઝંખનાને ફળીભૂત કરી છે. પ્રવર્તમાન સમયમાં રાજકોટમાં અનેક ખાનગી આઇવીએફ સેન્ટર આવેલા છે જ્યાં સૌરાષ્ટ્રભરમાંથી માતૃત્વ ઝંખતા અનેક દંપતીઓ સારવાર માટે આવી રહ્યા છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા પણ આઇવીએફ સેન્ટર શરૂ કરવા તજવીજ શરૂ કરવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ નવા એમસીએચ બિલ્ડીંગ અથવા તો ટ્રોમા સેન્ટર ખાતે આઇવીએફ સારવાર અંતે સેન્ટર શરૂ કરવા જરૂરી સાધનો ખરીદી કરી પીપીપીના ધોરણે મેન પાવર મેળવી આઇવીએફ સેન્ટર શરૂ કરવામાં આવશે, આ માટે સરકારમાં દરખાસ્ત પણ કરી દેવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.સાથે જ ગાયનેક વિભાગ અને સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા વહેલામાં વહેલી તકે આઇવીએફ સેન્ટર શરૂ થાય તે માટે સંકલન સાધી કામગીરી કરવામાં આવી રહી હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.

શું છે આઇવીએફ ટેક્નિક
આઇવીએફ એટલે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. વંધ્યત્વની સમસ્યાઓનો સામનો કરી રહેલા કે પછી એકથી વધુ વખત કસુવાવડ અને ગર્ભપાતની સમસ્યાથી પીડાઈ રહેલા હોય તેવા યુગલો માટે માતાના ગર્ભાશયની બહાર પુરુષના શુક્રાણુ વડે સ્ત્રીના અંડાણુને ફલિત કરવા અને લેબોરેટરીમાં વિકસાવવામાં આવેલા ભ્રૂણને સ્ત્રીના ગર્ભાશયમાં પ્રત્યારોપિત કરવા વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી એક અત્યાધુનિક ટેકનિક છે.
એક લાખથી અઢી લાખ સુધીનો ખર્ચ થાય છે IVF
રાજકોટ સહિત રાજ્યભરમાં અનેક ખાનગી આઇવીએફ સેન્ટરોમાં ધમધોકાર પ્રેકટીશ ચાલી રહી છે, સામાન્યતઃ આઈવીએફથી સંતાન ઇચ્છતા માતા-પિતાને ટ્રીટમેન્ટ માટે કમસેકમ એક લાખથી દોઢ લાખ સુધીનો સારવાર ખર્ચ કરવો પડતો હોવાના આંકડા સામે આવ્યા છે. જો કે, સરકારી હોસ્પિટલમાં આ સુવિધા શરૂ થાય તો ચોક્કસ પણે લોકોને નજીવા દરે આ સુવિધા પ્રાપ્ય બની શકશે.