કોઠારિયામાં RMCની ચોથી ઝોન કચેરી બનશેઃ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મળી મંજૂરી, 4 વોર્ડને થશે ફાયદો
રાજકોટની વસતી અને વિસ્તારમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે લોકોને મહાપાલિકાને લગતી કામગીરી કરાવવા માટે શહેરની ત્રણ ઝોનલ કચેરી સુધી લાંબું થવું પડી રહ્યું છે. ખાસ કરીને વોર્ડ નં. 15, 16,17 અને 18 એમ ચાર વોર્ડના લોકોએ ઢેબર રોડ પર સેન્ટ્રલ ઝોન કચેરી સુધી ધક્કા ખાવા પડી રહ્યા હતા. દરમિયાન મહાપાલિકાના 2025-26ના બજેટમાં કોઠારિયામાં મહાપાલિકાની ચોથી ઝોનલ કચેરી બનાવવાની જાહેરાત કરાયા બાદ સ્થળ નક્કી કરી દરખાસ્ત પણ કરી દેવામાં આવી હતી જેના પર આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. એકંદરે આ ચોથી ઝોનલ કચેરી બની જવાથી ચાર વોર્ડને તેનો ફાયદો મળશે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરના જણાવ્યા પ્રમાણે ચોથી ઝોનલ કચેરી બનાવવાની માંગ ઘણા લાંબા સમયથી ઉઠી રહી હતી ત્યારે હવે વોર્ડ નં.18માં ટાઉન પ્લાનિંગ સ્કીમ નં.12(કોઠારિયા)નો પ્લોટ કે જે બોલબાલા માર્ગ પર રાધે ચોક પાસે આવેલો છે ત્યાં નવી કચેરી બનાવવામાં આવશે. 32.54 કરોડના ખર્ચે તૈયાર થનારી આ કચેરીના બેઝમેન્ટમાં પાર્કિંગ, ગ્રાઉન્ડ ફ્લોર પર આધારકાર્ડ કેન્દ્ર, સિટી સિવિક સેન્ટર, સિક્યુરિટી રૂમ, મેડિકલ રૂમ, સ્ટોરરૂમ, રોશની શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ટોઈલેટ બ્લોક તો પ્રથમ માળે નાયબ કમિશનર, સિટી એન્જિનિયર, આઈડીસીએસ શાખા, ટાઉન પ્લાનિંગ શાખા, કોન્ફરન્સ હોલ અને ટોઈલેટ બ્લોકનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ જ રીતે બીજા માળે હેલ્થ શાખા, ટેક્સ શાખા, એસ્ટેટ શાખા, કોમન સ્ટોરેજ, બાંધકામ શાખા, એએનસીડી શાખા અને ટોઈલેટ બ્લોક તો ત્રીજા માળે ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા, વોટર વર્કસ પ્રોજેક્ટ શાખા, કોન્ફરન્સ હોલ તેમજ ટોઈલેટ બ્લોક સમાવિષ્ટ છે. આ કચેરી બનાવવાનું કામ વિનય ઈન્ફ્રાટેક પ્રા.લિ.ને 9.30% ‘ડાઉન’ ભાવથી આપવાની દરખાસ્ત મ્યુ.કમિશનર દ્વારા કરવામાં આવી છે જેના પર આજે કમિટી નિર્ણય લેવામાં આવ્યો છે દક્ષિણ ઝોનમાં કચેરી બનાવવાની મંજૂરી આપવામાં આવી છે.