આવું કાયમી જરૂરી: રાજકોટ પોલીસે કલાકોમાં પીધેલા, હથિયારો સાથે ૧૦૦થી વધુને પકડયા
ટૂ વ્હિલર્સમાં છરી કે આવા હથિયારો કે પીધેલા નીકળેલા ઝપટે ચડ્યા: શહેરભરમાં પોલીસનું ચેકિંગ: દેશી દારૂના ધંધાર્થીઓ પર
પણ તવાઇ: ૧૦૦ કલાકની કામગીરી પુરતું સિમિત ન રહે તે જરૂરી
રાજ્યમાં ૧૦૦ કલાકના અલ્ટિમેટમની અસર જોવા મળી રહી છે. રાજકોટ શહેર પોલીસ પણ સક્રિય બનીને બે દિવસથી દોડવા લાગી છે. ફિલ્ડમાં ઉતરેલી પોલીસે શહેરભરમાં ચેકિંગ દરમિયાન વાહનોમાં પીધેલા નીકળેલા, છરી કે આવા હથિયારો સાથે ફરતા ૧૦૦થી વધુ શખસોને ઝડપી પાડ્યા છે. પોલીસના લિસ્ટ મુજબ રાજકોટમાં દારૂના ૩૦૧ ધંધાર્થીઓ છે તેના પર પણ પોલીસે તવાઈ આરંભી છે.
અલગ-અલગ સ્થળે દરોડા પાડી આવા કેટલાક ધંધાર્થીઓને પણ ઝપટમાં લીધા છે. ફિલ્ડમાં ઉતરેલી પોલીસની કામગીરી સારી કહેવાય પરંતુ આવું કામ કાયમી કે સમયાંતરે થતું રહેવું જોઈએ તો જ ગુનેગારો અને ગુનાખોરી કાબુમાં રહે. ૧૦૦ કલાકના કામના આંકડા બતાવવા પુરતું સિમિતિ ન રહી જાય.
ડીજીપીના આદેશનું પાલન કરવા રાજકોટ શહેરમાં પોલીસ કમિશનરની સૂચના સાથે અધિકારીઓ સક્રિય બન્યા છે. સંબંધિત પોલીસ મથકોના વિસ્તારોમાં સ્થાનિક અધિકારીઓ, સ્ટાફ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ, પીસીબી, એલસીબી, એસઓજી, અન્ય બ્રાન્ચ, સ્કવોડ પણ કામે લાગી છે. છરી સાથે એ-ડિવિઝન પોલીસે એક શખસને, બી-ડિવિવઝન પોલીસે ચાર શખસોને, જ્યારે તડીવાર બે સગ્ગાભાઈ વિશાલ અનિલ વિસપરા અને કુશાલને તેમજ અન્ય એક શખસ મહેશ દિનેશભાઈ રાઠોડને પકડી પાડ્યા હતા.
ભક્તિનગર પોલીસે ચારને પીધેલા, હથિયાર સાથે, થોરાળામાંથી ફરસી સાથે એક પકડાયો, ગાંધીગ્રામ પોલીસે બેને ઝડપી લીધા. જ્યારે યુનિવર્સિટી પોલીસે ચાર શખસોને હથિયાર લઈને નીકળતા પકડી પાડ્યા હતા.
શહેરમાં પોલીસ ૧૦૦ કલાકની કડક કાર્યવાહી માટે ફિલ્ડમાં ઉતરી છે જેમાં પીધેલાઓ, છરી-કૂહાડી
સાથેના ૧૦૦થી વધુ સપડાયા, ઘણા સ્થળે દેશી દારૂના ધંધાર્થીઓને ત્યાંથી દારૂનો જથ્થો મળી આવતા આવા તત્વો સામે પણ ગુનાઓ નોંધીને ધરપકડ કરાઈ છે.
પોલીસની આવી સક્રિયતા કે પોલીસ ખરેખર રોજીંદા તો કદાચિત ન કરી શકે કે થઈ શકે પરંતુ સમયાંતરે આવી કવાયત કરે તો અસામાજિક તત્વોમાં ભય રહે તેમજ સામાન્ય જન સાથે સરવાળે પોલીસને પણ શાંતિ મળે.