‘મને પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત કરો’ : સી.આર.પાટિલ
સાળંગપુરમાં મળેલી ભાજપની પ્રદેશ કારોબારીની બેઠકમાં કર્યું સંબોધન
બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલે પોતાને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે તેવી હાઇકમાન્ડને વિનંતી કરી હતી. આજે બીજા અને છેલ્લા દિવસની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો, પ્રદેશ ભાજપના હોદ્દેદારો, તાલુકા-જિલ્લા પંચાયતના પ્રમુખો-ઉપપ્રમુખો, નગરપાલિકા-મહાનગર પાલિકાના પ્રમુખો-મેયરો ઉપસ્થિત રહ્યા હતા.
આજની કારોબારી બેઠકમાં સી.આર પાટીલે હાઈકમાન્ડને રજૂઆત કરી છે કે ‘મને પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત કરો’ સી.આર પાટીલે કહ્યું કે, મારો કાર્યકાળ પૂર્ણ થયો છે અને પાર્ટીના ‘એક વ્યક્તિ એક હોદ્દા’ની નીતિ હેઠળ પ્રદેશ અધ્યક્ષની જવાબદારી અન્ય કોઈને સોંપવામાં આવે.
સંબોધનમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું કે આપણે લોકસભા ચૂંટણીમાં જે બુથ માઇનસમાં ગયા ત્યાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કસર પુરી કરવાની છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણે સારું પરિણામ લાવવાનું છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંભવિત રીતે દિવાળી બાદ આવશે તેમ તેમણે કહ્યું હતું.
પાટીલે કહ્યું હતું કે,મારા કાર્યકાળ દરમિયાન કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરશો. મારા કાર્યકાળ દરમિયાન કોઈને ટીકીટ મળી કે કોઈને ન મળી તો હું માફી માગું છું. જે હોદ્દેદારનું બુથ માઇનસ હોય તેને આપણે કોઈ હોદો ન આપવો જોઈએ. તેમણે કહ્યું કે જે પોતાનું બુથ પ્લસ ન કરાવી શકે તેને કોઈ હોદો ન આપી શકાય. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કારોબારી બેઠકમાં કહ્યું આપણી કોઈ કચાશ રહી. જેના કારણે આપણને એક સીટ ગુમાવવામાનો વારો આવ્યો છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે, આપણે બનાસકાંઠાની સીટ બહુ જ શરમજનક રીતે 30 હજાર મતોથી હાર્યા. હું આ હારની જવાબદારી સ્વીકારૂ છું અને બધાની માફી માગું છું કે હું બનાસકાંઠા ન જીતાવી શકયો. કોઈ પણ સીટ આપણે ન હારીએ તે માટે આપણે જાગૃત રહેવું જોઈએ. સહકારી સંસ્થાની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટનો ભંગ થયાનો પ્રદેશ પ્રમુખે પ્રદેશ કારોબારીમાં ઉલ્લેખ કર્યો હતો અને મેન્ડેટ વિરુદ્ધ પરિણામ અંગે દુઃખ વ્યક્ત કર્યું.