ગુજરાતમાં ભાજપ ઇલેક્શન મોડમાં સેન્સ પ્રક્રિયાનો ધમધમાટ
આજે સેન્સ પ્રક્રિયા પૂરી: તમામ ૨૬ બેઠકોની સેન્સનો રિપોર્ટ કાલે પ્રદેશ પાર્લામેન્ટરી
બોર્ડમાં અને પછી પેનલ ૨૯મીએ રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં મૂકવામાં આવશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મુલાકાત પછી ગુજરાત ભાજપ ઈલેક્શન મોડમાં આવી ગયું છે અને લોકસભાની ચૂંટણી માટે તમામ ૨૬ બેઠકો ઉપર સેન્સ પ્રક્રિયા પણ પૂરી કરી લીધી છે.
આમ તો સેન્સ પ્રક્રિયા માટે સોમવાર અને મંગળવાર નક્કી કરવામાં આવ્યા હતા પણ મોટાભાગના સંસદીય ક્ષેત્રમાં એક જ દિવસમાં આ કામ આટોપી લેવામાં આવ્યું છે અને જ્યાં જ્યાં બાકી છે ત્યાં મંગળવારે સેન્સ લેવામાં આવશે.
પછી બુધવારે પ્રદેશ ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળવાની છે અને તેમાં નિરીક્ષકો પોતાનો અહેવાલ રજુ કરશે. સુત્રોના જણાવ્યા અનુસાર, પાર્લામેન્ટરી બેઠકમાં સામાન્ય ચર્ચા થયા બાદ પેનલ બનશે અને આ પેનલ હાઇકમાન્ડને મોકલવામાં આવશે. ૨૯મીએ ભાજપની રાષ્ટ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે.વડાપ્રધાનની મુલાકાત બાદ અચાનક સેન્સ પ્રક્રિયા શરુ કરવાનો નિર્ણય લેવાયો હતો અને રાતોરાત નિરીક્ષકો નક્કી કરીને તેમને જે તે સંસદીય વિસ્તારમાં પહોચી જવા જણાવ્યું હતું.
આ આદેશ અનુસાર ત્રણ ત્રણ નિરીક્ષકો છવ્વીસે છવ્વીસ બેઠક ઉપર પહોચી ગયા હતા અને સેન્સ લીધી હતી. એક અગ્રણીએ એવું કહ્યું કે, આ વખતની સેન્સ પ્રક્રિયા થોડી જુદી છે. આ વખતે કોઈને કોઈ પ્રકારનો લોબિગનો ટાઈમ પણ આપવામાં આવ્યો નથી અને અપેક્ષિત કાર્યકરોને જ સેન્સ આપવા બોલાવાયા છે.
ટૂંકમાં ટોળાશાહી ન થાય તે માટે આવો નિર્ણય લેવામાં આવ્યો છે. આજની સેન્સ પ્રક્રિયામાં લોકસભા અને રાજ્યસભાના સાંસદ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, કોર્પોરેટરો તથા વિવિધ મોરચાના હોદેદારોએ ભાગ લીધો હતો.