રાજકોટ જિલ્લામાં જોખમી બ્રિજ અંગે 48 કલાકમાં રિપોર્ટ આવશે : આણંદપર નવા ગામના રાજાશાહી સમયના પુલ સહિત 3 પુલ જોખમી
વડોદરા-આણંદને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડવાથી 18 નિર્દોષ નાગરિકોના મૃત્યુ બાદ રાજ્ય સરકારે તમામ જિલ્લામાં જોખમી બ્રિજ અંગે રિપોર્ટ માંગ્યો છે ત્યારે રાજકોટ જિલ્લામાં 103 મેજર અને 311 માઇનોર પુલ આવેલા હોય પ્રાથમિક તપાસમાં નવાગામ આણંદપર નજીક આવેલ રાજાશાહી સમયના એક પુલ સહિત કુલ ત્રણ પુલ જોખમી હોવાનું જિલ્લા કલેકટરે જણાવ્યું હતું. સાથે જ આગામી 48 કલાકમાં જિલ્લામાં કેટલા પુલ જોખમી છે તે અંગેનો રિપોર્ટ આવનાર હોવાનું તેમને જણાવ્યું હતું.નોંધનીય છે કે, તાજેતરમાં જ ગાંધીનગર ડિઝાઇન સર્કલ દ્વારા જિલ્લાના 34 બ્રિજની ચકાસણી કરવામાં આવી હતી જે તમામ બ્રિજ સલામત હોવાનું માર્ગ અને મકાન વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના બાદ હાઇકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવી રાજ્યભરમાં તમામ પુલની સ્થિતિ નિયમિત ચકાસણી કરવા આદેશ આપ્યો હતો જો કે, સમય જતા પુલનો ઈશ્યુ ફાઇલોમાં દબાઈ જતા ગઈકાલે વડોદરા અને આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રીજ તૂટી પડતા 16 નિર્દોષ લોકોને જિંદગીથી હાથ ધોવા પડ્યા હતા. બીજી તરફ ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર ફરી સફાળી જાગી છે અને રાજ્યભરના પુલની વર્તમાન સ્થિતિ અંગે રિપોર્ટ રજુ કરવા આદેશ કરતા તંત્ર દોડતું થયું છે. હાલમાં રાજ્યમાં માર્ગ અને મકાન વિભાગ હસ્તક કુલ 1596 મેજર અને 5589 માઇનોર પુલ તેમજ 1,05,830 કોઝવે ક્રોસ ડ્રેનેજ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : ગંભીરા બ્રીજ દુર્ઘટનાનો મૃત્યુઆંક 18 પર પહોંચ્યો : 52 કલાક બાદ પણ હજુ 2 લોકો લાપતા, 4 ઉચ્ચ અધિકારી સસ્પેન્ડ
બીજી તરફ રાજકોટ જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે જણાવ્યું હતું કે, હાલમાં રાજકોટ નજીક આણંદપર નવા ગામ પાસે આવેલ એક અને અન્ય બે મળી કુલ ત્રણ પુલ જર્જરિત હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બીજી તરફ રાજકોટ જિલ્લામાં કુલ 103 મેજર અને 311 માઇનોર બ્રિજ આવેલા છે જેમાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તક 68 મેજર તેમજ 115 માઇનોર પુલ આવેલા છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં પંચાયત વિભાગ હસ્તક કુલ 231 પુલ છે જેમાં 35 મેજર અને 196 માઇનોર બ્રિજ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચોમાસાના પ્રારંભ પૂર્વે જ રાજકોટ જિલ્લામાં અલગ અલગ સબ ડિવિઝન હેઠળ આવેલા 34 પુલનું માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગર ડિઝાઇન સર્કલ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી જેમાં તમામ પુલ સલામત હોવાનો તંત્રએ દાવો કર્યો હતો.
