રાજકોટના સોની પરિવારને ઉદયપુર પાસે નડ્યો અકસ્માત : યુવાન વેપારીનું મોત, પરિવારમાં અરેરાટી
રાજકોટના સોની બજારમાં યુવા વેપારી અને તેમનો મિત્ર પરિવાર સાથે ગોકુલ-મથુરા ધાર્મિક પ્રવાસે ગયા હતા. દરમિયાન પરત ફરતી વેળાએ ઉદયપૂર નજીક ક્રેટા કાર ટ્રકની પાછળ ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ બનવામાં ઘટના સ્થળે જ 38 વર્ષીય વેપારીનું કમકમાટીભર્યું મોત નિપજ્યું જ્યારે તેમની પત્ની અને બે માસૂમ સંતાનોને રાજકોટ તેમજ મિત્રના પરિવારને અમદાવાદ સારવારમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગેની વિગતો મુજબ, સોની બજાર દરબારગઢ કેશવ વિલા એપાર્ટમેન્ટમાં રહેતા અને સવજીભાઈની શેરીમાં જે. પી. ટાવરમાં સોની કામની દુકાન ચલાવતાં 38 વર્ષીય નયન પ્રફુલભાઈ વાગડીયા નામના વેપારી પત્ની જ્યોતિબેન (ઉંમર 34), પુત્રી રાશી (ઉંમર 10), પુત્ર જેનીલ (ઉંમર 8) તેમજ ઢેબર રોડ ગુરુકુળ પાસે રહેતાં ગૌરવ હર્ષદભાઇ રાજપરા,તેના પત્નિ તન્વીબેન અને તેનો દિકરો સાથે ગોકુલ-મથુરાના ધાર્મિક પ્રવાસે રાજકોટથી 5 દિવસ પૂર્વે નીકળ્યા હતા. મથુરાથી દર્શન કરી નયનભાઈ પરિવાર સાથે રવિવારે શ્રી નાથાજી આવવા નીકળ્યા હોય દરમિયાન દરમિયાન ઉદયપુર ખીરવાડા નજીક હાઇવે પર ટ્રક પાછળ ક્રેટા કાર ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં નયનભાઈનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું જ્યારે કારમાં સવાર તેમના પત્ની સહિતના તમામને ઇજા પહોંચતા નયનભાઇની પત્ની અને બાળકોને રાજકોટ જયારે ગૌરવભાઈ અને તેમના પરિવારને અમદાવાદ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. રવિવારે મોડી રાત્રિના થયેલા આ અકસ્માતના સમાચાર મળતા જ રાજકોટથી પરિવારજનો દોડી ગયા હતા.મૃતક નયનભાઈ ચારે બહેનોના એકના એક ભાઈ હતા.
આ પણ વાંચો :RAJKOT : બિલ્ડિંગના છઠ્ઠા માળેથી કૂદકો મારનાર ધો.9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું સારવારમાં મોત
ઘટના સંબંધે પરિચિત પ્રફુલભાઈના જણાવ્યા મુજબ, નયનભાઈ પરિવારનો આધારસ્તંભ હતા. વૃધ્ધ માતા પિતાની ગઢપણની લાકડી હતા. અકસ્માત અંગે તેમના માતા ભાનુબેનને તેમજ પત્ની જ્યોતિબેને હાલ જાણ કરવામાં આવી હતી. જ્યોતિબેન અને બાળકી રાશી હાલ રાજકોટ ગોકુલ હોસ્પીટલમાં સારવાર હેઠળ છે અને તેમની સર્જરી કરવામાં આવી છે. વધુમાં સોમવારે મોડી રાત્રિના નયનભાઇ પાર્થિવદેહને રાજકોટ લઈ આવામાં આવશે બનાવને લઈને પરિવાર તેમજ સોની બજારમાં નયનભાઇના વેપારી મિત્રોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
