કરોડો રૂપિયાના કાંડ, લાંચમાં 50% હિસ્સો…સુરેન્દ્રનગરના તત્કાલીન કલેકટર ડૉ.રાજેન્દ્ર પટેલ 5 દિવસના રિમાન્ડ પર
સુરેન્દ્રનગર જિલ્લામાં જમીનોના ચેન્જ ઓફ લેન્ડ યુઝ (સીએલયુ) અને નોન એગ્રિકલ્ચર (એન.એ.) (હેતુફેર, બિનખેતી) કરવાના કરોડો રૂપિયાના ગફલાની ED. દ્વારા કરાઈ રહેલી તપાસમાં નાયબ મામલતદાર મોરી બાદ હવે ED.એ સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર ડો.રાજેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલ (હાલ જીએડી-ગાંધીનગર)ની શુક્રવારે ધરપકડ કરી હતી. કરોડોના સ્કેમમાં આરોપી બનેલા ડો.પટેલને 10 દિવસના રિમાન્ડની માગણી સાથે ખાસ કોર્ટમાં રજૂ કરાયા હતા. લાંબી દલીલો બાદ અદાલતે પાંચ દિવસના રિમાન્ડ પર સોંપ્યા હતા. ઈડીની પ્રાથમિક તપાસમાં કરોડોનું કાંડ અને લાંચ લેવાતી તે રકમમાંથી 50 ટકા હિસ્સો કલેક્ટર પાસે જતો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં સોલાર પ્લાન્ટ પ્રોજેક્ટની કરોડોની કિંમતની જમીનોમાં હેતુફેર તથા બિનખેતી જેવા જમીનોના કામોમાં સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં મોટા વહીવટો થતાં હોવાની પીએમઓ દિલ્હી સુધી ફરિયાદો પહોંચી હતી. ED. દ્વારા ખાનગી રીતે તપાસ ચલાવાઈ રહી હતી. દરમિયાનમાં ગત મહિને તા.23ના રોજ ED.ની ટીમો અચાનક સુરેન્દ્રનગરમાં પહોંચી હતી. વહેલી સવારથી જ કલેક્ટર ડો.પટેલના બંગલો નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભુપતસિંહ મોરીના વઢવાણ સ્થિત નિવાસસ્થાન તેમજ ક્લાર્ક મયુર ગોહેલ તથા કલેક્ટરના અંગત મદદનીશ જયરાજસિંહ ઝાલાને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કલાકો સુધી તપાસ કરાઈ હતી.
નાયબ મામલતદાર મોરીના નિવાસેથી ED.ને 67.50 લાખની રોકડ મળી આવી હત. કલેક્ટરને ત્યાંથી તેમજ મોરી અને અન્યત્ર સ્થળેથી ED.ને જમીન કૌભાંડને લગતા કેટલાક દસ્તાવેજી પુરાવાઓ તથા જમીનોના વહીવટો સંદર્ભેની ફાઈલો હાથ લાગી હતી. તા.23ના જ લાખોની રકમ મળતા તેમજ શંકાસ્પદ દસ્તાવેજી કાગળો મળી આવતા નાયબ મામલતદાર ચંદ્રસિંહની ધરપકડ કરાઈ હતી. આરોપી મોરીના અદાલતમાં રજૂ કરી સાત દિવસના તા.1-1-26ના સાંજના પાંચ વાગ્યા સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. કલેક્ટર ડો.પટેલ, નાયબ મામલતદાર મોરી તેમજ અન્ય બે શખસો મયુર ગોહેલ તથા જયરાજસિંહ ઝાલા સામે ED. દ્વારા એસીબીમાં ગુનો પણ નોંધાવાયો હતો.
ED. સમક્ષ આરોપી મોરીએ વટાણા વેરી નાખ્યા હતા. કબુલાત આપી હતી. જમીનની ફાઈલો ક્લિયર કરાવવાના ભાવો બાંધેલા હતા. સ્કવેર મીટર દીઠ 10 રૂપિયા લેવાતા હતા અને આવી લાખો સ્કવેર મીટર જમીનો ક્લિયર કરી અપાઈ હતી. 1500 કરોડ જેવી જમીનનું કૌભાંડ થયાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું. ED.ને દરોડા દરમિયાન પ્રિન્ટેડ સીટ મળી હતી જેમાં કોનો કેટલો ભાગ, કોને કેટલું મળ્યું સહિતના લાખોના આંકો લખાયેલા હતા. પ્રિન્ટેડ સીટમાં એમ.ડી.ને 64 લાખ, સીબી, અશોક, એચપી, રાકેશ, આશીખના ટૂંકા નામો લખાયેલા હતા અને તેમને કેટલો આંક ચૂકવાયો, મળવાપાત્ર તેની નોંધ કરાઈ હતી.
