RMCના કર્મીઓને રજા બાદ આવનારા કામગીરીના ‘ભારણ’ની ચિંતા વધુ,રાજકોટની સભામાં ઈટાલિયાએ ઘણું બધું કાચું કાપ્યું! વાંચો કાનાફૂસી
દિવાળીનું પર્વ ધામેધૂમે શરૂ થઈ ચૂક્યું છે અને લોકો તેની `યાદગાર’ ઉજવણીમાં મશગૂલ બની ગયા છે અને થવું પણ કેમ ન જોઈએ ? આ પર્વ વર્ષમાં એક જ વાર આવે છે જે સૌના ચહેરા ઉપર ખુશી લાવવાનું કામ કરે છે. વળી, રાજકોટ સહિત દરેક મહાપાલિકા તેમજ અન્ય સરકારી કચેરીઓ ઉપર સરકાર જાણે કે વસંત ઋતુની જેમ વરસી પડી હોય તે પ્રમાણે એડવાન્સ પગાર, મોંઘવારી ભથ્થું, બોનસ સાથે સાથે એક સપ્તાહની રજા પણ આપી દેતા બીજા કોઈને સુધરી હોય કે ન સુધરી હોય પરંતુ સરકારી કર્મી.ઓની દિવાળીને ચાર ચાંદ લાગી ગયા હશે તેવું માનવા સિવાય કોઈ છૂટકો ન્હોતો. જો કે મહાપાલિકાની કચેરીમાં રજા પડવાના આગલા દિવસે જ કર્મચારીઓ તેમજ અધિકારીઓ `કાનાફૂસી’ કરતા સાંભળવા મળ્યા હતા કે આપણને સરકારે બધુ આપી દીધું એની ખુશી મનાવવી કે પછી રજા બાદ કચેરી ખુલતાની સાથે જ માથે આવનારી કામગીરીના `ભારણ’ની ચિંતા કરવી ? આ ચિંતા થોડી સ્વાભાવિક પણ લાગી રહી છે કેમ કે નવા મંત્રીમંડળની રચના થયા બાદ ઉઘડતી બજારે મંત્રીઓ પોતાને લાગુ વિભાગના અધિકારીઓ સાથે એક બાદ એક બેઠક કરશે, રાજકોટ સહિતના વિસ્તારોની મુલાકાત લેશે એટલે કામ વધી જવાનું જ છે. આટલું કામ વધી જાય તો કદાચ ખમી પણ જવાય પરંતુ બે મહિના પછી મહાપાલિકાની ચૂંટણી આવી રહી હોય તેની કામગીરી એટલી `વજનદાર’ રહેવાની છે તેની તુલનાએ પગાર, બોનસ, મોંઘવારી ભથ્થાનું `વજન’ કશું જ ન કહેવાય !!
દિવાળીએ દારૂની `તંગી’ સર્જી દેવામાં રાજકોટ શહેર-જિલ્લા પોલીસનો જ હાથ !
દિવાળીનું પર્વ આવે એટલે લોકો પરિવાર સાથે બેસીને આ પર્વની કેવી રીતે, ક્યાં જઈને ઉજવણી કરીએ કે બધાને મજા આવી જાય તેની તૈયારીમાં વ્યસ્ત જોવા મળતા હોય છે. જ્યારે બીજી બાજુ અમુક વર્ગ એવો પણ છે જે આ પર્વની લાં…બી રજાઓને છાંટોપાણી સાથે માણી લેવા તલપાપડ જોવા મળતો હોય છે. આ વર્ગની `પ્યાસ’ બુઝાવવા માટે નાના-મોટા બૂટલેગરો પણ દારૂ કેવી રીતે ઘૂસાડવો તેની વેંતરણમાં જોવા મળતા હોય છે પરંતુ પાછલી દિવાળીઓ કરતા આ દિવાળી પર પોલીસ વધુ `ટાઈટ’ બની હોય તે પ્રમાણે એક-બે બોટલના પણ કેસ કરવા લાગી છે. વાત આટલેથી જ પૂરી નથી થઈ રહી…શહેર અને જિલ્લા પોલીસે બે મોટા ગજાના બૂટલેગરને અણીના સમયે જ પાસામાં પૂરવાનો હુકમ કરી કોફિન ઉપર છેલ્લી ખીલી મારવાનું કામ પણ કર્યું હતું. પોલીસ તો જાણે જ છે પરંતુ દારૂના બંધાણીઓ પણ વાકેફ જ હશે કે શહેરમાં દારૂનું મોટાપાયે કટિંગ કરવામાં જો સૌથી પહેલું કોઈ બૂટલેગરનું નામ આવે તો તે ફિરોઝ ઉર્ફે ફિરીયો હાસમભાઈ મેણુનું જ આવે. પોલીસને પણ ખ્યાલ હતો અથવા હશે કે ફિરીયો દિવાળી પર મોટું કટિંગ કરવાની તૈયારીમાં જ છે એટલા માટે જ દિવાળી પહેલાંના સપ્તાહમાં એટલે કે 9 ઑક્ટોબરે જ ફિરોઝને પાસામાં ધકેલી દીધો હતો. આ જ પ્રમાણે જિલ્લામાં દારૂની મોટી ખેપ મારવા માટે પંકાઈ ગયેલા ધવલ રસિકભાઈ સાવલિયાને 15 ઑક્ટોબરે પાસામાં પૂરી દીધો હતો. આ પ્રકારે બે મોટા ગજાના બૂટલેગરને પાસામાં ધકેલીને દારૂની મોટી લાઈનને બે્રક લગાવી સાથે સાથે નાના-નાના બૂટલેગરને દબોચી લેતા ભયંકર શોર્ટેજ જોવા મળી હતી.
