સ્કૂલ, વોર્ડ ઓફિસ, બગીચો, પેવેલિયન : રાજકોટમાં ચૂંટણી પહેલાં ‘વિકાસ’નો વરસાદ શરૂ
ડિસેમ્બર મહિનાથી રાજકોટ મહાપાલિકામાં ચૂંટણીના ઢોલ ઢબુકવાનું શરૂ થઈ જવાનું છે ત્યારે ટી-20 સ્ટાઈલમાં વિકાસરૂપી બેટિંગ કરવા માટે શાસકોએ તૈયારી કરી લીધી હોય તે પ્રકારે મહિનામાં એકાદ વખત મળતી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હવે `ફાસ્ટટ્રેક’ના રૂપમાં નવ દિવસના અંતરે મળવા લાગી છે. હજુ છ સપ્ટેમ્બરે કમિટીની બેઠકમાં અનેક નિર્ણય લેવાયા બાદ 15 સપ્ટેમ્બરે ફરી બેઠક બોલાવી 114 કરોડના કામને બહાલી આપવામાં આવી હતી. આ કામમાં નવી સ્કૂલ, વોર્ડ ઓફિસ, નવો બગીચો ઉપરાંત રેસકોર્સના ઐતિહાસિક ક્રિકેટ ગ્રાઉન્ડના પેવેલિયનનું નવિનીકરણ સહિતનો સમાવેશ થાય છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે રેસકોર્સના માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમના પેવેલિયનનું 6.11 કરોડના ખર્ચે નવિનીકરણ કરવામાં આવશે. જૂના પેવેલિયનને તોડી પાડી તેના સ્થાને અનેક સુવિધા ધરાવતું પેવેલિયન 18 મહિનાની અંદર તૈયાર કરાશે.
આ પણ વાંચો :સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાનનો આવતીકાલથી પ્રારંભ : PM મોદી રાજકોટના 5 દર્દીઓ સાથે કરશે સંવાદ
આ ઉપરાંત વોર્ડ નં.6માં કબીરવન મેઈન રોડ પર 2.61 કરોડના ખર્ચે નવી વોર્ડઓફિસ, વોર્ડ નં.14માં આવેલી શાળા નં.51 કે જેને વિક્રમ સારાભાઈ પ્રાથમિક શાળાના જૂના બાંધકામને તોડી 2.97 કરોડના ખર્ચે નવી શાળા બનાવવા ઉપરાંત વોર્ડ નં.18માં કોઠારિયા ટાઉન પ્લાનિંગ સ્કીમ નં.12ના ફાઈનલ પ્લોટ નં.39/એ કે જેશ્યામ મંદિર પાસે સ્વાતિ પાર્ક વિસ્તારમાં આવેલો છે ત્યાં 31.24 લાખના ખર્ચે નવો બગીચો બનાવવા સહિતની કુલ 32 દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી અપાઈ હતી. ચેરમેને જણાવ્યું કે મહાપાલિકાની ચૂંટણી સુધી આ જ પ્રકારે કમિટીની બેઠક મળ્યે રાખશે અને તેમાં પેન્ડીંગ વિકાસકાર્યોની દરખાસ્તને મંજૂરી આપવામાં આવશે.
