માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તને મળશે 1.50 લાખ સુધી કેશલેસ સારવાર : રાજકોટ જીલ્લામાં રૂ. 6.93 કરોડની સહાય ચૂકવાઈ
હાઇવે પર થતા અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિઓને નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર મળે તો ઘાયલનો જીવ બચી શકે છે. પૈસાના વાંકે દર્દીને સારવાર મળવાનો વિલંબ ન થાય તે માટે કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા ઘાયલ દર્દીઓને કેશલેસ સારવાર મળી રહે તે માટે દોઢ લાખ સુધીની કેશલેસ સારવાર આપવામાં આવશે તેવું જાહેર કર્યું છે.
રાજ્યમાં હાઇવે પર અકસ્માતમાં ઘાયલને રૂ. 1.50 લાખ સુધીની કેશલેસ સારવારનો લાભ મળી રહે તે માટે ગુજરાત રોડ સેફટી ઓથોરિટી તેમજ જિલ્લા રોડ સેફટી ઓથોરિટી દ્વારા લોકોમાં તેમજ હોસ્પિટલ ધારકોમાં જનજાગૃતિ વધે તે માટે સક્રિય કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાત રોડ સેફટી કમિટીના નિવૃત્ત સી.ઈ.ઓ. અને એક્સપર્ટ મેમ્બર જે.વી. શાહે સારવાર પ્રક્રિયા અંગે વધુ વિગત આપતા જણાવ્યું છે કે, ભારત સરકારની યોજનાના સફળ અમલીકરણ માટે પોલીસ અને આરોગ્ય વિભાગનો મુખ્ય રોલ રહેશે. રોડ સેફ્ટી ઓથોરિટી રાજ્ય સ્તરે મોનિટરિંગ કરવા નોડલ એજન્સી છે.
જિલ્લા સ્તરે પ્રશ્નોના નિવારણ માટે નિવાસી અધિક કલેકટરને ગ્રિવન્સ રિડ્રેસલ ઓફિસર અને નોડલ અધિકારી બનાવેલ છે. પોલીસે eDAR પર વિક્ટિમનું ID જનરેટ કરવાનું રહેશે. જો વિક્ટિમ જાતે હોસ્પિટલ પહોંચે તો હોસ્પિટલ ID જનરેટ કરશે, જેને પોલીસે 24 કલાકમાં કન્ફર્મેશન આપવાનું રહેશે કે આ માર્ગ અકસ્માતનો જ કેસ છે. એમ્પેનલ ના હોય તેવી હોસ્પિટલ 24 કલાક સુધી 10 હજાર સુધીની સ્ટેબિલાઇઝેશન સારવાર આપી શકશે. PMJAY યોજનાની બધી હોસ્પિટલમાં આ યોજનામાં પણ એમ્પેનલ હોસ્પિટલ છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં વાહન અકસ્માત સારવાર સહાય યોજના અંતર્ગત વર્ષ 2018થી અત્યાર સુધીમાં ૨,૨૨૬ જેટલા દાવાઓમાં લગભગ રૂ.6.93 કરોડ જેટલી માતબર રકમ ચુકવવામાં આવી હોવાનું પદ્મકુંવરબા હોસ્પિટલના આર.એમ.ઓ. નૂતનબેને જણાવ્યું હતું સાથે જ આવનારા સમયમાં ઘાયલને ગોલ્ડન અવરમાં ઉત્કૃષ્ટ સારવાર મળી રહે અને પૈસાના અભાવની સ્થિતિમાં દર્દીને સારવારનું કવચ પૂરું પાડવા માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની ભૂમિકા સંજીવની સાબિત થનાર હોવાનું ઉમેર્યું હતું.
