રાજકોટ સહીત રાજ્યના તમામ જિલ્લામાં આવતીકાલે સાયરન વાગશે : ઓપરેશન શિલ્ડ હેઠળ મોકડ્રીલનું આયોજન
દેશમાં ગત તા.7મી મે ના રોજ દેશભરના સરહદી જિલ્લાઓમાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજવામાં આવ્યા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન ઉપર હુમલો કરી ઓપરેશન સિંદૂર હાથ ધર્યા બાદ હવે આજે કેન્દ્ર સરકારના ગૃહ વિભાગના આદેશ મુજબ દેશભરમાં ઓપરેશન શિલ્ડ હેઠળ ફરી મોકડ્રિલ યોજવાનું જાહેર કર્યું છે. જે અન્વયે આવતીકાલે રાજ્યના તમામ જિલ્લામાં સાંજે પાંચ વાગ્યાથી સિવિલ ડિફેન્સ મોકડ્રિલ યોજવામાં આવશે સાથે જ રાત્રીના અંધારપટ્ટ પણ કરવામાં આવશે.
ભારત સરકારના આદેશ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં આવતીકાલે સાંજે 5:00 કલાકે ફરી એક વાર નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરવામાં આવશે. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ દુશ્મન દેશ તરફથી થતા કોઈપણ સંભવિત હુમલા સામે ટક્કર ઝીલવા આગોતરી તૈયારીના ભાગરૂપે ગુજરાતના દરેક જિલ્લામાં મોકડ્રીલનું આયોજન થશે.ઓપરેશન શિલ્ડ મોકડ્રીલ સંદર્ભે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ આજે ગુજરાતના તમામ જિલ્લા કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોકડ્રીલ અન્વયે કરવામાં આવેલી તૈયારીઓની વર્ચ્યુઅલ સમીક્ષા કરી હતી. સાથે જ, તેમણે મોકડ્રીલના સફળ અમલીકરણ માટે તમામ જિલ્લા કલેકટરોને જરુરી સૂચનાઓ પણ આપી હતી.

વધુમાં ડૉ. જયંતી રવીએ કહ્યું હતું કે, આ કવાયત દરમિયાન નાગરિક સુરક્ષાને લગતી સ્થાનિક પ્રશાસનની સુસજ્જતા, NCC, NSS, ભારત સ્કાઉટ એન્ડ ગાઇડ જેવા યુવા વોલીન્ટીયર્સની સેવાઓ લેવાની, દુશ્મનના વિમાની અને મિસાઇલ હુમલા સંદર્ભે એરફોર્સ અને નાગરિક સુરક્ષા કંટ્રોલ રુમ વચ્ચે હોટલાઇન ઉભી કરવાની, એર રેપિડ સાયરન કાર્યરત કરવાની, સંપૂર્ણ અંધારપટ કરી નાગરિકો અને તેમની જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવા જેવી વિવિધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો :જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે
આ ઉપરાંત સંભવિત હુમલા બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે મેડિકલ ટીમ અને રકતદાન સંદર્ભે જરુરી કાર્યવાહી કરવા તેમજ સંભવિત યુદ્ધની પરિસ્થિતિમાં બોર્ડર વિંગના હોમ ગાર્ડ્સ, આર્મ્ડ વિંગના જવાનોનું તાત્કાલિક ડીપ્લોયમેન્ટ કરવા સંદર્ભે જરુરી એક્શન પ્લાન બનાવવા સંદર્ભે પણ જિલ્લા કલેકટરશ્રીઓને જરુરી સૂચનાઓ આપવામાં આવી છે. સાથે જ, આ કવાયત દરમિયાન જરુરી તમામ વિભાગો અને સ્ટેકહોલ્ડર્સ દ્વારા સમયસર સંકલન બાબતે પણ કલેકટરઓને માહિતગાર કરવામાં આવ્યા હોવાનું તેમને જણાવ્યું હતું.