આરોપી મોરીના ગઈકાલે સાંજે રિમાન્ડ પૂર્ણ થતાં અદાલતમાં રજૂ કરાતા અદાલતે જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો. મોરી જેલ હવાલે થતાની સાથે જ ED.ની ટીમોએ જે તે સમયે જ તા.23ના દરોડાઓ સાથે જ સુરેન્દ્રનગર કલેક્ટર પદેથી તાત્કાલીકપણે હટાવી લેવાયેલા અને જીએડી સામાન્ય વહીવટી વિભાગમા મુકી દેવાયેલા સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર ડો. રાજેન્દ્રના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને આજે છાપો માર્યો હતો. ડો.પટેલની ધરપકડ કરાઈ હતી. પૂછતાછ બાદ વધુ તપાસ અર્થે 10 દિવસના રિમાન્ડની માગણી સાથે EDની ખાસ કોર્ટમાં રજૂ કરાયા હતા અને કલેક્ટર તરફે વકીલ દલીલમાં ઓનલાઈન જોડાયા હતા. ઈડીના વકીલ અને આરોપી પક્ષ વચ્ચે ત્રણેક કલાક સુધી દલીલો ચાલી હતી.
આ પણ વાંચો :પુરુષો Grok AI પાસે મહિલાઓની નિર્વસ્ત્ર તસવીરો બનાવડાવે છે: શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ અશ્વિની વૈષ્ણવને પત્ર લખી કરી ફરિયાદ
હવે સંભવતઃપણે કલેક્ટરના પી.એ. જયરાજસિંહ ઝાલા, ક્લાર્ક મયુર ગોહેલ, અન્ય વચેટિયા, એડવોકેટ સહિતના ગળામાં પણ કાયદાનો ગાળિયો આવે અને વધુ ધરપકડો થઈ શકે તેવું દેખાઈ રહ્યું છે. ઘૂડખર અભિયારણની કરોડોની જમીન પર વન વિભાગ સ્થાનિકોના વિરોધ વચ્ચે હરિયાણાની સોલાર કંપનીને સોંપી દેવાઈ હતી જે ફરિયાદ પીએમઓ સુધી પહોંચી હતી ત્યાંથી તપાસના આદેશ છૂટ્યા હતા.
10 વર્ષના ફરજકાળમાં જ બની ગયા કરોડોના કૌભાંડમાં આરોપી
માંડલ (ટેન્ટ) ગામના વતની સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર હાલ ઈ.ડી.માં રિમાન્ડ પર રહેલા ડો.રાજેન્દ્ર પટેલ ૨૦૧૫ની બેંચના આઈએએસ ઓફિસર છે. તેઓ સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ઈ.ડી.ના સાણસામાં ફસાતા પૂર્વે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકે ગત ફેબ્રુઆરી માસમાં તેમનું પોસ્ટિંગ થયું હતું. ફરજકાળના ૧૦ વર્ષ અને હાલ સુરેન્દ્રનગર કલેક્ટર તરીકેના દસ માસના સમયગાળામાં જ સુરેન્દ્રનગર જિલ્લામાં ફરજકાળ દરમિયાન કરોડોના જમીન કૌભાંડમાં તેઓ હવે કેન્દ્રીય એજન્સી ઈ.ડી.ની તપાસમાં આરોપી બન્યા છે. આ અગાઉ ૨૦૨૨માં સુરેન્દ્રનગરના જ તત્કાલીન કલેક્ટર કે. રાજેશ પણ કેન્દ્રીય એજન્સીના સાણસામાં પસાયા હતા.
કરોડો રૂપિયાના કાંડ, લાંચમાં 50% હિસ્સો કલેક્ટરનો, 25% એડિ. કલેક્ટરના! હિસાબ પી.એ. પાસે રહેતો
સુરેન્દ્રનગર જિલ્લાના 1500 કરોડથી વધુની કિંમતી જમીનોના ખૂલેલા એન.એ. સીએલયુ કાંડમાં કલેક્ટર કચેરીમાં થયેલા કરોડોના વહીવટમાં 50 ટકા હિસ્સો કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલનો રહેતો હતો. ઈ.ડી.એ આરોપી નાયબ મામલતદાર મોરી ઉપરાંત ક્લાર્ક મયુરસિંહ ડી. ગોહિલ સહિતનાની કરેલી પૂછતાછમાં સમગ્ર હિસાબ, વહીવટો પણ બહાર આવ્યા છે. પ્રાથમિક તબક્કે દસ કરોડ રૂપિયા જેવી લાંચ લીધાનું ખૂલ્યું છે. નાણાકીય વહીવટનો હિસાબ કલેક્ટરના પી.એ. જયરાજસિંહ ઝાલા રાખતો હતો. 50 ટકા હિસ્સો કલેક્ટરને ૨૫ ટકા ભાગ એડી. કલેક્ટર આર.કે. ઓઝાનો રહેતો. અન્ય 25 ટકામાં કર્મચારી, વચેટિયામાં વહેચણી થતી હતી. લાંચની રકમનો વહીવટ કલેક્ટર કચેરીની મેજિસ્ટ્રેરિયલ બ્રાન્ચ તેમજ જીયોલોજી વિભાગમાં થતી હતી. ઈ.ડી.એ મોરી પાસેથી કબજે કરેલા મોબાઈલ ફોનમાં વોટ્સએપ ચેટ, પીડીએફ ફાઈલ તથા ફોટાઓ મોરીએ જે તે વખતે કલાર્ક મયુરસિંહને શેર કર્યા હતા. જે રીતે એડી. કલેક્ટર આંગળ ચિંધાઈ છે તે જોતા તે પણ ઈડીના સાણસામાં આવી શકે. જમીન હેતુફેરનો નિર્ણય કલેક્ટર લેતા હતા.
