આજથી રાજકોટ જિલ્લાના 2256 BLOને SIRની તાલીમ : 4 નવેમ્બરથી ડોર ટુ ડોર SIRની કામગીરી માટે 48 લાખ ફોર્મ છપાવાયા
કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદાર યાદી શુદ્ધિકરણ માટે એસઆઈઆર લાગુ કરતા આગામી તા.4 નવેમ્બરથી રાજ્યમાં બુથ લેવલ ઓફિસર એટલે કે, બીએલઓ દ્વારા ડોર ટુ ડોર મતદારોની ચકાસણી કરવામાં આવશે. રાજકોટ જિલ્લામાં 23.91 લાખ મતદાર હોવાથી ચૂંટણી તંત્ર દ્વારા SIR માટે 48 લાખ ફોર્મ છાપવા કાર્યવાહી કરી છે અને આવતીકાલથી શહેર જિલ્લાના તમામ બીએલઓને SIR માટેની તાલીમ પણ આપવામાં આવશે.

રાજકોટ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.મૂછારના જણાવ્યા મુજબ કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશ અન્વયે તા.4 નવેમ્બરથી તા. 4 ડિસેમ્બર દરમિયાન જિલ્લાના આઠેય વિધાનસભા વિસ્તારમાં નોંધાયેલ કુલ 23,91,027 મતદારનું એસઆઈઆર કરવામાં આવશે. રાજકોટ જિલ્લામા SIRની કામગીરી માટે 2256 જેટલા બીએલઓ તેમના વિસ્તારમાં એક મહિના દરમિયાન SIRની કામગીરી કરશે. વધુમાં આવતીકાલથી તમામ બીએલઓને SIRની કામગીરી માટેની તાલીમ આપવામાં આવશે. જ્યારે તા.રના રોજ ગાંધીનગર ખાતે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓને તાલીમ અપાશે.
