લો બોલો! પ્લોટ ફાળવ્યા 30 અસામીઓને અને મકાન બની ગયા 61, જાણો શું છે રાજકોટની આરાધના સોસાયટીનો શરતભંગ કેસ
રાજકોટ શહેરના નવા થોરાળા વિસ્તારમાં વર્ષ 1971માં જિલ્લા કલેકટર દ્વારા આરાધના કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીને 30 સભ્યોને રહેણાંક હેતુના મકાન બનાવવા માટે 5140 ચોરસ મીટર જમીન ફાળવણી કર્યા બાદ સમય જતા 30 સભ્યો માટે ફાળવવામાં આવેલ જમીનમાં સબ પ્લોટીંગ કરી અહીં 61 મકાન બનાવી લેવાની સાથે કેટલાક લોકોએ અહીં દબાણ કરી લીધા હોવાની ફરિયાદ બાદ વર્ષ 2018માં શરતભંગની કાર્યવાહી શરૂ કરી પ્રાંત અધિકારીએ વર્ષ 2023માં શરતભંગ સાબિત માની વગર પરવાનગીએ અન્યોને પ્લોટ ફાળવવા બદલ 32 આસામીઓ સામે શારતભંગના પગલાં તેમજ 71 આસામીઓ વિરુદ્ધ અનઅધિકૃત કબજા મામલે કાર્યવાહી કરવા હુકમ કર્યો હતો જેની સામે જિલ્લા કલેકટર સમક્ષ અપીલ કરવામાં આવતા જિલ્લા કલેકટરે પ્રાંત અધિકારીના હુકમને કાયમ રાખ્યો હતો.
આ કેસની વિગત જોઈએ તો રાજકોટના નવા થોરાળા વિસ્તારમાં રાજ્ય સરકારના મહેસુલ વિભાગની જોગવાઈ મુજબ જિલ્લા કલેકટર દ્વારા વર્ષ 1971માં રેવન્યુ સર્વે નંબર 215ની 5140 ચોરસ મીટર જમીન આરાધના કો-ઓપરેટીવ સોસાયટીના 30 સભ્યો માટે ફાળવી હતી. જો કે, સમય જતા આરાધના સોસાયટીના પ્રયોજકોએ 30 સભ્યોને બદલે 61 સભ્યોને સબ પ્લોટીંગ કરી જમીન આપી દીધી હોવાનું તેમજ અન્ય લોકોએ અહીં અનઅધિકૃત બાંધકામ કર્યા હોવાની ફરિયાદ જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવતા વર્ષ 2018માં પ્રાંત અધિકારી રાજકોટ દ્વારા શરતભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને વર્ષ 2023માં શરતભંગ કેસ સાબિત માની પ્રાંત અધિકારી દ્વારા 32 આસામીઓ વિરુદ્ધ શરતભંગના પગલાં લેવા તેમજ 71 આસામીઓ વિરુદ્ધ લેન્ડ રેવન્યુ કોડની કલમ 61 મુજબ અનઅધિકૃત બાંધકામ મુદ્દે પગલાં લેવા ચુકાદો આપ્યો હતો.
આ પણ વાંચો :રાજકોટને ડેંગ્યુના ડંખ : હજુ નવેમ્બર સુધી ‘ત્રાસ’ રહેશે, એક સપ્તાહમાં વધુ પાંચ કેસ મળ્યા
આ ચુકાદા બાદ આરાધના કો-ઓપરેટીવ સોસાયટીના અલગ -અલગ બે કેસમાં અરજદારોએ રાજકોટ જિલ્લા કલેકટર સમક્ષ અપીલ કરતા રાજકોટ જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશ દ્વારા રેવન્યુ સર્વે નંબર 215ની જમીન ઉપર નિર્માણ થયેલ આરાધના કો-ઓપરેટીવ સોસાયટીમાં વગર પરવાનગીએ પ્લોટની ફાળવણી અને ણ અધિકૃત બાંધકામ મુદ્દે નાયબ કલેકટર દ્વારા આપેલા ચુકાદામાં હસ્તક્ષેપ કરવાનું ઉચિત જણાતું ન હોવાનું નોંધી બન્ને અરજદારોની અપીલ ના મંજુર કરવા હુકમ કર્યો હતો.
