રાજકોટના લોકમેળામાં રાઈડસમાં બેસવા માટે રૂ.50 ચૂકવવા પડશે : યાંત્રિક પ્લોટની હરરાજીમાં રૂ. 1.32 કરોડ ઉપજ્યા
રાજકોટના લોકમેળામાં એસઓપીનો વિવાદ ઉકેલાયા બાદ ગઈકાલે હરરાજી સમયે જ રાઇડ્સ સંચાલકોએ 45 રૂપિયાના બદલે રાઈડસમાં બેસવાના ભાવ 50 રૂપિયા કરી આપવા માંગ કરતા હરરાજી મુલતવી રહ્યા બાદ સોમવારે જિલ્લા કલેકટરે 5 રૂપિયાનો ભાવ વધારો મંજુર કરતા બપોર બાદ યાંત્રિક આઇટમોના 34 પ્લોટની હરરાજી કરવામાં આવતા ગત વર્ષની તુલનાએ લોકમેળા સમિતિને રૂપિયા 5 લાખથી વધુની આવક વધવાની સાથે તમામ પ્લોટની હરરાજી થકી રૂપિયા 5 કરોડ 32 લાખ 10હજારની આવક થઇ હતી. યાંત્રિક રાઇડ્સમા ટિકિટ દરમાં વધારો કરવામાં આવતા રાઇડ્સ સંચાલકો ખુશખુશાલ બન્યા હતા અને ગત વર્ષે થયેલ નુકસાની આ વર્ષે સરભર થવાની આશા વ્યક્ત કરી હતી. બીજી તરફ હજુ પણ મેળામાં ખાલી રહેતા વિવિધ કેટેગરીના 151 સ્ટોલ માટે બે દિવસમાં નિર્ણય લેવામાં આવશે.
રેસકોર્સ મેદાન ખાતે આગામી તા.14થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાનાર લોકમેળામાં યાંત્રિક કેટેગરીના પ્લોટ માટે ગઈકાલે હરરાજી યોજવામાં આવતા રાઇડ્સ સંચાલકોએ રૂપિયા 5નો ભાવવધારો કરવા માંગ કરતા ગઈકાલે હરરાજી મુલતવી રહ્યા બાદ સોમવારે જિલ્લા કલેકટરે ભાવ વધારો મંજુર કરતા સોમવારે બપોરે તમામ યાંત્રિક કેટેગરીની રાઇડ્સ માટે હરરાજી યોજવામાં આવી હતી જેમાં ઈ કેટેગરીમાં 5, એફ કેટેગરીમાં 3, જી કેટેગરીમાં 20 અને એચ કેટેગરીમાં 6 પ્લોટ માટે હરરાજી કરવામાં આવતા 34 પ્લોટના કુલ રૂપિયા 1,32,10,000 રૂપિયા ઉપજ્યાં હતા.

યાંત્રિક કેટેગરીમાં દરેક પ્લોટની અપસેટ પ્રાઈઝ રૂપિયા 50 હજાર રાખવામાં આવી હતી જેની સામે ઈ-કેટેગેરીમાં સૌથી ઉંચી બોલી 3.30 લાખ, એફ -કેટેગરીમાં 1.95 લાખ, જી -કેટેગરીમાં 4.30 લાખ અને એચ -કેટેગરીમાં 4.15 લાખ રૂપિયા ઉંચી બોલી બોલવામાં આવતા ગત વર્ષની તુલનાએ રાજકોટ લોકમેળા સમિતિને રૂપિયા 5.10 લાખથી વધુનો ફાયદો થયો હતો.ગત વર્ષે વિવાદ વચ્ચે યાંત્રિક પ્લોટના કુલ 1.27 કરોડ ઉપજ્યાં હતા જેની સામે આ વર્ષે 1.32 કરોડથી વધુ ઉપજ્યાં હતા.
આ પણ વાંચો : ગુજરાત @75 ડિઝાઈનની થીમ પર બનાવો આકર્ષક લોગો અને મેળવો 3 લાખનું ઈનામ : સ્પર્ધાનો પ્રારંભ
બીજી તરફ ડ્રો કેટેગરીમાં આવતા કુલ 141 સ્ટોલ – પ્લોટ માટે ડ્રો યોજવામાં આવ્યા હતા જેમાં રમકડાં કેટેગરીમાં 120 સ્ટોલ સામે માત્ર 12 જ ફોર્મ આવતા તમામને સ્ટોલ લાગ્યા હતા જયારે ખાણીપીણી નાનીમા 6, મધ્યમ ચકરડી-3 અને નાની ચકરડીના 12 પ્લોટ માટે ડ્રોથી ફાળવણી કરવામાં આવી હતી. જો કે, લોકમેળામાં હજુ પણ રમકડાં કેટેગરીમાં 98, ખાણીપીણી મોટીના 34, આઈસ્ક્રીમ ચોકઠાના 9 અને એ કેટેગરી ખાણીપીણીમાં 2 પ્લોટ મળી કુલ 143 જેટલા સ્ટોલ-પ્લોટ ખાલી રહેતા હોય જિલ્લા કલેકટર દ્વારા આગામી એકાદ બે દિવસમાં જ આ તમામ પ્લોટની ફાળવણી માટે નિર્ણય લેવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.