68 પૈકી 62માં ભગવો !! પાલિકાઓમાં ભાજપનું રોડ રોલર ફરી વળ્યું,
રાજ્યની 66 નગરપાલિકાઓની સામાન્ય, 2 નગરપાલિકાની મધ્યસત્રીય અને અન્ય નગરપાલિકામાં ખાલી પડેલી બેઠક માટે 16 ફેબ્રુઆરીએ યોજાયેલ ચૂંટણી બાદ મંગળવારે હાથ ધરવામાં આવેલ મતગણતરી બાદ 68 પૈકી 62 નગરપાલિકાઓમાં ભાજપનું રોડ રોલર ફરી વળ્યું હતું, જયારે એક માત્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સમ ખાવા પૂરતી સલાયા નગરપાલિકા કોંગ્રેસને ફાળે આવી હતી. આ ઉપરાંત પોરબંદર જિલ્લામાં કુતિયાણા અને રાણાવાવ નગરપાલિકામાં ભાજપનો સફાયો થયો હતો.કુતિયાણા બેઠક ઉપર છેલ્લા 30 વર્ષથી સતા ઉપર બેઠેલા ભાજપનો કાંધલ જાડેજાની સમાજવાદી પાર્ટીએ સફાયો કરી નાખી રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકામાં શાસન હસ્તગત કર્યું હતું.જો કે,અમદાવાદની બાવળા નગરપાલિકામાં કુલ 28 બેઠકમાંથી 14 બેઠક ભાજપને 13 બેઠક કોંગ્રેસને અને એક બેઠક બસપાને મળતા અહીં ભાજપને સતા માટે બસપાના ઉમેદવારના ટેકાની જરૂર ઉભી થઇ છે,
રાજ્યની 66 નગરપાલિકાઓ તેમજ વાંકાનેર અને બોટાદ નગરપાલિકાની મધ્યસત્રીય ચૂંટણી તા.16 ફેબ્રુઆરીએ યોજાઈ હતી. ચૂંટણી પ્રક્રિયામાં કુલ 1844 બેઠકોમાંથી 167 બેઠકો બિનહરીફ થઈ હતી. જેમા ભાજપે 162, કોંગ્રેસ 01, અન્ય પક્ષની 04 બેઠક બિન હરીફ થતા મંગળવારે 1677 બેઠક માટે રાજ્યમાં 155 સ્થળે 735 ટેબલ ઉપર મતગણતરી કરવામાં આવી હતી જેમાં મતગણતરી બાદ ભાજપને 1341 બેઠક, કોંગ્રેસને 260, આપને 17 અને અન્યને 156 બેઠક ઉપર વિજય મળ્યો હતો.જો કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચોતરફ ભાજપના વિજય વાવટા ફરકવા છતાં પણ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સલાયા નગરપાલિકામાં ભાજપ ખાતું પણ ખોલાવી શક્યું ન હતું. સલાયામાં કોંગ્રેસને 15 અને આમ આદમી પાર્ટીની 13 બેઠક ઉપર જીત થઇ હતી.

જુનાગઢમાં કોંગ્રેસના વિજય સરઘસ પર હુમલો
જુનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં કુલ 60 બેઠકોમાંથી 8 બેઠક ભાજપની બિનહરીફ થયા બાદ જાહેર થયેલા પરિણામોમાં ભાજપને 48, કોંગ્રેસને 11 અને એક અપક્ષ ઉમેદવારની જીત થયા બાદ વોર્ડ નંબર આઠમાં કોંગ્રેસની જીતેલા ઉમેદવારે વિજય સરઘસ યોજતા ચિત્તાખાના ચોક નજીક વિજય સરઘસ પર પથ્થરમારો કરી હુમલો થયો હતો, જેને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.
વાંકાનેર નગરપાલિકાના ચૂંટણી પરિણામ બાદ મારામારી
વાંકાનેર નગરપાલિકાના ચૂંટણી પરિણામ બાદ મારામારી થવાની ઘટના સામે આવી હતી જેમાં વિજેતા ઉમેદવારો દ્વારા આદમી પાર્ટીના આગેવાનની દુકાન પાસે ફટાકડા ફોડતા મારામારી થઈ અને વાંકાનેર નગરપાલિકાના વોર્ડ 6ના બંને પક્ષોના સમર્થકો સામસામે આવી ગયા હતા. જો કે, બાદમાં પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડયો હતો.
