ગુજરાતમાં ‘કાંડ’ કરવા આવેલા શાર્પ શૂટરોએ પોલીસ પર કર્યું ફાયરિંગ : 3 શૂટર ગણદેવી પહોંચ્યા’ને ખેલાયું ગોળીયુદ્ધ
એક બાજુ દિલ્હીમાં બ્લાસ્ટને કારણે આખો દેશ હચમચી ગયો છે ત્યારે બીજી બાજુ અમદાવાદ નજીક અડાલજ ટોલપ્લાઝા પાસેથી એટીએસ દ્વારા ત્રણ આતંકીઓની ધરપકડ કરવાના પડઘા હજુ શમ્યા નથી ત્યાં પરપ્રાંતના ચાર શાર્પશૂટર કે જેઓ ગુજરાતમાં કોઈ ગંભીર ગુનાને અંજામ આપવાના ઈરાદાથી નવસારી પાસેના ગણદેવી ખાતે એકઠા થયા હોય તેમને પકડવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કરતા પોલીસે પણ વળતું ફાયરિંગ કરી ચારેયને દબોચી લીધા હતા.

સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ ચંદ્રશેખર પનારાને બાતમી મળી હતી કે હરિયાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના શાર્પશૂટર્સ ગેરકાયદેસર હથિયાર સાથે નવસારી આવી ગયા છે અને ગણદેવીમાં મહાદેવ મંદિરના પાર્કિંગમાં એકઠા થઈ હાલ ગણદેવીમાં રહેતા મુળ રાજસ્થાનના શખસના કહેવાથી કોઈ ગંભીર ગુનાને અંજામ આપવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. આ બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ગણદેવી મહાદેવ મંદિરના પાર્કિંગમાં પહોંચી હતી જ્યાં ચાર શખસો જોવા મળતાં તેમની ધરપકડ કરવા તજવીજ શરૂ કરતા જ શૂટરોએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેના જવાબમાં પીઆઈ પનારાએ પણ સરકારી પીસ્તલમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કરતા હરિયાણાના યશસીંગ સુંદરસીંગને પગમાં ગોળી ઘૂસી ગઈ હતી.
આ પછી અન્ય ત્રણ શખસોએ ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે તેમને પકડી લીધા હતા પરંતુ ઝપાઝપી થવાને કારણે અમુક પોલીસજવાનને પણ ઈજા પહોંચતાં સારવાર કરાવાઈ હતી.

એકંદરે આ ઓપરેશન સાંગોપાંગ રીતે પાર પાડી સ્ટેટ મોનિટરિંગ સેલે યશસીંગ સુંદરસિંગ (રહે.હરિયાણા), રીશભ અશોક શર્મા (રહે.મધ્યપ્રદેશ) ઉપરાંત મદન ગોપીલાલ કુમાવત (રહે.રાજસ્થાન) અને આ ત્રણેયને બોલાવનાર મનિષ કાલુરામ કુમાવત (રહે.રાજસ્થાન)ને પકડી લીધા હતા.
પ્રારંભીક તપાસમાં ખુલ્યા પ્રમાણે યશસીંગ અને રીશભ સોમવારે સાંજે ટ્રેન મારફતે હથિયાર લઈ નવસારી આપ્યા હતા જ્યારે મદન કુમાવત પણ ટ્રેનમાં રાજસ્થાનની નવસારી આવ્યો હતો. આ લોકો પાસેથી 27 જીવતા કારતૂસ અને ત્રણ પીસ્તલ કબજે કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓ સામે હત્યા, ડ્રગ્સની હેરાફેરી, હથિયારની હેરાફેરી, ખંડણી, મારામારી સહિતના ગુના નોંધાયેલા છે.
શૂટર્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા છે કે નહીં, ગુજરાતમાં શું ગુનો કરવા આવ્યા હતા ? ટૂંક સમયમાં થશે ખુલાસો
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ત્રણ શૂટર્સ અને તેમને ગુજરાત બોલાવનાર શખસ સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે ત્યારે આ ચારેયને ખૂંખાર બિશ્નોઈ ગેંગ સાથે કોઈ લેવા-દેવા છે કે નહીં, ગુજરાતમાં આ લોકો કયા ગુનાને અંજામ આપવાના હતા તે સહિતના મુદ્દે પીઆઈ આર.જી.ખાંટને પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે આ અંગે ટૂંક સમયમાં સ્પષ્ટતા કરવામાં આવશે. આ લોકો બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા છે કે નહીં તે અંગે સઘન પૂછપરછ ચાલી રહી છે.
