રેઢા રાજ ! રાજકોટના મોરબી રોડ ઉપર GMSCL ગોડાઉનમાં દવાઓ પલળી ગઈ,ગાંધીનગરની ટીમ દ્વારા તપાસ
તાજેતરમાં આવેલ વરસાદ દરમિયાન રાજકોટ, મોરબી અને જૂનાગઢ જિલ્લામાં આવેલ સિવિલ હોસ્પિટલ અને અન્ય સરકારી દવાખાનાઓને જ્યાંથી દવા મોકલવામાં આવે છે તેવા રાજકોટના મોરબી રોડ ઉપર આવેલ ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશનના ગોડાઉન ખાતે ટ્રકમાં આવેલ જીવનરક્ષક દવાઓનો મોટો જથ્થો પલળી ગયો હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, ગત વર્ષે પણ રાજકોટ GMSCL ગોડાઉનમાં પીપીઈ કીટ અને દવા સહિતનો જથ્થો પલળી ગયો હતો પરંતુ કોઈ પગલાં લેવયા ન હતા. ચોંકાવનારી બાબત તો એ છે કે, અહીં ફરજ ઉપર રહેલા ગોડાઉન મેનેજર ઇન્ચાર્જમાં હોય ભાગ્યે જ રાજકોટ આવતા હોવાનું અને સમગ્ર વહીવટ કોન્ટ્રાકટર જ ચલાવતો હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ 34 જિલ્લામાં આવેલ સિવિલ હોસ્પિટલ, પીએચસી, સીએચસી સહિતના સરકારી દવાખાનામાં ગુજરાત સરકારના જાહેર સાહસ ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન દ્વારા દવા તેમજ અન્ય સાધન સામગ્રી પહોંચાડવામાં આવે છે. હાલમાં રાજકોટના મોરબી રોડ ઉપર આવેલ જીએમએસસીએલ વેરહાઉસ ખાતેથી રાજકોટ ઉપરાંત મોરબી અને જૂનાગઢ જિલ્લાને પણ દવા સપ્લાય થાય છે. જો કે, ખાટલે મોટી ખોટ એ છે કે, અહીં કાયમી વેરહાઉસ મેનેજર મુકવામાં આવ્યા ન હોવાથી હાલમાં ઇન્ચાર્જ મેનેજર સાવન ખારા અને સિનિયર ફાર્માસીસ્ટ ઈર્શાદ અન્સારી દ્વારા ત્રણેય જિલ્લામાં દવા સપ્લાય કરવામાં આવે છે. જો કે,મોટાભાગે અહીં અધિકારીઓની ગેરહાજરી વચ્ચે રામભરોસે વહીવટ ચાલતો હોય કોન્ટ્રાકટરના માણસોના ભરોસે જ ગોડાઉન ચાલી રહ્યું છે.

બીજી તરફ તાજેતરમાં આવેલ સતત વરસાદ વચ્ચે રાજકોટના જીએમએસસીએલના ગોડાઉનમાં દવા ઉતારવા આવેલ ટ્રકમાં મોટા પ્રમાણમાં દવાનો જથ્થો પલળી ગયો હોવાનું સામે આવ્યું છે. હાલમાં અહીંના સ્ટાફ દ્વારા ચુપચાપ રીતે આ દવાઓ ગોડાઉનમાં સુકાવવા મૂકી જાણે કઈ જ બન્યું ન હોય તેમ બધી ગોઠવણ કરી લીધી હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર મામલો ગાંધીનગર સુધી ગાજતા આરોગ્ય વિભાગે જીએમએસસીએલના જનરલ મેનેજર પી.વી.ગોંડલીયા અને ડેપ્યુટી જનરલ મેનેજર હિતેશ પ્રજાપતિને તપાસ માટે દોડાવ્યા હોવાનું પણ જાણવા મળે છે.

રાજકોટ સિવિલમાં ડાયાબિટીઝ સહિતની 714 દવાની અછત
એક તરફ રાજકોટ,મોરબી અને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ સહિતના અનેક દવાખાનાઓને દવા સપ્લાય કરતા જીએમએસસીએલના ગોડાઉનમાં મોટા પ્રમાણમાં દવાનો જથ્થો પલળી ગયો હોવાનું સામે આવ્યું છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જીએમએસસીએલ દ્વારા કુલ 1385 પૈકીની 714 જેટલી દવાઓની અછત હોવાનું અને એપ્રિલ માસમાં માંગણી કરવા છતાં ડાયાબિટીઝ, કેલ્શિયમ સહિતની અનેક પ્રકારની દવા આવતી ન હોવાનું સામે આવ્યું છે.
ગોડાઉનનો કોન્ટ્રાકટ એમ.જે.સોલંકી પાસે

રાજકોટના મોરબી રોડ ઉપર આવેલ જીએમએસસીએલ દવાનું વેર હાઉસ હાલમાં ખાનગી કોન્ટ્રાકટરના માણસોને હવાલે ચાલી રહ્યું છે. ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન દ્વારા હાલમાં રાજકોટ સહીત અનેક જિલ્લાની હોસ્પિટલમાં મેન પાવર સપ્લાય કરવાનો કોન્ટ્રાકટ ધરાવનાર એમ.જે.સોલંકીને વેરહાઉસમાં મેન પાવર સપ્લાય સહિતનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. ગત વરસંગે પણ મોટા પ્રમાણમાં દવાઓ પલળી ગયેલ ત્યારે પણ બેદરકારી સામે આવી છે ત્યારે હવે જીએમએસસીએલના અધિકારીઓ કેવી તપાસ કરે છે તે જોવું રહ્યું.
