રાજકોટમાં રેકોર્ડબ્રેક ગરમી : હીટવેવના ઓરેન્જ એલર્ટ વચ્ચે તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હીટવેવને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે અને બપોરના સમયે જાહેર માર્ગો ઉપર સન્નાટો જોવા મળી રહ્યો છે ત્યારે અંગ દઝાડતી ગરમીમાં રાહત માટે લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરવાની સાથે એરકન્ડિશનર તેમજ એર કુલરનો મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે. રાજકોટના લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. રાજકોટના તાપમાનમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે આજે શહેરમાં ગરમીએ રેકોર્ડ તોડ્યો હતો. હીટવેવના ઓરેન્જ એલર્ટ વચ્ચે રાજકોટમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી નોંધાયું હતું.
હવામાન વિભાગ દ્વારા રાજકોટમાં આજે હિટવેવનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે આજે રાજકોટમાં તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચી ગયો છે ત્યારે આકાશમાંથી વરસતી અગનવર્ષાના કારણે લોકો હીટવેવનો અનુભવ કરી રહ્યા છે. આ દરમિયાન રાજકોટ શહેર અને જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઉનાળાની સિઝનનું રેકોર્ડબ્રેક તાપમાન આજે રાજકોટમાં નોંધાતા સરકારી, ગ્રાન્ટેડ, ખાનગી શાળાઓએ નિયમની અમલવારી ફરજિયાત કરવા DEOનો પરિપત્ર જાહેર કર્યો છે.
બપોરે 1 થી 4 શ્રમિકોને આરામ
હાલ વધતી ગરમી અને હીટવેવના સમયમાં બપોરે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે ત્યારે રાજકોટ જિલ્લામાં બાંધકામ સાઈટો પર ખુલ્લા તાપમાં કામ કરતા શ્રમયોગીઓને ઉનાળાના સમયમાં બપોરે ૧થી ૪ આરામ આપવાનું ફરમાન ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી-રાજકોટ દ્વારા જારી કરવામાં આવ્યું છે.
કચેરીના નાયબ નિયામકે જાહેર કરેલા આદેશ અન્વયે ઉનાળાની સિઝનમાં પડતી અતિશય ગરમી અને લૂથી મકાન અને બાંધકામની કામગીરીમાં રોકાયેલા શ્રમયોગીઓના સ્વાસ્થ્ય સામે જોખમ સર્જાતું હોય છે. આથી ખુલ્લી જગ્યા કે સીધો સૂર્યનો તાપ આવતો હોય તેવી સાઈટો પર કામ કરતા બાંધકામ શ્રમયોગીઓને બપોરે ૧થી ૪ના સમયમાં વિશ્રામ આપવાની સૂચના બિલ્ડર્સ, એમ્પ્લોયર્સ, કોન્ટ્રાક્ટર્સ તેમજ બાંધકામ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને આપવામાં આવી છે. આગામી જૂન મહિના સુધી આ વિશ્રામ ખાસ કિસ્સામાં ફાળવવાનો રહેશે અને તેને બાંધકામ શ્રમયોગીઓ માટેના નિયમ મુજબ વિશ્રામનો જ સમય ગણવાનો રહેશે. આ રીતે અપાતા વિશ્રામ સહિતનો કુલ સ્પ્રેડ ઓવર દિવસમાં 12 કલાકથી વધે નહીં તેનું પણ ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે.