કેટલાંક એવા પરિવાર કે જેમના માટે દિવાળીનો તહેવાર ‘તહેવાર’ ન રહ્યો : ‘વોઇસ ઓફ ડે’ એ દાખલ દર્દી-પરિજનોની વેદના જાણી
દિવાળીની ઉજવણી લોકો પરિવાર સાથે કરતા હોય છે. મીઠાઇ-ફરસાણ અને બહાર હોટલમાં જમવા જતા હોય છે.તેમજ દિવાળી પર લોકો આવડત મુજબ નાની-મોટી ખરીદી કરીને આ ઉત્સવ મનાવે છે. પરંતુ ક્યારેક કોઈકના પરિવારમાં આ તહેવારની ઉજવણી કરવાનું લખ્યું જ ન હોય તેવી ઘટના તેમની સાથે બની જતી હોય છે.દિવાળીની ખરીદી કરી પરિવાર સાથે ઉજવણી કરીશું તેવું આ લોકોએ પણ વિચાર્યું હોય છે.અને કોઈ એ તો તેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી હોય છે.પરંતુ તેઓનો તહેવાર હોસ્પિટલના ધક્કા ખાવામાં જ પૂરો થઇ જતો હોય છે.ત્યારે વોઇસ ઓફ ડે દ્વારા તહેવારમાં સિવિલ હોસ્પિટલ સારવાર લઇ રહ્યા દર્દી અને તેમના પરિવારની વેદના જાણી હતી.અને હસી ખુશીનો સમય તેમના માટે કેમ કપરો બની ગયો તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો.
વર્ષોથી જે પિતા સાથે નથી બોલતા તે સંતાનો અકસ્માતના સમાચાર સાંભળી તહેવારને મૂકી પિતા પાસે દોડી આવ્યા
ગોંડલમાં રહેતા અને શ્રી રામ ટ્રાવેલ્સમાં ક્લીનર તરીકે નોકરી કરતા નાગજીભાઈ ઠાકરશીભાઈ પાનેલીયા નામમાંના 67 વર્ષીય વૃદ્ધ દસ દિવસ પૂર્વે પડધરી પાસેના એક ગામમાં બસમાં ડ્રાઇવર સાથે ગયા હતા.તે સમયે બસમાં ચડી વેળાએ તેઓ અકસ્માતે રોડ પર પટકાયા હતા.તે સમયે બસનું ટાયર તેમન પગ પર ફળી વળતા તેમને ગંભીર ઇજા પહોંચતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.અને તેમના પગનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.વોઇસ ઓફ ડે સાથેની વાતચીતમાં નાગજીભાઈએ જણાવ્યું હતું કે,તેમને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે.જેમાં બંને પુત્રો સુરતમાં રહીને કામ કાજ કરે છે.બંને દીકરાઓના લગ્ન થઇ જતા નાગજીભાઈ ગોંડલમાં રહેવા આવી ગયા હતા.અકસ્માત બાદ પગનું ઓપરેશ થતા તબીબોએ તેમના બંને દીકરાઓને જાણ કરી હતી.અને બંને દીકરાઓ તહેવારોની ઉજવણી મૂકીને પોતાના પિતાને મળવા માટે રાજકોટ આવવા નીકળી ગયા હતા.જેથી જે પિતા સાથે બંને પુત્રોને મનમેળ થતો ન હતો.તે પિતાની આ હાલત જોય તેઓ તહેવારની ઉજવણીને પડતી મૂકી પિતા પાસે આવ્યા હતા.
