રાજકોટને હાઇકોર્ટની બેંચની માંગણી ઉપર મૌન…રાજકીય મુદ્દો નહીં પણ સર્વપક્ષીય મુદ્દો બને તો ફળદાયી પરિણામની આશા
એક સમયે બળવત્તર બનેલી અલગ સૌરાષ્ટ્રની માંગ અત્યારે તો સાવ ભુલાઈ ગઈ છે પરંતુ આજના સમયની વ્યાજબી માંગ હાઇકોર્ટની અલગ બેંચ છે પરંતુ તે દિશામાં પણ જન પ્રતિનિધિઓ અને વકીલો ઉદાસીન શા માટે છે તે સમજાતુ નથી. બાર એસોસિએશનના હોદ્દેદારો પણ કોઈ પણ ખાસ એજન્ડા વગર એક વર્ષ પૂરું કરી નાખે છે તે પણ કડવી વાસ્તવિકતા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આ માંગણીને રાજકીય નહી પણ સર્વપક્ષીય બનાવવામાં આવે તો રાજકોટ જ નહી પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રને લાભ થાય તેમ છે.
આ પણ વાંચો : વિકાસ, વિકાસ અને વિકાસ : મુખ્યમંત્રીએ રાજકોટને 583 કરોડ ફાળવ્યા, નાગરિકોને ફાયદો જ ફાયદો
રાજકોટના એક વિદ્વાન વકીલે એક વાતચીતમાં કહ્યુ કે, રાજકોટને હાઈકોર્ટની અલગ બેંચ મળવી જ જોઈએ અને ન મળે ત્યાં સુધી આંદોલન અવિરત ચાલુ રહેવું જોઈએ. જો અલગ બેંચ માટે દક્ષિણ ગુજરાતમાંથી પણ માંગણી આવી હોય તો ત્યાં પણ એક બેંચ આપવી જોઈએ જેથી ભૌગોલિક સંતુલન જળવાઈ રહે અને તેનો લાભ બહોળા વર્ગને મળે. અત્યારે હાઈકોર્ટની બેંચ ન હોવાને કારણે અસીલોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. અત્યારે અમદાવાદના વકીલો ગોઠવણ કરવી પડે છે, આસમાની ફી ચૂકવવી પડે છે અને વારંવાર ધક્કા પણ સહન કરવા પડે છે. જો હાઈકોર્ટની બેંચ અહી ઘર આંગણે આપવામાં આવે તો કાયદાના શિક્ષણનું સ્તર ઊંચું આવશે એટલું જ નહિ પણ અસીલને ન્યાય પણ સસ્તો મળશે. વધુમાં વકીલોની ભાષા ક્ષમતામાં પણ સુધારો આવશે.
આ વકીલે કહ્યુ કે, 1960 પહેલા અલગ સૌરાષ્ટ્રની ડેવલપમેન્ટ કાઉન્સીલ અને હાઈકોર્ટની બેંચ પણ હતી. પરંતુ સમય જતા એકીકરણ થયુ અને સૌરાષ્ટ્ર પાસેથી આ સુવિધા છીનવાઈ ગઈ. ભૂતકાળમાં તો જયારે જયારે બાર એસોસિએશનની ચૂંટણી આવતી ત્યારે જેની પેનલ હોય તે હાઈકોર્ટની બેંચ માટે લડત કરશું તેવું વચન આપીને જીતી જતા હતા.
એક સમયે આ બિલ્ડીંગમાં સૌરાષ્ટ્રની હાઇકોર્ટ બેંચ બેસતી હતી

આઝાદી પછી સૌરાષ્ટ્ર સ્વતંત્ર રાજ્ય હતું અને પછી મુંબઈ રાજ્યમાં ભેળવી દેવામાં આવ્યું હતું. તા.1-5-1960થી ગુજરાત રાજ્યનો પ્રદેશ છે, ઈ.સ.1956 સુધી રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ચોક પાસે હાઈકોર્ટ બેન્ચ બેસતી હતી.
