રાજકોટનું બહુમાળી ભવન બન્યું ખટારા ભવન : GST વિભાગ પકડેલા વાહનો આડેધડ પાર્ક કરાતું હોવાની ફરિયાદ
રાજકોટના સૌથી જુના સરકારી કચેરીઓના સંકુલ એવા બહુમાળી ભવનને છેલ્લા એકાદ વર્ષથી GST વિભાગે રીતસર બાનમાં લઈ અહીં ખટારા સ્ટેન્ડની જેમ કરચોરી કરતા વાહનોને પકડી-પકડીને પુરવાનું શરૂ કરતા બહુમાળી ભવનમાં બેસતી અન્ય કચેરીઓના અધિકારી કર્મચારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ અહીં પાર્કિંગની એન્ટ્રી પાસે જ હેવી વાહનો ખડકી દેતા નિયમોનુસાર વાહનો પણ પાર્ક ન થવાથી અકસ્માતના બનાવો પણ વધ્યા છે જેમાં તાજેતરમાં એક ઉચ્ચ અધિકારીની નવી નક્કોર ગાડીમાં નુકશાન પહોંચવાની સાથે એક આરએફઓ બુલેટ ઉપરથી પડી જતા ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરના રેષકોર્ષ સામે આવેલ બહુમાળી ભવન એટલે કે જિલ્લા સેવાસદન -2માં વિવિધ 65થી 70 જેટલી સરકારી કચેરીઓ બેસે છે જેને કારણે બહુમાળી ભવનમાં દૈનિક 1000થી 1500 કર્મચારીઓ ઉપરાંત 10 હજારથી વધુ અરજદારોની અવર-જવર રહે છે. જો કે,આશ્ચર્યની વાત તો એ છે કે, છેલ્લા એકથી દોઢ વર્ષથી અહીં નહીં બેસતી સ્ટેટ જીએસટી વિભાગની કચેરી હાઇવે ઉપર ચેકીંગ દરમિયાન કરચોરી કરતા વાહનોને પકડી-પકડી દાદાગીરીથી બહુમાળી ભવન ખાતે આવા વાહનો પાર્ક કરી રહી છે અને આવા વાહનો 15 દિવસથી લઈ મહિનો દિવસ સુધી બહુમાળી ભવનના પાર્કિંગમાં આડેધડ પડયા રહેતા હોવાથી અરજદારો અને કર્મચારીઓ હાલાકીનો ભોગ બની રહ્યા છે.
આ પણ વાંચો : રાજકોટ ડિવિઝનમાં એક વર્ષમાં 178 લોકોના વીજશોકથી મૃત્યુ : 123 પશુઓનો ભોગ લેવાયો

તાજેતરમાં જ સ્ટેટ GST વિભાગની એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા દસથી પંદર જેટલા મસમોટા ટ્રક અને બોલેરો સહિતના વાહનો પકડી બહુમાળી ભવનમાં ખડકી દેવામાં આવતા એક ઉચ્ચ અધિકારીની કારને આ ભાર ખટારાએ હડફેટે લેતા કારમાં નુકશાન થયું હતું. સાથે જ એક બનાવમાં પાર્કિંગ આડે ટ્રક પાર્ક કરી દેવામાં આવતા ફોરેસ્ટ વિભાગના એક આરએફઓ બુલેટ સહિત નીચે પટકાતા ઈજાઓ પહોંચી હતી. જો કે, સદભાગ્યે તેઓએ હેલ્મેટ પહેરી હોવાથી માથામાં કોઈ ઈજાઓ થઇ ન હતી. આશ્ચર્ય તો એ વાતનું છે કે, સ્ટેટ GST એન્ફોર્સમેન્ટ વિભાગ જિલ્લા સેવા સદન -3માં બેસ્ટ હોવા છતાં અહીં ગેરકાયદેસર રીતે પાર્કિંગ પચાવી પાડયું હોવાથી બહુમાળી ભવનના કર્મચારીઓ GST વિભાગથી ત્રસ્ત થઇ ઉઠ્યા છે.

બીજી તરફ બહુમાળી ભવનમાં બેસતી 65થી 70 કચેરીઓને ભારે વાહનોના પાર્કિંગથી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાથી બહુમાળી ભવન જેમના કાર્યક્ષેત્રમાં આવે છે તેવા માર્ગ અને મકાન વિભાગને ફરિયાદોનો મારો ચલાવતા માર્ગ અને મકાન વિભાગે આ ગંભીર બાબતે સ્ટેટ GST વિભાગને અવાર નવાર લેખિત નોટિસ ફટકારી બહુમાળી ભવનમાં વાહનો ન રાખવા સૂચના આપવા છતાં GST વિભાગ ગાંઠતું ન હોવાનું સામે આવ્યું છે અને હાલમાં GST વિભાગના પાપે બહુમાળી ભવન ખટારા ભવન બની ગયું હોવાનું સામે આવ્યું છે.