‘ભલામણ રાખવી પડશે, સાચવવા પડશે’ RMCમાં ઈજનેરની ભરતી આ બે મુદ્દા આધારિત જ કરાશે? વાંચો કાનાફૂસી
રાજકોટની વસતી અને વિસ્તાર બન્નેમાં વધારો થઈ રહ્યો છે સાથે સાથે શહેરને `લીવેબલ રાજકોટ’નું રૂપકડું નામ પણ આપ્યું છે પરંતુ આ બે શબ્દને સાર્થક કરવા માટે અધિકારીઓની ફૌજની પણ જરૂર પડશે જ. શહેરના વિકાસ માટે ઈજનેરની ભૂમિકા ચાવીરૂપ બની જાય છે કેમ કે ગ્રાસરૂટ પર તેઓ જ કાર્યરત રહેતા હોય છે. બાકી, ઉચ્ચ અધિકારીઓ તો તેમને `આદેશ’ આપીને છૂટી જતા હોય છે. હવે સંભવિત બે મહિના બાદ રાજકોટ મહાપાલિકામાં કાયમી ઈજનેરની ભરતી કરવામાં આવનાર છે. આમ તો આ ભરતીની રૂપરેખા પાછલા મહિને મળેલા જનરલ બોર્ડ પહેલાં જ નક્કી થઈ ગઈ હતી પરંતુ બિલાડી આડી ઉતરી જતા અટકી પડી હોવાનું સામે આવ્યું છે. હવે બે મહિના બાદ મહાપાલિકાનું સંભવતઃ છેલ્લું જનરલ બોર્ડ મળવાનું છે તેમાં ભરતીને આખરી ઓપ અપાઈ જવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. ઈજનેરની જગ્યા ઓછી અને મુરતિયા મતલબ કે ઉમેદવારો વધુ હોવાથી છેડા શોધવા તેમજ મજબૂત ભલામણ કરવા માટે ઉમેદવારોએ લોબિંગ શરૂ કરી દીધું છે ત્યારે ભરતી માટે થઈ રહેલા `દબાણ’ અંગે એક અધિકારીએ નિખાલસમને એકરાર કર્યો હતો કે જુઓ ભાઈ, આ ભરતીમાં ભલામણ પણ રાખવી પડશે અને સાચવવા પણ પડશે !! આ એકરારથી એ તો સ્પષ્ટ થઈ ગયું છે કે ઈજનેરની ભરતી પણ ભલામણ-સાચવણી આ બે મુદ્દા આધારિત જ કરાશે !
અનેક કોર્પોરેટરોની `મનની મનમાં’ રહી જશેઃ અમુકને તો ધાર્યું ન મળ્યું તે ન જ મળ્યું…
જાન્યુઆરીના અંત અથવા તો ફેબ્રુઆરીના પ્રારંભે મહાપાલિકાની ચૂંટણી આવી રહ્યાની વાત છેલ્લા ઘણા સમયથી ચર્ચાઈ રહી છે. દર વખતની જેમ આ વખતે પણ ભાજપમાં એક બેઠક ઉપર અનેક ઉમેદવારો દાવેદારી નોંધાવશે તે વાત પણ નિશ્ચિત છે. ખાસ કરીને યુવા નેતાઓ કે જેઓ કંઈક બનવા માટે જ `મહેનત’ કરી રહ્યા હોવાથી તેમની દાવેદારી પણ એટલી જ જોવા મળવાની છે. આ બધાની વચ્ચે મહાપાલિકામાં પાંચ વર્ષથી કોર્પોરેટરની ખુરશી શોભાવી રહેલા અનેક નેતાઓની `મનની મનમાં’ રહી જવાની છે. ભાજપ દ્વારા એક નિયમ નક્કી કરવામાં આવ્યો છે જે પ્રમાણે 60 વર્ષ થઈ ગયા હોય તેવા કોર્પોરેટરને ટિકિટ મળશે નહીં. આ નિયમ અંગે તાજેતરમાં જ મહાપાલિકાની લોબીમાં 60 વર્ષના બે કોર્પોરેટર ચર્ચા કરતા સાંભળવા મળ્યા હતા કે `આપણે તો આ વખતે ન્હાઈ જ લેવાનું ને ?’ આ વાતનો મતલબ એ થાય કે આ બન્ને કોર્પોરેટરને હવે ટિકિટ મળવાની નથી. વળી, આ બન્નેની પહેલી જ ટર્મ હોવાથી તેમણે એક ટર્મથી જ સંતોષ માની લેવાનો રહેશે. વળી, અમુક કોર્પોરેટર એવા પણ છે જેઓ મજબૂત હોદ્દા માટે અગાઉ દાવેદાર હતા પરંતુ છેલ્લી ઘડીએ તેમનું પત્તું કપાઈ જવાથી પક્ષે જે આપ્યું તેનાથી રાજી થવું પડ્યું હતું ત્યારે આ ચૂંટણીમાં અનેકે યુવા ઉમેદવારની મદદ માટે દોડતું રહેવું પડશે…
`નો મીન્સ નો…’ પોલીસ અધિકારીનો આ તકિયાકલામ `ટેવાયેલા’ને ખૂંચી રહ્યો છે
રાજકોટ પોલીસ વિભાગમાં તાજેતરમાં જ ડીસીપી કક્ષાના નવા અધિકારીઓ મુકાયા છે અને તેઓ પોતાની કામગીરીમાં વળગી પણ ગયા છે. આ પૈકી એક અધિકારીએ `પાવરપ્લે’માં જે પ્રકારે ક્રિકેટ ટીમ બેટિંગ કરે તે પ્રકારે હાર્ડહિટિંગ કરવાનું શરૂ કરી દીધું હતું મતલબ કે ચાર્જ લેતાંની સાથે જ નીચેના સ્ટાફને સંભળાવી દીધું હતું કે કોઈએ કાયદાના દાયરાની બહાર જઈને કામ કરવાનું થતું નથી. વળી, એકાદી બેઠકમાં તેમણે `નો મીન્સ નો…’ શબ્દ પણ ઉચ્ચાર્યા હતા જેને હવે નીચેના સ્ટાફે સાહેબનો `તકિયાકલામ’ બનાવી દઈને શોગીયુ મોઢું કરતા કરતા કહેવું પડી રહ્યું છે કે તેમની (સાહેબની) જ ઈચ્છા ના હોય તો પછી હવે અમારે કશું કરવાનું થતું નથી. મતલબ કે સાહેબનો આ શબ્દો કમાણી કરવા માટે ટેવાયેલાને હાડોહાડ ખૂંચી રહ્યાનું સ્પષ્ટ જોવા મળતું હતું.