રાજકોટની સભામાં ઈટાલિયાએ ઘણું બધું કાચું કાપ્યું…!!
ગત રવિવારે રાજકોટના મવડી વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ફાયર બ્રાન્ડ નેતા ગોપાલ ઈટાલિયાની સભા યોજાઈ હતી. ધારણા પ્રમાણે જ ઈટાલિયાની સભામાં જંગી મેદની પણ જોવા મળી હતી એટલા માટે આ સભા હિટ ગયાના દાવા પણ `આપ’ દ્વારા કરાયા હતા. ખેર, મેદની એકઠી કરવી અને એ જ મેદનીને મતપેટીમાં પોતાની તરફેણમાં તબદીલ કરવી તેમાં જમીન-આસમાનનું અંતર છે એ વાતનો કોઈ ઈનકાર ન કરી શકે. હવે મુળ વાત પર આવીએ. ઈટાલિયાએ આ સભામાં સરકાર પર એક બાદ એક પ્રહાર કર્યા હતા અને લોકોએ તાળીઓ સાથે તેમને વધાવી પણ લીધા હતા પરંતુ સભા દરમિયાન તેમનાથી ઘણું બધું કાચું કપાઈ ગયાની `કાનાફૂસી’ પણ સાંભળવા મળી હતી. ઈટાલિયાએ આ સભામાં કહ્યું કે મહાપાલિકાએ 118 કરોડ રૂપિયાની જમીન કે જે નાનામવા પાસે આવેલી છે તેની હરાજી કરીને ખરીદદારને હપ્તા કરી આપ્યા હતા. આ સાંભળી સૌએ તાળીઓ વગાડી હતી પરંતુ આ વાક્યની વાસ્તવિકતા ઘણી અધૂરી છે. સત્ય એ છે કે નિયમ પ્રમાણે જે કરવાનું હતું તે મહાપાલિકાએ કરી આપ્યું હતું પરંતુ જમીન ખરીદનારે છેલ્લી ઘડીએ હાથ ઉંચા કરી નાખતા આ સોદો રદ કરાયો હતો અને ખરીદનારે ભરેલી 18 કરોડ રૂપિયાની ડિપોઝિટ પણ જપ્ત કરી લેવાઈ હતી. આ મુદ્દે ઈટાલિયાએ કોઈ જ ફોડ પાડ્યો ન્હોતો. આ ઉપરાંત તેમણે એવું સંબોધન પણ કર્યું હતું કે મહાપાલિકાએ 300 કરોડ રૂપિયાની જમીન વેચી નાખી છે. વાત સાચી છે પરંતુ એ વાતનો તેમને અથવા તો તેમની ટીમ કે જે રાજકોટમાં કાર્યરત છે તેમને ખ્યાલ હોવો જોઈતો હતો કે તંત્રએ જે જમીન વેચી છે તે વેચાણ હેતુની જ હતી મતલબ કે હેતુફેર કે કોઈની જમીન કપાતમાં લઈને વેચાણ કર્યું ન્હોતું !!
ગમે એટલા ડાઘ લાગે, છાંટા ઉડે, ઠપકા મળે પણ એક શાખા તેના `તોડપાણી’ બંધ નહીં જ કરે !
રાજકોટમાં ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ જેવી ગોઝારી દૂર્ઘટના બન્યા બાદ સૌથી વધુ છાંટા જો મહાપાલિકાની કોઈ શાખાને ઉડ્યા હોય તો તે ટાઉન પ્લાનિંગ શાખાને ઉડ્યા હતા. સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠિયા હાલ જેલમુક્ત છે તેની સાથે જ અન્ય આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરો પણ હાલ જામીન પર બહાર છે. આ શાખાને ક્યારેય ન લાગ્યો હોય તેવો બટ્ટો લાગ્યા છતા સુધરવાનું નામ જ ન લેવાઈ રહ્યું હોય તે પ્રકારે એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે. ટાઉન પ્લાનિંગ શાખામાં એક તો કાયમી ટાઉન પ્લાનિંગ ઓફિસર નથી આમ છતાં મ્યુ.કમિશનર દ્વારા ત્રણ ઝોન ટાઉન પ્લાનરની નિમણૂક કરી કામગીરીને સરળ બનાવી દેવાઈ છે. જો કે હજુ પણ અમુક વોર્ડના કર્મચારીઓ સુધરવાનું નામ જ ન લઈ રહ્યા હોય તે પ્રકારે બેફામ બની જતા તેમને વારંવાર ઠપકા મળી રહ્યા છે. તાજેતરમાં જ એક પંકાયેલાને પદાધિકારીએ પોતાની ચેમ્બરમાં બોલાવ્યા બાદ `માપ’માં રહેવા અલ્ટીમેટમ આપી દીધું હતું સાથે સાથે જો હવે ફરિયાદ આવી તો અન્ય વિભાગમાં જવાબની તૈયારી કરી લેવા કહી દીધું હોવા છતા તેના કારસ્તાન બંધ થવાનું નામ લઈ રહ્યા નથી. આ પંકાયેલાને અધિકારીઓ દ્વારા પણ વારંવાર ઠપકા મળી રહ્યા છે. કહેવત છે ને કે એક સડેલી કેરી આખી ટોપલીને ખરાબ કરી નાખે છે તે જ પ્રકારે અમુક પેધી ગયેલાનો જો `ઈલાજ’ નહીં કરાય તો ફરી ક્યારેય ન ભૂસાય તેવો ડાગ ટાઉન પ્લાનિંગ શાખાને લાગશે જ !
