રાજ્ય સરકારનું આકરું પગલુ : રાજકોટનાં ઈન્ચાર્જ ચેરિટી કમિશનરની સત્તા ઉપર કાપ, ચાર્જ આંચકી લેવાયો
એક અભૂતપૂર્વ પગલામાં, રાજ્ય સરકારે ચેરિટી કમિશનર આર.વી. વ્યાસ પાસેથી બધી સત્તાઓ છીનવી લીધી છે. એટલું જ નહી તેમણે લીધેલા નિર્ણયો પણ રદ કરી દીધા છે અને તેમની કામગીરી અન્ય અધિકારીઓને એલોટ કરી દીધી છે. રાજ્ય સરકારે એક જાહેરનામા દ્વારા આર. વી. વ્યાસ પાસેથી રાજકોટ અને અમદાવાદની ચેરિટી કમિશનરની ઓફિસનો ચાર્જ પણ પરત ખેંચી લીધો છે. સરકારે રાજકોટના સંયુક્ત ચેરિટી કમિશનરનો ચાર્જ ભાવનગરના સંયુક્ત ચેરિટી કમિશનર સીકે જોશીને સોંપવામાં આવ્યો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકારે ચેરિટી કમિશનર આર.વી. વ્યાસ પાસેથી વિવિધ કેસોની સુનાવણી અને નિર્ણય લેવાની સત્તા છીનવી લીધી છે. આ ઉપરાંત તેમના દ્વારા પસાર કરાયેલા આદેશો પણ રદ કર્યા છે. રાજ્ય સરકારે કોઈ ચેરિટી કમિશનરની સત્તાઓ છીનવી લીધી હોય તેવી આ પહેલી ઘટના છે.
રાજ્યને ચેરિટી કમિશનરની ઓફિસની કામગીરી અને સમયમર્યાદામાં તેનો નિકાલ કરવામાં થઇ રહેલી ઢીલને કારણે જૂના કેસોના ભરાવા અંગે અસંખ્ય ફરિયાદો મળી હતી. આ સુત્રોએ કહ્યું હતું કે, ગુજરાત ચેરિટી બાર એસોસિએશને સરકાર અને કાયદા વિભાગને પત્રો લખીને ચેરિટી કમિશનરની કામગીરી અંગે ફરિયાદ કરીહતી અને કાયદા સચિવને એક મેમોરેન્ડમ પણ સુપરત કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આર.વી. વ્યાસને નિવૃત્તિ પહેલાં જ ચેરિટી કમિશનર તરીકે બઢતી આપવામાં આવી હતી અને તેમનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતો.

કાનૂની વિભાગના નાયબ સચિવ એ.કે. ગોહિલ દ્વારા જારી કરાયેલ એક જાહેરનામામાં જણાવાયું છે કે, “ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ, 1950 ની કલમ 8 હેઠળ આપવામાં આવેલી સત્તાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. કલમ 8 હેઠળ કરવામાં આવેલા આદેશો પણ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે છે.
આ પણ વાંચો : રાજકોટમાં સ્પાના માલિકે નોકરીના પ્રથમ દિવસે જ મહિલાકર્મી પર આચર્યું દુષ્કર્મ : અફિણની ગોળી આપ્યાનો આરોપ
જાહેરનામા મુજબ, અમદાવાદ ઝોન અને અમદાવાદ ગ્રામ્ય હેઠળ આવતા ટ્રસ્ટો પર અધિકારક્ષેત્ર ધરાવતા ચેરિટી કમિશનર અને સંયુક્ત ચેરિટી કમિશનરનો ચાર્જ વડોદરાના સંયુક્ત ચેરિટી કમિશનર ડૉ. યોગિની સિમ્પીને સોંપવામાં આવ્યો છે. જયારે રાજકોટ ખાતે સંયુક્ત ચેરિટી કમિશનરનો ચાર્જ ભાવનગરના સંયુક્ત ચેરિટી કમિશનર સીકે જોશીને સોંપવામાં આવ્યો છે.
આર.વી. વ્યાસ સવારે 11-30વાગ્યે ઓફિસમાં આવીને બપોરે 12-30થી 2 વાગ્યા સુધી જ સુનાવણી કરતા હતા અને તેમની ઓફિસમાં 200 થી વધુ કેસ પેન્ડીંગ છે તેવી ફરિયાદ ઉઠી હતી. આ સિવાય તેમની નીચેના અધિકારીઓ પણ આવુ જ કરતા હતા અને તેને લીધે બેકલોગ વધતો જતો હતો. ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો અને રાજ્ય તકેદારી વિભાગને પણ વ્યાસ સામે કેટલીક ફરિયાદો મળી હતી તેવું જાણવા મળ્યું છે.

રાજકોટના ઇન્ચાર્જ મદદનીશ ચેરિટી કમિશનર પણ બદલાયા
રાજ્યના કાયદા વિભાગ દ્વારા રાજકોટ ચરીટી કમિશનર કચેરીના ઇન્ચાર્જ મદદનીશ ચેરીટી કમિશનરને તાત્કાલિક અસરથી ચાર્જ છોડવા હુકમ કરી નવા ઇન્ચાર્જ મદદનીશ કમિશનર તરીકે બોટાદના અધિકારીની નિમણુંક કરવામાં આવી છે.
રાજકોટની પ્રાદેશિક ચેરિટી કમિશનર કચેરીમાં લાંબા સમયથી ઇન્ચાર્જના હવાલે ચાલી રહી છે ત્યારે કાયદા વિભાગે લાંબા સમયથી ઇન્ચાર્જ ચેરિટી કમિશનર તરીકે ચાર્જમાં રહેલા મોરબીના પી.બી.જાડેજાને તાત્કાલિક અસરથી ચાર્જ છોડવા હુકમ કરી તેમના સ્થાને બોટાદના મદદનીશ ચેરિટી કમિશનર બી.કે.વાજાને રાજકોટની જવાબદારી સુપરત કરી છે.સાથે જ આ ઓર્ડરમાં મદદનીશ ચેરિટી કમિશનર બી.કે.વાજાને સોમવાર અને મંગળવારે બોટાદ ખાતે તેમજ બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવારે રાજકોટ ખાતે ફરજ બજાવવા હુકમ કર્યો છે.
