રાજકોટમાં સ્પાની આડમાં સેક્સના સોદા! બોડી મસાજના નામે શોખીનોને બંધ બારણે પીરસાય છે શૈયા સુખ
રાજકોટ મેટ્રોસિટી તરફ હરણફાળ ભરી રહ્યું છે સાથે સાથે દારૂ-ડ્રગ્સના દુષણ પણ વધી ગયા છે. સૌથી મોટું એક દુષણ હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનું વધ્યું છે. શહેરના પોશ વિસ્તારોમાં બિલ્ડિંગો કે કોમ્પ્લેક્સમાં સ્પા-બોડી મસાજના નામે ખુલ્લેઆમ સેક્સના સોદા થાય છે. બંધ બારણે હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ ચાલે છે. મહત્તમ સ્પામાં બોડી મસાજના નામે આવતા શોખીનોને સેક્સ રીલેટેડ બધી સર્વિસ પુરી પડાતી હોય છે. અગાઉ રાજકોટ શહેરમાં સ્પાના રૂપકડા નામ તળે સેક્સ રેકેટ પોલીસે જ પકડ્યા હતા પરંતુ હવે પોલીસની કોઈ લગામ ન હોય અથવા તો શું આડકતરી છૂટ હશે ? તે રીતે સ્પાના નામે શાંત સંસ્કારી નગરી ગણાતા રાજકોટ શહેરમાં સેક્સનું નેક્સસ ફૂલ્યું ફાલ્યું છે. સ્પાની આસપાસ રહેનારા લોકો માટે આવા સ્પા સમસ્યા બન્યા છે.
શહેરમાં સ્પામાં બોડી મસાજ કે આવા કામ માટે રખાતી યુવતીઓ સ્પા ગર્લ્સની સંબંધિત પોલીસ મથકોમાં નોંધ કરાવવી ફરજિયાત હોય છે અને સ્પા સેન્ટરની પણ નોંધ કરાવવી પડે માટે રાજકોટમાં ક્યા, કેટલા અને કેવા સ્પા ચાલે છે એ બાબતેથી પોલીસ અજાણ હોય તેવું માનવું શકય ન બને.

સ્પાના જાણકાર વર્તુળના જ કહેવા મુજબ શહેરમાં હાલ ક્રીમ એરિયાથી લઈ અન્ય ઘણા નાના વિસ્તારોમાં મળી નાના-મોટા 500થી વધુ બોડી મસાજ, સ્પા સેન્ટરો હશે જેમાં મહત્તમ સ્પા સંચાલકોની જગ્યા રેન્ટ પર હોય છે. સ્પામાં કેટલાક સ્વચ્છ એટલે કે માત્ર બોડી મસાજ સિવાય કોઈપણ એક પ્રકારની પણ બદી ગેરરીતિ ન ચાલતી હોય તેવા પણ સ્પા છે. જો કે આવા ગણ્યા ગાંઠ્યા જ હશે એમ કહી શકાય. બાકી મહત્તમ સ્પામાં બોડી મસાજ સાથે અન્ય સર્વિસ પુરી પાડવામાં આવે છે.
સ્પામાં મસાજની સાથે શોખીનો કે જેને જેવો શોખ કે નાણાં ખર્ચી શકે એ મુજબ અલગ-અલગ પેકેજમાં (સેક્સ સર્વિસ) ભાવ લેવામાં આવે છે. ઘણાખરા સ્પાના સંચાલકો કે સ્પા એવા હશે કે ત્યાં માત્રને માત્ર ચોક્કસ પ્રકારના બંધબારણે કામો જ થાય છે કે સેક્સ રેકેટ જ ચાલે છે, સ્પામાં આવનારા જરા પણ લપસણા દેખાય કે આવી કાંઈ ઈચ્છા ધરાવે તો તેઓ પાસેથી એક્સ્ટ્રા ચાર્જ વસુલીને માંગે તે સર્વિસ પુરી પડાતી હોવાની વાત છે. અગાઉ રાજકોટ શહેરમાં ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, એન્ટિહ્યુમન ટ્રાફિકિંગ યુનિટ, જે તે વિસ્તારોની પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા એક સાથે સ્પામાં સામૂહિક દરોડાઓ પડાતા હતા. ચેકિંગ થતું હતું જેને લઈને આ દુષણ થોડાઘણા અંશે કાબુમાં રહેતું હતું. ક્યાંક ક્યાંક ગેરરીતિઓ પકડાતી હતી. ઘણી વખત અગાઉ પોલીસે સ્પાના નામે ચાલતા સેક્સ સ્કેન્ડલ, દેહના સોદાઓ પકડેલા છે. ગુનાઓ નોંધાયા છે.