બહેને દિવાળીના તહેવારની ઉજવણી અકસ્માતમાં ઘવાયેલા ભાઈની સારસંભાળ કરી કરશે
નવાગામમાં રહેતા પ્રેમશંકર તુરહા નામનો 20 વર્ષીય યુવક ગત રવિવારે નવાગામમાં કારખાનેથી નોકરી પરથી છૂટી ચાલીને ઘરે જઈ રહયો હતો.તે સમયે બાઈક ચાલકે તેને ઠોકરે ચડાવ્યો હતો.અને અકસ્માત સર્જી બાઈક ચાલક નાશી ગયો હતો.પ્રેમશંકરને પગ અને મોઢા પર ગંભીર ઇજા પહોંચી હોવાથી સારવાર માટે સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો.અને અહીં તેના પગમાં ફેક્ચર હોવાથી તેમાં સળિયા નાખવામાં આવ્યા હત.જયારે વોઇસ ઓફ ડે સાથેની વાતચીતમાં પ્રેમશંકરની મોટી બહેન સુનિતાબેને જણાવ્યું હતું કે,અમારા પરિવારનો તહેવાર હોસ્પિટલમાં જ જતો રહે છે. જન્માષ્ટમી પર મારા પુત્રને પગમાં ઇજા પહોંચતા તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.ત્યારે દિવાળી પર મારા ભાઈની આ હાલત થઇ છે.હજુ કંપનીમાંથી પગાર આવ્યા બાદ ખરીદી કરવાનું અમે ભાઈ બહેન વિચારી રહ્યા હતા.ત્યાં આ ઘટના બની હતી.જેથી હું દિવાળીના તહેવારની ઉજવણી નહિ પરંતુ ઘવાયેલા ભાઈની સારસંભાર કરીશ.
દિવાળીની ખરીદી કરવાનું વિચારી ઘરે પહોંચે તે પૂર્વે જ મહિલાનો ગંભીર અકસ્માત થયો
રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર આંબેડકર નગરમાં રહેતા ઉષાબેન દિનેશભાઈ ચૌહાણ નામના 39 વર્ષીય મહિલા કે જેઓ ફોર્ચ્યુન હોટલ પાસે આવેલા એક ઓફિસમાં નોકરી કરે છે.ચાર દિવસ પૂર્વે તે કારખાનેથી કામ ન હોવાથી વહેલા છુટીને ચાલીને ઘરે જઈ રહ્યાં હતા.અને સાંજે તેમની બે દીકરીઓ અને પતિ સાથે કપડાં તેમજ અન્ય વસ્તુઓની ખરીદી કરવા જવાનું વિચારી રહ્યા હતા.તે સમયે જ સામેથી પુરપાટ ઝડપે આવ્યા બુલેટના ચાલકે તેમને ઠોકરે ચડાવ્યા હતા.અને ગંભીર અકસ્માત સર્જ્યો હતો.આ ઘટનામાં ઉષાબેનને માથામાં હાથમાં તેમજ પગમાં ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક પરિવાર દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.અને અહીં તેમના હાથ તેમજ પગનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.વોઇસ ઓફ ડે સાથેની વાતચીતમાં ઉષાબેનના નાના બહેન ભાવનાબેને જણાવ્યું હતું કે,તેમના બહેનની બે દીકરીઓ છે જેમાંથી એક પાંચમાં ધોરણમાં અને એક દસમાં ધોરણમાં અભ્યાસ કરે છે.કંપનીમાં પગાર મળવાનો હોવાથી તેઓ સાંજે દીકરીઓ માટે કપડાંની ખરીદી કરવા માટે જવાનું વિચારી રહ્યા હતા.અને બોપરના સમયે ઘરે જઈ રહ્યાં હતા.ત્યારે કોને ખબર હતી કે,તેઓની દિવાળી હોસ્પિટલમાં જવાની છે.
જે ભાણેજને ફટાકડા ફોડવાનો વધુ હરખ હતો તે જ દિવાળી પર હોસ્પિટલના ખાટલે પડ્યો છે.
ગોમટા ગામે રહેતા રસિકભાઈ લીંબડીયાનો 13 વર્ષનો પુત્ર રસિક ત્રણ દિવસ પૂર્વે ઘર પાસે રમી રહ્યો હતો.ત્યારે તેની પાછળ હડકાયું કૂતરું પડતા તે જીવ બચાવવા ભાગ્યો હતો.અને તે સમયે દીવાલમાં લગાડેલી લોખંડની જાળી પર ચડવા જતા તે નીચે પટકાયો હતો.અને જાળી ગુપ્ત ભાગમાં ફસાતા ત્યાં ગંભીર ઇજા પહોંચી હતી.જેથી તેને રાજકોટ સિવિલમાં પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો છે.’વોઇસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં રસિકના માસી રમિલાબેને જણાવ્યું હતું કે,તેના ભાણેજને દિવાળી પર ફટાકડા ફોડવાનો સૌથી વધુ હરખ છે.પંરતુ આ ઘટના બનતા તે હાલ હોસ્પિટલના ખાટલે પડ્યો છે.અને હજુ 15 દિવસ હોસ્પિટલમાં સારવાર માટે રાખવાનો છે.