એસ.ટી. હવે વેનિટી વેન સેવા શરુ કરશે : પ્રત્યેક વેન પાછળ 50 લાખથી 2 કરોડનો થશે ખર્ચ
અમદાવાદથી રાજકોટ, સુરત અને વડોદરા જેવા શહેરો માટે વોલ્વો જેવી લક્ઝરી બસ સેવા શરુ કરીને પ્રવાસીઓને એક સારી સુવિધા આપનાર એસ.ટી નિગમ ટૂંક સમયમાં રાજ્યમાં વેનિટી વેનની સેવા શરુ કરવા જઈ રહી છે. આ માટે રાજ્ય સરકારે પ્રાથમિક ધોરણે 5 કરોડનું ફંડ ફાળવ્યુ છે.
સુત્રો અનુસાર, સરકાર થોડા સમયમાં આવી વેનિટી વૈન મેળવવા માટે ટેન્ડર બહાર પાડશે. પ્રત્યેક વેનની કિંમત 50 લાખથી 2 કરોડ રૂપિયા વચ્ચે હશે. ગુજરાતમાં વિદેશથી પ્રવાસીઓ આવે ત્યારે આ પ્રકારની સુવિધાની માંગ કરતા હોય છે. ઘણી વખત વિદેશથી આખું ગ્રુપ જુદા જુદા સ્થળે જવા માટે આવતું હોય છે. જો આવી લક્ઝરીયસ વેનિર્ટી
વેન હોય તો તેઓ આવી વેન ભાડે લઈને પોતાનો પ્રવાસ માણી શકે છે. આ સિવાય ગુજરાતમાં ઘણા એવા પરિવારો પણ છે જે સમૂહમાં પ્રવાસ કરવા ઈચ્છે છે પણ વોલ્વો બસમાં તેમની પ્રાયવસી જળવાતી નથી. આ સિવાય ફિલ્મ પ્રોડક્શન યુનિટ, કોર્પોરેટ કંપનીઓ અને સરકારના મહાનુભાવો પણ આવી સર્વિસની ડીમાંડ કરતા હોય છે. આવી વેનિટી વેનમાં ગ્રીન રૂમની સુવિધા હશે.. આ ઉપરાંત નાનો કોન્ફરન્સ રૂમ, સ્લીપિંગ માટેની જગ્યા અને નાની રીફ્રેશમેન્ટ માટેની જગ્યા પણ ઉપલબ્ધ હશે. સરકારી સુત્રને એવી આશા પણ છે કે, આ કારવા એટલે કે વેનિટી વેનનું સંચાલન એસ.ટી.નિગમ દ્વારા કરવામાં આવશે પરંતુ કોઈ ખાનગી એજન્સીઓ પણ સંચાલન માટે ઝંપલાવી શકે છે.