- લાંબા સમયથી ખાલી પડેલી બ, ક અને ડ વર્ગની પાલિકાઓમાં 11 માસના કરાર આધારિત ચીફ ઓફિસરની નિમણુંક કરવામાં આવશે
રાજ્ય સરકાર દ્વારા ઈજનેર, ડોક્ટર, કારકુન, ડ્રાઇવર, કોમ્પ્યુટર ઓપરેટરો અને પટ્ટાવાળા જેવી જગ્યા ઉપર કરાર આધારિત હંગામી ભરતી કરી ગાડું ગબડાવવામાં આવે છે ત્યારે હવે કેન્દ્ર સરકારની અગ્નિવીર યોજનાની જેમ નગરપાલીકાઓમાં મહત્વની ગણાતી ચીફ ઓફિસરની જગ્યા કરાર આધારિત કર્મચારીથી ભરવા નક્કી કર્યું છે જે અન્વયે પ્રાદેશિક નગર પાલિકા કમિશનર કચેરી દ્વારા રાજકોટ રીજીયન હેઠળ આવતી આઠ પાલિકાઓમાં પાલિકાવીર એટલે કે હંગામી કરાર આધારિત ચીફ ઓફિસરની નિમણુંક માટે જાહેરાત કરવામાં આવી છે.
પ્રાદેશિક કમિશનર નગરપાલિકા કચેરી રાજકોટ ઝોન દ્વારા પોરબંદર, મોરબી, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ખાલી પડેલી ચીફ ઓફિસરની જગ્યા ભરવા માટે કરાર આધારિત ભરતી જાહેર કરવામાં આવી છે જે મુજબ નગરપાલિકાની કેટેગરી મુજબ બ વર્ગની નગરપાલિકામાં મહિને 40 હજાર અને ક અને ડ વર્ગની પાલિકામાં માટે મહિને 30 હજાર રૂપિયાનું મહેનતાણું આપવાનું જાહેર કરવામાં આવ્યું છે, ચીફ ઓફિસરની કરાર આધારિત જગ્યા માટે નિવૃત મામલતદાર, નાયબ મામલતદાર, પાણી પુરવઠા બોર્ડ તેમજ જિલ્લા પંચાયતમાંથી નિવૃત થયેલા ઇજનેરોને લાયક ગણવામાં આવ્યા છે અને ઉંમર મર્યાદા 62 વર્ષની રાખવામાં આવી છે.
વધુમાં પાલિકવીરની આ ભરતી પ્રક્રિયા 31 ડિસેમ્બર સુધી ચાલુ રાખવામાં આવનાર હોવાનું જેમાં પોરબંદર જિલ્લામાં કુતિયાણા અને રાણાવાવ, મોરબી જિલ્લામાં માળીયા મિયાણા અને નવી બનનારી ટંકારા નગર પાલિકા, કચ્છ જિલ્લામાં મુન્દ્રા અને ભચાઉ નગરપાલિકા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ નગરપાલિકા અને જામનગર જિલ્લામાં ધ્રોલ નગર પાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે.
