રાજકોટ સહિત 4 શહેરોમાં બનશે દિવ્યાંગો માટે ખાસ ગાર્ડન! 21 પ્રકારની વિકલાંગતા ધરાવતા લોકો માટે આ ગાર્ડન સેન્સરી-થેરાપી સેન્ટર તરીકે કાર્ય કરશે
ગુજરાત સરકાર આગામી બજેટની તૈયારી કરી રહી છે ત્યારે આ વખતે આ બજેટમાં રાજકોટ સહિત ચાર મોટા શહેરોમાં દિવ્યાંગો માટે ખાસ દિવ્યાંગ મૈત્રીપૂર્ણ ગાર્ડન બનાવવાની જાહેરાત થવાની શક્યતા છે. આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રના નાગપુર ખાતે વિકસાવાયેલા દિવ્યાંગ ગાર્ડનની સફળ પેટર્ન પર આધારિત હશે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ અંગે ઉચ્ચ સ્તરે બેઠકો અને ચર્ચાઓ પૂર્ણ થઈ ચૂકી છે અને હવે અંતિમ મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી છે. જો તમામ પ્રક્રિયા સમયસર પૂર્ણ થાય તો 17 ફેબ્રુઆરીએ રજૂ થનારા રાજ્ય બજેટમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
આ ખાસ ગાર્ડન 21 પ્રકારની વિકલાંગતાઓ ધરાવતા દિવ્યાંગજનોને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવશે. ગાર્ડન માત્ર ફરવા માટેનું સ્થળ નહીં પરંતુ એક સંપૂર્ણ સેન્સરી અને થેરાપી સેન્ટર તરીકે કાર્ય કરશે. દૃષ્ટિહીન લોકો માટે સ્પર્શ અને સુગંધ દ્વારા અનુભવ મેળવી શકાય તેવી વ્યવસ્થા રહેશે.
આ પણ વાંચો :ગીરની અદભુત સવાર! મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સાસણ ગીરમાં ગીર જંગલ સફારીની મુલાકાત લઇ સિંહ દર્શન કર્યા
ખાસ ટેક્સચર બ્લોક્સ, સુગંધિત છોડ અને બે્રઇલ લિપિમાં લખેલી માહિતી દ્વારા તેઓને સ્વતંત્ર રીતે ફરવાનો અનુભવ મળશે. માનસિક રીતે વિકલાંગ બાળકો, ઓટિઝમ અને સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો માટે અલગ શાંતિપૂર્ણ રૂમ, સેન્સરી ઝોન અને સુરક્ષિત રમણ વિસ્તારો તૈયાર કરવામાં આવશે. વોટર થેરાપી, ફિઝિયોથેરાપી અને ઓક્યુપેશનલ થેરાપી માટે જરૂરી સાધનો પણ ગાર્ડનમાં ઉપલબ્ધ કરાશે. વ્હીલચેર ઉપયોગ કરનારાઓ માટે ખાસ હીંચકા, લપસણી અને સરળ પ્રવેશ માર્ગો બનાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલમાં શહેરી વિકાસ વર્ષ ઉજવાઈ રહ્યું છે અને આવનારા સમયમાં અમદાવાદ સહિત રાજ્યના મહાનગરોમાં મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું આયોજન થઈ રહ્યું છે. સાથે જ ચાર મહાનગરોમાં દિવ્યાંગ વસ્તી નોંધપાત્ર છે. અમદાવાદમાં 2.50 લાખથી વધુ, સુરતમાં 1.80 લાખથી વધુ, વડોદરામાં 90 હજારથી વધુ અને રાજકોટમાં 70 હજારથી વધુ દિવ્યાંગ લોકો હોવાનો અંદાજ છે.
ત્યારે આ ગાર્ડનોથી હજારો પરિવારોને સીધો લાભ મળશે. આ સંદર્ભમાં દિવ્યાંગ મૈત્રીપૂર્ણ ગાર્ડનનો સમાવેશ શહેરી વિકાસની દિશામાં એક નવી દૃષ્ટિ ઉમેરે છે.