આ પણ વાંચો :જયપુરની SMS હોસ્પિટલમાં અગ્નિકાંડ : ટ્રોમા સેન્ટરના ICU વોર્ડમાં આગ લાગતાં 8 લોકોના મોત, સ્ટાફ દર્દીઓને છોડીને ભાગ્યો
તમે ફિકર ન કરો, મારા તરફથી તમને કોઈ ભલામણ નહીં આવે…
તાજેતરમાં જ એક ઉચ્ચ પોલીસ અધિકારી અને તેમની નીચેના અધિકારીઓ વચ્ચે એક બેઠક મળી હતી. આ બેઠકમાં જતા પહેલાં નીચેના અધિકારીઓને ભય સતાવી રહ્યો હતો કે સાહેબ આ બેઠકમાં આપણને શું `શીખ’ આપશે, શું નવી કામગીરી સોંપશે, ઠપકો આપશે કે કેમ ? આ સહિતના પ્રશ્નો સાથે તેઓ સાહેબ સમક્ષ બેઠકમાં હાજર થયા હતા. સાહેબ જ્યાં સુધી કશું બોલ્યા નહીં ત્યાં સુધી તેમના હૈયામાં ગજબનો ઉચાટ રહ્યો હતો પરંતુ જેવી બેઠક શરૂ થઈ જેમાં પહેલાં તો કામગીરીની ચર્ચા કર્યા બાદ સાહેબે સીધી અને સરળ ભાષામાં કહી દીધું હતું કે તમે કોઈ ફિકર ન કરતા, મારા તરફથી તમને કોઈ પ્રકારની ભલામણ કે વર્ધી નહીં મળે…બસ, તમારે કાયદામાં રહીને કામગીરી કરવાની રહેશે અને તેની કોઈ જ ફરિયાદ આવવી ન જોઈએ. આ સાંભળી નીચેના અધિકારીઓના શ્વાસ પણ હેઠા બેઠા હતા અને સૌએ સાહેબની ચેમ્બરમાંથી બહાર નીકળીને રાજીપો પણ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો :રાજકોટ માટે ગૌરવની વાત : સ્વીટ્સ અને આઈસ્ક્રીમ માટેનાં ડિસ્પ્લે ફૂડ કાઉન્ટર બને છે રાજકોટમાં, વિદેશમાં મોટી માંગ
પોલીસના ‘મહાકાય’ ડ્રોન બન્યા માથાનો દુઃખાવોઃ ઉડાડવા માટે મોટું વાહન શોધવું પડે છે !
કોઈ મોટો તહેવાર આવે ત્યારે શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોન ઉડાવી આવારા તત્ત્વો કે શાંતિમાં પલિતો ચાંપવાની ટેવ ધરાવતા લોકો ઉપર બાજનજર રાખવામાં આવે છે. આ માટે તાજેતરમાં જ ડ્રોન સ્કવોડની પણ રચના કરવામાં આવી હતી. જો કે સરકાર દ્વારા પોલીસને બે કે ત્રણ ડ્રોન ફાળવવામાં આવ્યા છે. આ ડ્રોનની સાઈઝ મહાકાય મતલબ કે પ્રમાણમાં મોટી હોવાથી તેને ઉડાડતા પહેલાં સ્ટાફે પણ વિચાર કરવા મજબૂર બનવું પડી રહ્યું છે. વળી, આ ડ્રોનને એક સ્થળ પરથી બીજા સ્થળ પર લઈ જવા માટે મોટા વાહનની પણ જરૂર પડતી હોય ઊલટાની તકલીફ વધી જવા પામી હોવાનો ગણગણાટ સ્ટાફમાં જ સાંભળવા મળ્યો હતો. આ ડ્રોનનો અવાજ પણ એટલો થતો હોય સ્ટાફનું સ્પષ્ટ કહેવું છે કે અત્યારે આધુનિક કક્ષાના ડ્રોન બજારમાં ઉપલબ્ધ છે જે પ્રમાણમાં નાના અને સરળતાથી સંચાલિત થઈ શકતા હોય તેવા સમયે આ પ્રકારના ડ્રોન આપીને અમારી મહેનત શા માટે વધારવામાં આવી રહી છે ? જો આ વાત ખરેખર સત્ય હોય તો સરકારે આ દિશામાં વિચારવાની તાતી જરૂરિયાત છે.