જૂનાગઢ મહાનગર પાલિકામાં ભાજપની હેટ્રિક
કોર્પોરેશનની 60 બેઠકમાંથી 48 બેઠકો ઉપર ભગવો લહેરાયો : 11 બેઠકો કોંગ્રેસને
જૂનાગઢ : રાજ્યની 68 નગરપાલિકા તેમજ જૂનાગઢ મહાનગર પાલિકા ઉપરાંત તાલુકા-જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં મતગણતરી બાદ રાજ્યભરમાં ભાજપના વિજય વાવટા ફરક્યા છે ત્યારે જૂનાગઢ મહાનગર પાલિકામાં પણ ભાજપના વિજય પરચમ લહેરાયા હતા. અહીં ભાજપને અગાઉ 8 બેઠક બિનહરીફ મળ્યા બાદ મતગણતરીના અંતે વધુ 40 બેઠકો મળી હતી જયારે કોંગ્રેસને ફક્ત 11 બેઠકથી જ સંતોષ માનવો પડ્યો હતો. આ સાથે જ જૂનાગઢ મહાનગર પાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ વિજયની આગેકૂચ જાળવી રાખી સતત ત્રીજી વખત સતાનું સુકાન હસ્તગત કર્યું હતું.
જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર અને ગિરીશ કોટેચાના પુત્રની હાર
જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપના વિજય વાવટા ફરકવા છતાં અહીં વોર્ડ નંબર 9માંથી ચૂંટણી લડી રહેલા અને અગાઉ ડેપ્યુટી મેયર રહી ચૂકેલા પાર્થ ગીરીશભાઈ કોટેચાને અપક્ષ ઉમેદવાર અશ્વિનભાઈ રામભાઈ ભારાઈએ હરાવી દેતા મહાનગર પાલિકામાં વિજયથી વધુ પૂર્વ ડેપ્યુટી મેયરની હારનો મુદ્દો છવાયેલ રહ્યો હતો. નોંધનીય છે કે, પાર્થ કોટેચાના પિતા ગિરીશ કોટેચા ભાજપના અગ્રણી હોવાની સાથે મહાનગર પાલિકામાં મહત્વના હોદાઓ ઉપર સત્તારૂઢ રહી ચુક્યા છે.
નગરપાલિકા ભાજપ કોંગ્રેસ અન્ય
બાવળા (28) 14 13 1
સાણંદ (28) 25 3 0
ધંધુકા (28) 20 7 1
માણસા (28) 27 1 0
મહેમદાબાદ (28) 18 0 10
ડાકોર (28) 14 0 14
ચકલાસી (28) 16 1 11
મહુધા (24) 14 0 10
ખેડા (28) 14 1 13
આંકલાવ (24) 10 0 14
બોરિયાવી (24) 15 6 3
ઓડ (24) 24 0 0
લુણાવાડા (28) 16 11 1
સંતરામપુર (24) 15 7 2
બાલાસિનોર (28) 16 9 3
ખેડબ્રહ્મા (28) 17 11 0
પ્રાંતિજ (24) 19 2 3
તલોદ (24) 22 1 1
હારીજ (24) 14 10 0
ચાણસ્મા (24) 15 5 4
રાધનપુર (28) 25 3 0
ખેરાલુ (24) 13 7 4
વડનગર (28) 26 2 0
કરજણ (28) 19 0 9
છોટાઉદેપુર (28) 8 1 19
ઝાલોદ (28) 17 0 11
દેવગઢ બારિયા (24) 13 3 8
કાલોલ (28) 17 0 11
હાલોલ (36) 34 0 2
બીલીમોરા (36) 29 2 5
વલસાડ (44) 41 1 2
પારડી (28) 22 5 1
ધરમપુર (24) 20 0 4
સોનગઢ (28) 26 2 0
જામજોધપુર (28) 28 0 0
ધ્રોલ (28) 15 8 1
કાલાવડ (28) 26 2 0
સલાયા (28) 0 15 13
દ્વારકા (28) 28 0 0
ભાણવડ (24) 21 3 0
બાંટવા (24) 24 0 0
માણાવદર (28) 26 2 0
માંગરોળ (36) 15 15 6
વિસાવદર (24) 17 3 0
વંથલી (24) 20 4 0
ચોરવાડ (24) 20 4 0
કોડીનાર (28) 28 0 0
રાપર (28) 21 7 0
ભચાઉ (28) 28 0 0
લાઠી (24) 18 5 1
જાફરાબાદ (28) 28 0 0
રાજુલા (28) 28 0 0
ચલાલા (24) 24 0 0
શિહોર (36) 25 8 3
ગારીયાધાર (28) 18 7 3
તળાજા (28) 28 0 0
ગઢડા (28) 18 10 0
જસદણ (28) 22 5 1
જેતપુર-નવાગઢ (44) 32 1 11
ધોરાજી (36) 24 12 0
ભાયાવદર (24) 15 9 0
ઉપલેટા (36) 27 6 3
હળવદ (28) 27 1 0
થાનગઢ (28) 25 0 3
કુતિયાણા (24) 10 0 14
રાણાવાવ (28) 8 0 20
બોટાદ (મધ્યસત્ર)(44) 41 3 0
વાંકાનેર (મધ્યસત્ર)(28)21 5 2