રાજકોટમાં સોનીની ઓફિસમાંથી તસ્કરો માત્ર 10 મિનિટમાં કળા કરી ગયા: સોનાના દાગીના અને રોકડ ચોરી રફુચક્કર
રાજકોટમાં જવાહર રોડ પર મારૂતિ કોમ્પલેક્ષમાં ચોથા માળે આવેલી ઓફિસના બારીના કાચ તોડી અહીંથી 10.11 લાખની કિંમતના ઘરેણા અને રૂપિયા 70 હજાર રોકડ સહિત 10.81 લાખની મતા ચોરી થઇ હોવાની એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સીસીટીવી ફૂટેજમાં ટોપી પહેરેલો શખસ નજરે પડયો હતો. જેના આધારે પોલીસે ચોરીના આ બનાવનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.
શહેરના જામનગર રોડ પર પુનિતનગર-૨ શેરી નંબર ૪ માં રહેતા ધવલભાઈ અશોકભાઈ નાગર (ઉ.વ ૩5) દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ જવાહર રોડ પર ગેલેક્સી હોટલ સામે આવેલી માકૃતિ કોમ્પલેક્ષ નામના એપાર્ટમેન્ટમાં ઓફિસ નંબર 412 માં મીના ગોલ્ડ બાયર નામે છેલ્લા સાત વર્ષથી ઓફિસ ધરાવે છે અને તેમાં સોના ચાંદીની ખરીદીનો વેપાર કરે છે ઓફિસની માલિકી તેમની તથા તેમના ભાગીદાર ઉપેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજાની છે.
ગત તારીખ 15/3/2025 ના સાંજના આઠેક વાગ્યે રાબેતા મુજબ તેઓ ઓફિસનું કામ પૂરું કરી ઓફિસ બંધ કરી ઘરે ગયા હતા.તા. 16 ના રવિવાર હોવાથી ઓફિસ બંધ હતી ત્યારબાદ તારીખ 17/3 ના સવારના 9:45 વાગ્યા આસપાસ તેઓ રાબેતા મુજબ ઓફિસે આવ્યા હતા ત્યારે ઓફિસ ખોલી અંદર જતા સામેની દીવાલમાં આવેલ બારીનો કાય તૂટેલો હતો અને કાચના ટુકડાઓ નીચે પડયા હોય દિવાલમાં તથા બેસવાની ખુરશીમાં લોહીના ડાઘા જોવામાં આવ્યા હતા, જેથી ઓફિસમાં ટેબલમાં રાખેલ કિંમતી દાગીનાની તપાસ કરતા સોનાનો ચેન વજન 35 ગ્રામ કિંમત રૂપિયા 30,000, હાથમાં પહેરવાની સોનાની બે બંગડીઓ વજન ૪૫ ગ્રામ કિંમત રૂપિયા 220 લાખ, તૂટેલો ઓછા કેરેટનો સોનાનો હાર જે રીપેરીંગ માટે આવ્યો હોય વજન 35 ગ્રામ કિંમત રૂપિયા એક લાખ, એક જોડી બુટ્ટી વજન 3.6 ગ્રામ કિંમત રૂપિયા 30,૩૩૦, એક જોડી બંગડી કિંમત રૂપિયા 129 લાખ, મંગળસૂત્ર 24.4 ગ્રામ કિંમત રૂપિયા બે લાખ એમ કુલ 158.8 ગ્રામ સોનું જેની કિંમત રૂપિયા 10.11 લાખ હોય તેમજ ઓફિસમાં રાખેલ રોકડ રૂપિયા 70,000 સહીત કુલ રૂપિયા 10.81 લાખની મત્તા ચોરી થઈ ગયાનું માલુમ પડયું હતું, જેથી આ બાબતે તેમણે તેમના ભાગીદાર ઉપેન્દ્રસિંહ જાડેજાને ફોન કરી જણાવ્યું હતું.
ત્યારબાદ અહીં ઓફિસમાં લગાવેલા સીસીટીવી કેમેરા ‘જોતા તા. 17/3 ના રાત્રીના 1. 31 કલાકે એક અજાણ્યો શખસ જેણે ટોપી પહેરી હોય તથા લાંબા વાળ હોય જોવામાં આવ્યો હતો આ શખસ માત્ર દસ મિનિટના સમયગાળામાં અહીંથી ચોરી કરી નાસી ગયો હોવાનું માલુમ પડયું હતું, જેથી આ મામલે વેપારીએ જ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.