જેતપુરમાં શરમજનક ઘટના: નરાધમે મિત્રની યુવાન પુત્રી પર 1 વર્ષ સુધી સમયાંતરે ગુજાર્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ
જેતપુર શહેરમાં માનવતા અને વિશ્વાસને લજવતી એક શરમજનક ઘટના સામે આવી છે. જેમાં પિતા સાથેની મિત્રતાનો ગેરફાયદો ઉઠાવી એક નરાધમે 25 વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની ખોટી લાલચ આપી એક વર્ષ સુધી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, જેતપુરની ફૂલવાડી વિસ્તારમાં રહેતા 30 વર્ષિય સુધીર ભટ્ટી નામના શખસે પીડિતાના પિતા સાથે મિત્રતાભર્યા સંબંધો હતા. આ સંબંધના નાતે આરોપીનો યુવતીના ઘરે અવારનવાર આવરો-જાવરો હતો. આ પરિચયનો લાભ ઉઠાવી સુધીરે યુવતી સાથે મિત્રતા કેળવી તેને પ્રેમજાળમાં ફસાવી દીધી હતી. આરોપીએ “મારે તારી સાથે જ લગ્ન કરવા છે” તેવા વાયદાઓ કરી એક વર્ષ પૂર્વે યુવતી સાથે પ્રથમવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ વાતની જાણ યુવતીના પરિવારને થતા ઘરમાં મોટો કંકાસ થયો હતો. યુવતીએ આરોપીના પ્રેમમાં પિતાનું ઘર છોડી દીધું હતું.
આ પણ વાંચો :રાજ્યભરમાં પોલીસ કર્મચારીઓએ પગાર માટે આ વખતે જોવી પડશે રાહ! ગ્રાન્ટના અભાવે પગાર મોડા થશે
ઘર છોડ્યા બાદ આરોપી સુધીરે યુવતીને જેતપુરમાં જ એક ભાડાની રૂમ રાખી આપી હતી. આ એક વર્ષ દરમિયાન હવસખોર સુધીર અવારનવાર યુવતી પાસે જતો અને લગ્નના બહાના હેઠળ તેનું યૌન શોષણ કરતો રહ્યો હતો. જ્યારે યુવતીએ હવે લગ્ન કરી લેવા માટે દબાણ કર્યું, ત્યારે નરાધમે પોતાનું અસલી રૂપ બતાવતા લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો.
અંતે, ભોગ બનનાર યુવતીએ જેતપુર સીટી પોલીસ મથકમાં લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાની કલમો હેઠળ ગુનો નોંધાવતા ગણતરીના કલાકોમાં જ નરાધમ સુધીર ભટ્ટીની ધરપકડ કરી છે.
