રાહત ! દિવાળીએ કમોસમી ધડાકા નહીં થાય, આગામી ત્રણ-ચાર દિવસમાં નૈઋત્યના ચોમાસાની વિદાય
ચોમાસાની વિદાય સમયે જ અરબી સમુદ્રમાં ઉદભવેલું વાવાઝોડું શખ્તિ હાલમાં નબળું પડી ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું હોવાથી આજથી વરસાદની માત્રા અને વ્યાપ બન્ને ઘટવાની શક્યતા છે. બીજી તરફ હવામાન વિભાગે દેશમાં નૈઋત્યના ચોમાસાની વિદાય ધીમે ધીમે આગળ વધી રહી હોવાનું જણાવી આગામી ત્રણ ચાર દિવસમાં જ ચોમાસાની વિદાય આગળ ધપશે તેમ જણાવ્યું હતું. નોંધનીય છે કે, દિવાળીએ પણ વરસાદ ચાલુ રહે તેવા સંજોગોમાં ફેરફાર થતા હવે દિવાળીએ કમોસમી વરસાદના કડાકા ભડાકા થવાની શક્યતા ન હોવાનું ખાનગી હવામાન એજન્સી જણાવી રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં ઉદભવેલ વાવાઝોડું શખ્તિ આગામી 12 કલાકમાં નબળું પડી ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. હાલમાં વાવાઝોડું દ્વારકાથી 970 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં અને નલિયાથી 990 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં સ્થિર છે. જો કે, વાવાઝોડું સૌરાષ્ટ્રથી દૂર જઈ નબળું પડી ગયું હોવાથી રાજ્યમાં વરસાદનો વ્યાપ અને માત્રા પણ ઘટી જવા પામી છે. આગામી સાત દિવસ માટે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ હળવો મધ્યમ વરસાદ વરસવા અંગે આગાહી કરી છે.
આ પણ વાંચો :આમાં તંત્રની આવક ક્યાંથી વધે? રાજકોટમાં ફટાકડાના ધંધા માટે પ્લોટ ભાડે આપવામાં શાસકોએ ધાર્યું જ કર્યું, જાણો શું છે મામલો
બીજી તરફ ખાનગી હવામાન એજન્સીએ આગામી 21 ઓક્ટોબર એટલે કે, દિવાળી સુધીના સમયગાળા સુધીમાં રાજ્યમાં ભારે વરસાદ નહીં પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે. અગાઉ ખાનગી હવામાન એજન્સીએ દિવાળી સુધી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી. જો, હાલની સ્થિતિએ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં છુટાછવાયા સ્થળોને બાદ કરતા અન્યત્ર દિવાળીના દિવસોમાં વરસાદ નહીં વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરી હોય લોકો વરસાદી વિઘ્ન વગર આનંદથી દિવાળીનો તહેવાર ઉજવી શકશે.
