રાજકોટનો મેરેથોનમેન: ASI ખેરનું નામ વિખ્યાત ‘પ્રોકેમ સ્લેમ’ વોલમાં થયુ અંકિત! આ ઉપલબ્ધિ હાંસલ કરનાર ગુજરાતના પ્રથમ પોલીસકર્મી બન્યા
જો મનમાં મક્કમતા હોય તો ખાખી વર્દીની વ્યસ્ત ફરજ વચ્ચે પણ સફળતાના શિખરો સર કરી શકાય છે. આ પંક્તિને સાચી સાબિત કરીને રાજકોટ પોલીસ બેડામાં ફરજ બજાવતા ASI ભગીરથિંસહ ખેરે દોડવીરો માટે અત્યંત પ્રતિષ્ઠિત ગણાતી ‘પ્રોકેમ સ્લેમ’ (Procam Slam)માં પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરીને ગુજરાત પોલીસ અને રાજકોટનું નામ રોશન કર્યું છે.

`પ્રોકેમ સ્લેમ’ એ ભારતમાં રનિંગ ક્ષેત્રની સૌથી અઘરી અને સન્માનજનક ઉપલબ્ધિ માનવામાં આવે છે. આ સિદ્ધિ મેળવવા માટે કોઈ પણ દોડવીરે એક જ કેલેન્ડર વર્ષમાં દેશના ચાર મુખ્ય શહેરોમાં યોજાતી મેરેથોન પૂર્ણ કરવાની હોય છે. જે મુજબ વર્ષ 2025 ના જાન્યુઆરી માસમાં મુંબઈ, એપ્રિલમાં બેંગલુરુ, ઓક્ટોમ્બરમાં દિલ્હી હાફ મેરેથોન અને ડિસેમ્બરમાં કોલકાતા આ ચારેય પડકારોને સફળતાપૂર્વક પાર કર્યા બાદ ભગીરથસિંહને `પ્રોકેમ સ્લેમર’ તરીકેનું બહુમાન મળ્યું છે.

હાલ રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખા (EOW)માં એએસઆઈ તરીકે ફરજ બજાવતાં ભગીરથસિંહ ખેરે “વોઇસ ઓફ ડે” સાથે પોતાની આ સફળતા વિશે વાત કરતા જણાવ્યું હતું કે, તેઓ વર્ષ 2011 માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ગુજરાત પોલીસ ફોર્સમાં જોડાયા હતા. પોલીસ ભરતી માટે તેઓએ દોડની પ્રેક્ટિસ કરતા જે બાદ અચાનક કામની વ્યસ્તતા વચ્ચે દોડ છૂટી ગઈ હતી. 2019માં પોલીસ વિભાગમાં પ્રમોશન મેળવવા માટે PSIની ભરતીની શારીરિક કસોટી પાસ કરવાના હેતુથી દોડવાની પ્રેક્ટિસ શરૂ કરી હતી. પરંતુ ધીમે-ધીમે આ પ્રેક્ટિસ મારી દિનચર્યાનો ભાગ બની ગઈ અને આજે તે એક સારી આદત અને પેશન (જૂનૂન)માં બદલાઈ ગઈ છે.
આ પણ વાંચો :મેયરના નામે ગાંઠિયા-ચીપ્સની ઉઘરાણી! સંજલાને પકડવા માટે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પાસે ‘સંજય દૃષ્ટિ’જ નથી,વાંચો કાનાફૂસી
વધુમાં તેઓ છેલ્લા 6 વર્ષથી નિયમિત દોડની પ્રેક્ટિસ કરવા માટે શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ઉપર જતા હોય દરમિયાન “રાજકોટ રનર્સ” નામનું એક દોડવીરોનું ગ્રુપ છે તેના પરિચયમાં આવ્યા હતા આ ગ્રુપમાં શહેરના ડોકટર, ઇજનેર સહિતના પ્રોફેશન ધરાવતાં લોકો છે. ધીમે ધીમે ગ્રુપની સાથે તેઓએ અલગ અલગ જગ્યાએ મેરેથોનમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. મેરેથોન વિશે વધુ માહિતી મેળવી અને `પ્રોકેમ સ્લેમ’ વોલમાં નામ અંકિત કરવાનો નિર્ણય કર્યો હતો.
પોલીસની નોકરીમાં અનિયમિત કલાકો અને માનસિક તણાવ વચ્ચે પણ ભગીરથસિંહે પોતાની ફિટનેસ જાળવી રાખીને વર્ષોની મેહનત બાદ આ મુકામ હાંસલ કર્યો છે. તેમની આ સિદ્ધિ બદલ રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને મિત્ર વર્તુળ તરફથી તેમને અભિનંદન મળી રહ્યા છે. તેમની આ સફર એ વાતની સાબિતી છે કે ફિટનેસ માટે માત્ર સમય નહીં, પણ ઈચ્છા શક્તિની જરૂર હોય છે.

આ ઉપલબ્ધિ હાંસલ કરનાર ગુજરાતના પ્રથમ પોલીસકર્મી બન્યા
અજઈં ભગીરથસિંહ ખેરે રમત-ગમત જગતમાં ગુજરાત પોલીસનું નામ સમગ્ર દેશમાં ગુંજતું કર્યું છે. દોડવીરો માટે મહત્વની ગણાતી “પ્રોકેમ સ્લેમ” પૂર્ણ કરનાર તેઓ ગુજરાત પોલીસના સૌ પ્રથમ પોલીસકર્મી બન્યા છે. સાથો-સાથ આ ઇવેન્ટ હજુ સુધી સૌરાષ્ટ્ર અને રાજકોટમાં પણ તેઓ પ્રથમ રહી ગુજરાત પોલીસ ફોર્સ, રાજકોટ સહિત આખા સૌરાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે.
