રાજકોટમાં છ વોર્ડના રસ્તા નવા બનશે : મુંજકા, મોટામવા પહેલીવાર ભાળશે ‘માખણ’ જેવો રોડ
તંત્ર ઉપર સૌથી વધુ માછલા જો કોઈ મુદ્દે ધોવાઈ રહ્યા હોય તો તે રસ્તા પર પડી ગયેલા વિકરાળ ખાડાને લઈને છે. બીજી બાજુ રાજકોટ મહાપાલિકાની ચૂંટણી પણ આવી રહી હોય ખાડાનો રોષ મતપેટીમાં ન દેખાય તે માટે 1 ઑક્ટોબરથી જ રોડ-રસ્તા સરખા કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે હવે વેસ્ટ ઝોનમાં સામેલ છએય વોર્ડના રસ્તા નવા બનાવવા માટેનું ટેન્ડર પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે મુંજકા, મોટામવા, માધાપર, ઘંટેશ્વર સહિતના રસ્તા પહેલીવાર `માખણ’ જેવા રસ્તા ભાળશે !
આ અંગે વેસ્ટ ઝોનના સિટી ઈજનેર કુંતેશ મહેતાએ જણાવ્યું કે વોર્ડ નં.1,8,9,10,11 અને 12ના તમામ રસ્તા બનાવવા માટે 127.14 કરોડના ખર્ચે નવા બનાવવા માટેનું ટેન્ડર પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. આ અંતર્ગત છએય વોર્ડના તમામ રસ્તા નવા બનાવવામાં આવશે. જ્યારે શેરી-ગલીમાં રિ-કાર્પેટ કરાશે. ખાસ કરીને નવા ભળેલા વિસ્તારો જેમાં મુંજકા, મોટામવા, માધાપર, ઘંટેશ્વર સહિતના વિસ્તારો કે જેમને પહેલીવાર ડિઝાઈન રોડનો લાભ મળશે. પાછલા વર્ષોમાં અહીં રહેણાક મિલકતમાં વધારો થઈ ગયો છે પરંતુ નવા રોડ બનાવાયા ન હોય હવે ત્યાં પણ નવા-નક્કોર રોડ બનાવાશે સાથે સાથે ભારે વાહનો પણ પસાર થઈ શકે તે પ્રકારની રોડની ડિઝાઈન કરવામાં આવશે.
આ પણ વાંચો :રાજકોટ મનપામાં TPOની જગ્યા ફરી ખાલી પડી: ઈન્ચાર્જ TPOની સુમરાની બદલીઃ ‘રૂડા’ના બે અધિકારી બદલાયા
આ માટે સરકાર પાસેથી ગ્રાન્ટ મેળવવામાં આવી છે. આ સિવાય રિંગરોડ-2 ઉપર ટ્રાફિકનું ભારણ વધી જતા તેમજ મવડી, વાવડી સહિતના ઔદ્યાગિક વિસ્તારોની કનેક્ટિવિટી રિંગરોડ સાથે જોડવામાં આવતા આ પ્રકારના તમામ રોડ ભારે વાહનોનું વહન કરી શકે તે રીતના પહોળા અને મજબૂત બનાવવામાં આવશે. હાલ આ ટેન્ડર પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે જેમાં એજન્સી આવી ગયા બાદ કામ આપવા માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીને કરાશે. આ પ્રમાણે ડિસેમ્બર સુધીમાં કામ શરૂ થાય તેવી શક્યતા છે.