સ્પા સંચાલકોના બદલે મેનેજર કે આવા નોકરો પર કેસ કરીને બચાવ?
પોલીસ અત્યારે ક્યારેક ક્યારેક સ્પામાં ચેકિંગ કરે છે જેમાં સ્પા ગર્લ-સ્ટાફની નોંધ કરાવી છે કે કેમ ? તે બાબતની તપાસ કરાય છે અને ક્યાંક ક્યાંક જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરી દેવામાં આવે છે. ખરેખર તો સ્પાના સંચાલકો કે જે ઓનર (માલિક) હોય તેના પર ગુનો દાખલ થવો જોઈએ તેના બદલે જો ચોપડે બતાવવા ગુના કે કામગીરી બતાવવી પડે તો પોલીસ સ્પાના મેનેજર કે આવા કોઈ કર્મચારી મોટાભાગે તો નેપાળી, પરપ્રાંતિયો સામે જ ગુના નોંધવાની કામગીરી કરે છે. જો સ્પાના સંચાલક, માલિક સામે જ ગુના દાખલ કરવામાં આવે તો સ્પાના આડમાં થતી બદીઓ અટકી શકે. આવું નહીં કરવા પાચળ આડકતરી રીતે સ્પાના મુખ્ય જવાબદારનો બચાવ જ કર્યો ગણાય. બધા સ્પામાં ગેરરીતિઓ ચાલતી હોય એવું નથી ઘણા જેન્યુઅન સ્પા હશે કે ત્યાં માત્રને માત્ર લીગલી બોડી મસાજ જ થતા હશે જેથી બધા સ્પાને એક સરખા મૂલવી ન શકાય પરંતુ સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટના કારણે જેન્યુઅન સ્પા પણ આંચકો તો પામતા જ હશે.
સર બહુ સરસ અને યંગ સ્ટાફ આવ્યો છે, ક્યારે વિઝિટ કરો છો?

સ્પાના પગથિયા ચડી આવેલા વ્યક્તિઓને સમયાંતરે આમંત્રણ આપતા કોલ પણ કરવામાં આવે છે. સ્પા રિસેપ્શન પર મહત્તમપણે લેડીઝ હોય છે. સ્પામાં જનાર વ્યક્તિના મોબાઈલ નંબર નોટ કરવામાં આવે છે. કેવી રહી સર્વિસ ? સ્ટાફ ? સહિતની બાબતો પૂછવામાં આવે છે. જે તે સ્પામાં વ્યક્તિ ગયો હોય તેને થોડા દિવસ વિત્યે આમંત્રિત કરવા ફોન આવવા લાગે છે. હલ્લો સર કેમ છો ? હું ફલાણા સ્પામાંથી બોલું છું, કેમ હમણા આવ્યા નથી ? ક્યારે આવો છો ? હવે તો નવો અને યંગ સ્ટાફ પણ આવી ગયો છે ? સર્વિસ પણ સારી આપશે ? ક્યારે આવો છો ? સહિતના આવા વાક્યોથી સ્પામાં આવવા માટેનું આડકતરૂ નિમંત્રણ કે માર્કેટિંગ કરવામાં આવે છે ની પણ વાતો છે. અગાઉ ક્યારેક આવી ઓડિયો ક્લિપો પર વાઈરલ થઈ ચૂકી હતી.
AHTU સહિતની પોલીસે આળસ ખંખેરવાની જરૂર!
દેહવિક્રય કે આવી બદીઓ, દુષણ ડામવા કે કાર્યવાહી કરવાની જવાબદારી પોલીસના એન્ટિહ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)ની હોય છે. આ ટીમ ઉપરાંત શહેરમાં અન્ય બ્રાન્ચો, સ્થાનિક પોલીસની ટીમો (ડી-સ્ટાફ, સર્વેલન્સ ટીમ, સ્કવોડ) પણ ગેરરીતિ પકડી શકે. દરોડા પાડી શકે. અગાઉ પોલીસ જ ચોક્કસ માહિતીના આધારે સ્પા સેન્ટરો કે જ્યાં મસાજના નામે મજા-મજા સેક્સ પીરસાતું હોય ત્યાં ડમી ગ્રાહક (પોલીસ જ કસ્ટમર તૈયાર કરીને) મોકલી હતી અને સ્પાની આડમાં ચાલતા સેક્સના સોદાઓ-બદીઓ ખુલ્લી પાડતી હતી. લાંબા સમયથી આવી કોઈ કાર્યવાહી એએચટીયુ કે અન્ય કોઈ બ્રાન્ચ, ગ્રુપ કે સ્થાનિક પોલીસની ટીમોએ નથી કરી, કદાચ પોલીસને એવું હશે કે સ્પામાં બધું કાયદેસર ચાલતું હશે, એટલે દરોડા નહીં પડતા હોય ? અથવા તો શું ખરા અર્થમાં ક્યાંય કોઈ સ્પામાં કાંઈ ગેરકાયદે પ્રવૃત્તિ નહીં ચાલતી હોય ? શું ક્યાંક ક્યાંક પોલીસ સાથે સ્પા સંચાલકોનો આડકતરો પરિચય બંધાઈ ગયો હશે ? આવા કારણોસર સાણસામાં નહીં આવતા હોય?

શોખીનોને શબાબની સાથે શરાબ પણ અપાય છે..!
સ્પામાં શરીર હળવુંફૂલ કરાવવાના બહાને જતાં શોખીનો સરવાળે તો શારીરિક મોકળાશ કે હળવાશ મેળવવા માટે (સેક્સ માણવા માટે) જતા હોય છે. સ્પાના જ કેટલાક વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ સ્પામાં જનારા શોખીનો રેગ્યુલર કસ્ટમર થઈ જાય કે વિશ્વાસુ બની ગયા પછી તેઓને શબાબ (સેક્સ) સાથે શરાબ પણ પીરસવાની કે પીવાની છૂટ હોય છે. આવા કેટલાક રેગ્યુલર કસ્ટમર પોતે પ્રબંધ કરીને જતા હોય છે અથવા તો સ્પામાં જ નશાની સગવડ કરી દેવાતી હોવાની ચર્ચા છે. જો આવું થતું હોય તો આ દુષણ વધુ વ્યાપે તે પહેલાં પોલીસે અટકાવવું જોઈએ.