દિવાળી કાર્નિવલ અને રંગોળી સ્પર્ધાને કારણે રાજકોટના રેસકોર્સ રિંગરોડનો અંદરનો ભાગ બંધ : પોલીસનું જાહેરનામું પ્રસિદ્ધ
બુધવારથી રાજકોટના રેસકોર્સ રિંગરોડ ઉપર દિવાળી કાર્નિવલનો રંગેચંગે પ્રારંભ થયો હોય મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. કોઈ પ્રકારનો અકસ્માત કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કમિશનર દ્વારા રેસકોર્સ રિંગરોડ ફરતે ટ્રાફિકના સુચારું સંચાલન માટે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત રિંગરોડનો અંદરનો ભાગ વાહનોની અવર-જવર માટે બંધ કરાયો હતો.
જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે રેસકોર્સ રિંગરોડ પર બહુમાળી ભવન ચોકથી મેયર બંગલા સુધી ફોર ટ્રેકનો અંદરની સાઈડનો રોડ (મોર્નિંગ વોક) ઉપર વાહનોની અવર-જવર પ્રતિબંધિત રહેશે. આ ઉપરાંત અહીં વાહન પણ પાર્ક થઈ શકશે નહીં. જ્યારે રેસકોર્સ રિંગરોડના બહારના ભાગે આવેલા રોડ ઉપર તમામ પ્રકારના વાહનો (ભારે વાહન સિવાય) માટે અવર-જવર માટે ચાલું રહેશે. (રેસકોર્સના મેળા ગ્રાઉન્ડમાં લોકોએ પાર્કિંગ કરવા માટે ફનવર્લ્ડ ડિવાઈડરવાળો ગેઈટ, જિલ્લા પોલીસવડાના બંગલા સામે રેસકોર્સનો ગેઈટ અને જૂની એનસીસીવાળા ગેઈટથી પ્રવેશ કરી વાહન પાર્કિંગ કરી શકાશે)
જ્યારે રંગોળી જોવા આવનાર લોકો માટે માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ સામે (ચબુતરાવાળું ગ્રાઉન્ડ), બાલભવનના ગેઈટથી એથ્લેટિક ગ્રાઉન્ડ સુધી, બાલભવનના ગેઈટથી આર્ટ ગેલેરી સુધી, આમ્રપાલી ફાટકથી એરપોર્ટ ફાટક રેલવે પાટા તરફ તેમજ રેસકોર્સ મેળા ગ્રાઉન્ડ ઉપર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. રંગોળી સ્પર્ધામાં ભાગ લેનાર તેમજ નિહાળવા આવનાર ઉમેદવારો-નાગરિકો પોતાના કોઈ પણ પ્રકારના વાહનો રંગોળી સ્થળ પર લાવી શકાશે નહીં. તેઓએ પાર્કિંગના સ્થળોએ જ વાહન પાર્ક કરી રંગોળી સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે.
