- સમસ્ત અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજ દ્વારા ભારતબંધના એલાનને સમર્થન જાહેર કરી આવેદન અપાયું
રાજકોટ : એસસી-એસટી કેટેગરીમાં વર્ગીકરણ અંગે સુપ્રિમ કોર્ટે આપેલા ચુકાદાના વિરોધમાં રાજકોટમાં સમસ્ત અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજ તેમજ બહુજન સમાજ પાર્ટી દ્વારા હોસ્પિટલ ચોકથી વિશાળ રેલી યોજી જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવી ચુકાદાને નિરસ્ત કરવા માંગ કરી હતી.
સુપ્રિમ કોર્ટે આપેલા ચુકાદાના વિરોધમાં સમસ્ત અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજ તેમજ બહુજન સમાજ પાર્ટી દ્વારા હોસ્પિટલ ચોકથી જિલ્લા કલેકટર કચેરી સુધી રેલી યોજી અધિક કલેક્ટર ચેતન ગાંધીને આ અંગે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આ તકે અગ્રણી સુરેશ બથવાર, ડી.ડી.સોલંકી સહિતના આગેવાનોએ રજુઆત કરતા જણાવ્યું હતું કે, એસસી-એસટી અનામત કેટેગરી ક્ષેત્રમાં વર્ગીકરણ કરવા રાજ્યોને સત્તા આપતો ચુકાદો સુપ્રિમ કોર્ટની સાત જજોની બેચ દ્વારા આપવામાં આવેલ છે તેને નિરસ્ત કરવામાં આવે અને અગાઉની પાંચ જજોની બેચના આ બાબતના ચુકાદાને બહાલ રાખવામાં આવે તેવી માંગ કરી હતી.
વધુમાં એસસી-એસટી બંધારણીય અનામત જોગવાઇ પ્રતિનિધિત્વ જે બંધારણની નવમી અનુસૂચિમાં દાખલ કરવામાં આવે જેથી તેમાં રાજકીય રાગદ્વેષ રાજકીય લાભ આપવા કોઇ સત્તાધારી બહુમત પક્ષો છેડછાડ ન કરી શકે, એસસી-એસટી કેગેટગરીની ગરીબ જ્ઞાતિઓ માટે સ્પેશિયલ ફંડની અલાયદી વ્યવસ્થા કરી તેમજ તેમના ઉત્થાન માટે ખાસ જોગવાઇ કરવામાં આવે ઉપરાંત રીર્ઝવેશન એક્ટ બનાવવામાં આવે તેમજ જુની રોસ્ટર સીસ્ટમ દાખલ કરી તાત્કાલીક અસરથી તેનો અમલ કરવામાં આવે તેવી માંગ કરી રાષ્ટ્રીય કક્ષાએ રમત-ગમત ક્ષેત્રે પણ અનામત લાગુ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.