બેટા ઉભો થા,દીકરા જો પપ્પા આવ્યા…!’રાજકોટની નવયુગ સ્કૂલનો 13 વર્ષનો વિદ્યાર્થી રિસોર્ટના સ્વિમિંગ પુલમાં ડૂબી ગયો,માતા-પિતાનું હૈયાફાટ રુદન
ગીર-સોમનાથ જિલ્લાના સાસણ ગીરમાં આવેલા ધ ગીર ગેટ-વે રિસોર્ટમાં એક દૂર્ઘટના બનવા પામી હતી જેમાં હાથીખાનામાં આવેલી નવયુગ સ્કૂલનો 13 વર્ષનો વિદ્યાર્થી રિસોર્ટના સ્વિમિંગ પુલમાં ન્હાવા પડ્યા બાદ તરતાં આવડતું ન હોવાથી બહાર જ ન નીકળી શકતા પાણીની અંદર જ તેનું મૃત્યુ નિપજતાં ચકચાર મચી જવા પામી હતી.
આ અંગે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે નવયુગ સ્કૂલ (હાથીખાના) દ્વારા ધો.5થી 12માં અભ્યાસ કરતા 157 વિદ્યાર્થીઓ માટે સોમનાથ, દેવળિયા અને સાસણના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસ ગુરૂવારે રાત્રે રાજકોટથી રવાના થઈને સોમનાથ પહોંચ્યો હતો. શુક્રવારે સવારે સોમનાથ પહોંચ્યા બાદ દર્શન કરી તમામ દેવળિયા પાર્ક જવા માટે નીકળ્યા હતા. જો કે વચ્ચે ભોજન માટે ધ ગીર ગેટ-વે રિસોર્ટમાં રોકાણ કર્યું હતું. તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ફ્રેશ થવા તેમજ ભોજન માટે રિસોર્ટમાં ગયા બાદ થોડી જ વારમાં નવયુગ સ્કૂલના ધો.8માં અભ્યાસ કરતો હાર્દિક બારૈયા નામનો 13 વર્ષીય વિદ્યાર્થી નજર ચૂકવીને સ્વિમિંગ પુલમાં ન્હાવા પડ્યો હતો.
હાર્દિક ન્હાવા ગયો હોવાનું કોઈના ધ્યાન પર આવ્યું ન્હોતુ પરંતુ પુલમાં પડ્યાની થોડી જ વારમાં હાર્દિક પાણીની અંદર તરફડિયા મારવા લાગ્યો હતો આમ છતાં કોઈની નજર તેના ઉપર ન પડી હોવાને કારણે આખરે તે ડૂબી જતાં હોટેલ સ્ટાફે દોડી જઈ તેને તાલાળાની સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં હાર્દિકનું પ્રાણપંખેરું ઉડી જવા પામ્યું હતું.
જાણવા મળ્યા પ્રમાણે નવયુગ સ્કૂલના 12 શિક્ષકો પણ પ્રવાસમાં સાથે ગયા હતા આમ છતાં તેમની નજરમાં પણ હાર્દિક ન્હાવા પડ્યાનું ધ્યાન પર ન આવતા બેદરકારી છતી થવા પામી હતી. આ ઘટના બનતા જ તાત્કાલિક પ્રવાસ ટૂંકાવી તમામને રાજકોટ લાવવામાં આવ્યા હતા જ્યારે હાર્દિકના માતા-પિતા વ્હાલસોયા સંતાનનો મૃતદેહ લેવા માટે તાલાલા પહોંચ્યા હતા.
હાર્દિક ન્હાવા કેવી રીતે પહોંચી ગયો તેનો કોઈને ખ્યાલ ન રહ્યોઃ જયદીપ જલુ
નવયુગ સ્કૂલના સંચાલક જયદીપ જલુએ `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે હાર્દિક બારૈયાએ આરટીઈ હેઠળ સ્કૂલમાં એડમિશન મેળવ્યું હતું. સ્કૂલ દ્વારા દરેક વિદ્યાર્થી પાસેથી 950 રૂપિયા પ્રવાસ ફી ઉઘરાવી આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. તમામ ધ ગીર ગેટવે રિસોર્ટમાં જમવા તેમજ ફ્રેશ થવા માટે રોકાયા ત્યારે નજર ચૂકવીને હાર્દિક સ્વિમિંગ પુલમાં ન્હાવા માટે કેવી રીતે પહોંચી ગયો તેનો કોઈને જ ખ્યાલ આવ્યો ન્હોતો. આ મુદ્દે જવાબદાર શિક્ષકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો :સાસણમાં સ્વિમિંગપુલમાં ડૂબી જતાં રાજકોટની નવયુગ સ્કૂલનાં 13 વર્ષીય વિદ્યાર્થીનું મોત : શાળાના પ્રવાસ દરમિયાન બની ઘટના
બે પોલીસમેન સાથે રાખવાનો નિયમ છતાં કોઈ હાજર ન્હોતું
ગત તા.29-5-2025ના રાજ્ય પોલીસવડા વિકાસ સહાય દ્વારા તમામ શાળાના આચાર્યને સંબોધિને એક આદેશ કરવામાં આવ્યો હતો જે પ્રમાણે શાળા દ્વારા વિદ્યાર્થીઓ માટે આયોજિત થતી પિકનીક સહિતની ટુર વખતે ફરજિયાત બે પોલીસ કર્મચારીને સાથે રાખવા ફરજિયાત કરાયા હતા. આ ઉપરાંત શાળાના આચાર્ય દ્વારા પ્રવાસ ગોઠવાય એટલે સ્થાનિક પોલીસ મથકમાં જાણ કરવા સહિતના નિયમો અમલી બનાવાયા હતા પરંતુ આ પ્રવાસ સાથે કોઈ પોલીસ કર્મચારી હાજર ન હોવાનું સંચાલક જયદીપ જલુએ જણાવ્યું હતું.
