રાજકોટ જ નહીં બલ્કે આખા ગુજરાતમાં રિક્ષાગેંગે ઉપાડો લીધો હોય તેવી રીતે દર બીજા-ત્રીજા દિવસે આવી ગેંગ અથવા બેલડી ઝડપાઈ રહી છે. આવી જ એક ચોરી ગત 21 મેએ અમદાવાદના ઈસનપુર ચાર રસ્તાથી મિલ્લતનગર ઢાળ વચ્ચેના રસ્તે થવા પામી હતી જેમાં સામેલ બન્ને આરોપીઓને પોલીસે તાત્કાલિક પકડી પાડી રોકડ રકમ રિકવર કરી હતી.
21 મેએ રાત્રે 11 વાગ્યે સાબિર મુલ્લા (ઉ.વ.44) નામના યુવક ઈસનપુર ચાર રસ્તા ખાતેથી એક રિક્ષામાં બેઠો હતો. આ દરમિયાન રિક્ષાચાલક અને પાછળ બેઠેલા એક શખ્સે સાબિરની નજર ચૂકવીને તેની પેન્ટના ખીસ્સામાંથી પર્સ અને તેમાં રહેલી 27200ની રોકડ તફડાવી લીધાની ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ નોંધાતાં જ એસીપી પ્રદીપસિંહ જાડેજા તેમજ ઈસનપુર પીઆઈ બી.એસ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન.આર.સોલંકી સહિતની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે રિક્ષાનો નંબર શોધી કાઢ્યો હતો અને ત્યારબાદ પોકેટ કોપ મોબાઈલ એપ્લીકેશનની મદદથી આરોપીઓને પણ શોધી કાઢી ચોરીમાં વપરાયેલી રિક્ષા સાથે શાહરૂખ આબીદભાઈ શાહ (ઉ.વ.30) અને ઝાહિદ સુલતાનભાઈ શેખને 27200ની રોકડ સાથે દબોચી લીધા હતા.