હિસ્ટ્રિશીટર હાર્દિકસિંહ જાડેજાને SMCએ સુરત પોલીસને સોંપ્યો : રાજકોટ પોલીસને થોડું છેટું રહી ગયુ ને હાથમાંથી કબજો ગયો
રાજકોટ સહિતના શહેરોમાં ખૂન, લૂંટ જેવા ગંભીર ગુનાઓ આચરી ચુકેલા અને 17 દિવસ પૂર્વે રીબડા અનિરૂધ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાવનાર વોન્ટેડ હિસ્ટ્રિશીટરને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે કેરળના કોચીમાંથી ગઈકાલે દબોચી લીધો હતો. આરોપીને અમદાવાદ લવાયા બાદ સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં લૂંટ, હત્યા માટે અપહરણ સહિતના આરોપમાં એક વર્ષથી વોન્ટેડ હોવાથી સુરત પોલીસને હાર્દિકસિંહનો કબજો સોંપાયો છે. ત્યાંની તપાસ પૂર્ણ થયા બાદ રાજકોટ રૂરલ પોલીસને રીબડાના ગુનામાં કબજો મળશે.
રીબડા પેટ્રોલ પંપ ઉપર ગત તા. 24ના રોજ રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં બાઈક પર આવેલા બુકાનીધારી બે શખસો એક રાઉન્ડ ફાયર કરીને ભાગ્યા હતા. ફાયરિંગ થયા બાદ તુરંત જ વોન્ટેડ હાર્દિકસિંહ જાડેજાએ પોતે રાજદીપસિંહ સાથેની માથાકૂટનો બદલો લેવા ફાયરિંગ કરાવ્યાનો વીડિયો વાઈરલ કર્યો હતો. જે ગુનામાં રાજકોટ રૂરલ એલસીબીએ દસ દિવસ પૂર્વે યુ.પ. તથા અમદાવાદના ચાર ભાડૂતી મારાની ધરપકડ કરી હતી. હાર્દિકસિંહ હાથ આવ્યો ન હતો.
આરોપી હાર્દિકસિંહ રાજકોટમાં હત્યાના ગુનામાં પેરોલ પર ગત વર્ષે જામીન મુક્ત થયા બાદ તા.1-9-24ના રોજ જેલમાં હાજર થયો ન હતો અને વોન્ટેડ હતો. ત્યારબાદ હાર્દિકસિંહે ગત વર્ષે તા.29-11-24ના રોજ સુરતના રાંદેર વિસ્તારમાં વેપારીનું ખૂન કરવાના ઈરાદે અપહરણ કરી લૂંટ ચલાવી હતી. જે ગુનામાં પણ સુરત પોલીસના ચોપડે વોન્ટેડ હતો. કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ પણ ઈસ્યુ થયું હતું.
રાજ્યના પોલીસવડા વિકાસ સહાય દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલને આરોપીને પકડવા જવાબદારી સોંપાઈ હતી. SMCના એસપી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ SMCની ટીમો ટેકનીકલ સોર્સ તથા હ્યુમન સોર્સ આધારે હાર્દિકસિંહને શોધવા કામે લાગી હતી. આરોપી કેરળના કોચીમાં હોવાની માહિતી મળતા SMCની ટીમ તાબડતોબ કોચી પહોંચી હતી. આરોપી નાસી છૂટે એ પૂર્વે દબોચી લેવાયો હતો. રાજકોટના યુનિવર્સિટી રોડ પરની ભીડભંજન સોસાયટી-રમાં રહેતો જામકંડોરણાના અડવાળ ગામનો વતની હાર્દિકસિંહ કેરળના કોચીમાં કોચુપલ્લી રોડ પર થોપ્પુપડીમાં આવેલી સ્વામી હોટલ પાસે હતો અને ત્યાંથી SMCની ટીમે ઉઠાવી લીધો હતો. સુરત પોલીસને કબજો સોંપવામાં આવ્યો છે.
આ પણ વાંચો : હાય…હાય… રાજકોટની તિરંગા યાત્રામાં લાગેલા બેનરમાં પાકિસ્તાનના ફાઇટર પ્લેનનો ફોટો લગાવી દેવાયો!
રાજકોટ પોલીસને થોડું છેટું રહી ગયુ ને હાથમાંથી કબજો ગયો
હાર્દિકસિંહને શોધવા માટે સ્ટેટની ટીમ ઉપરાંત રાજકોટ શહેર, ગ્રામ્ય પોલીસની ટીમો પણ પાછળ હતી જ. SMC પહોંચી તેની સાથોસાથ રાજકોટ પોલીસ પણ કોચી પહોંચી હતી. જો કે તે મુળ જગ્યા પર હાર્દિકસિંહ સુધી પહોંચે તે પહેલાં SMC પહોંચી ગઈ હતી અને હાર્દિકસિંહને ઉઠાવી લીધો હતો. જો રાજકોટ પોલીસ એકાદ કલાક વહેલી પહોંચી હોત તો અહીંના ગુનામાં કબજો મળી શકત.
આ પણ વાંચો : ખાટુશ્યામથી પાછા ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત : પિક અપ અને ટ્રક વચ્ચે ટક્કર થતા 7 બાળક સહિત 11 લોકોના મોત
પોલીસથી બચવા ઠેકાણા ફેરવતા આરોપી પાસેથી 1680ની રોકડ નીકળી
મર્ડરમાં પેરોલ જમ્પ, સુરતના ગુનામાં વોન્ટેડ અને ત્યારબાદ રીબડામાં ફાયરિંગના ગુનામાં પણ નાસતો-ફરતો હતો. છેલ્લા 15 દિવસથી પોલીસની ટીમો સતત વોચમાં હતી. રાજકોટ સિટી પોલીસ, રાજકોટ રૂરલ એલસીબી ઉપરાંત ગોંડલ પોલીસ, સુરત પોલીસ અને SMC ની ટીમો હાર્દિકસિંહને શોધતી હતી. આરોપી અલગ-અલગ રાજ્યોમાં, શહેરોમાં જગ્યાઓ ચેન્જ કરી નાખતો હતો. આરોપી પાસેથી એક મોબાઈલ ફોન, જીઓ કંપનીનું રાઉટર, સીમકાર્ડ, આધાર કાર્ડ તથા માત્ર 1680ની રોકડ મળી આવી હતી.
