રાજકોટના મંગળા રોડ પર ફાયરિંગનો મામલો : ‘પેંડા ગેંગ’ 10 દિવસના રિમાન્ડ પર,’સીટ’ A ટુ Z માહિતી કઢાવી જેલમાં ધકેલશે
29 ઑક્ટોબરની વહેલી સવારે 3ઃ30 વાગ્યે રાજકોટના મંગળા રોડ પર બે ગેંગ વચ્ચે સામસામું ફાયરિંગ થયાની ચોંકાવનારી ઘટનાએ રાજકોટને હચમચાવી નાખ્યું હતું. આ બનાવથી પોલીસને ક્યારેય ન ભૂંસાય તેવો ડાઘ લાગતા રાત-દિવસ એક કરીને ફાયરિંગમાં સામેલ પેંડા અને મરઘા ગેંગના લોકોને પકડવાનું શરૂ કરવામાં આવ્યું હતું. એકંદરે ફાયરિંગમાં સામેલ ચાર સહિત કુલ 17 આરોપીઓ કે જેમના નામે 71 પ્રકારના ગંભીર ગુના હોય તેની સામે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી 17 પૈકી 15ને રિમાન્ડ ઉપર લેવામાં આવ્યા હતા. એકંદરે દસ દિવસના રિમાન્ડ દરમિયાન ગેંગ શરૂ થઈ ત્યારથી લઈ ફાયરિંગ થયું ત્યાં સુધીની એ ટુ ઝેડ માહિતી ઓકાવી તમામને જેલમાં ધકેલી દેવામાં આવશે.
ગુજસીટોક એક્ટની જોગવાઈ અત્યંત કપરી હોય તેની બારિકાઈથી તપાસ કરવા તેમજ કશું કાચું ન છૂટી જાય તે માટે એસીપી (ક્રાઈમ) બી.બી.બસિયાના સુપરવિઝન હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવશે. સમયસર ચાર્જશીટ રજૂ થાય તે માટે ચાર પીએસઆઈ તેમજ છ રાઈટર સહિતની ટીમ બનાવવામાં પણ આવનાર છે.
રિમાન્ડ દરમિયાન પેંડા ગેંગના લોકો પાસેથી ગેંગ ક્યારે અને કેવી રીતે બની, ગેંગ બનાવવાનો આઈડિયા કોનો હતો, ગેંગમાં કોણ ક્યારે જોડાયું, ગુનામાં વપરાતાં છરી, પીસ્તલ, તમંચા સહિતના હથિયાર ક્યાંથી આવ્યા, ગેંગની મોડસ ઓપરેન્ડી શું છે તે સહિતના મુદ્દે પૂછપરછ કરવામાં આવશે. પોલીસે 17 આરોપી સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે જેમાંથી 15 પકડાઈ ગયા હોય તે તમામને રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. રિમાન્ડ પૂર્ણ થયા બાદ તમામને એક સાથે જેલમાં ધકેલી દેવામાં આવશે.
શક્તિ ઉર્ફે પેંડાની `યાદ’માં ગેંગનું `પેંડાગેંગ’ પડ્યું !
પોલીસની પૂછપરછમાં એવી વિગત પણ સામે આવી હતી કે આ ગેંગનું નામ શક્તિ ઉર્ફે પેંડાના નામે પાડવામાં આવ્યું હતું. શક્તિના મોત પછી તેના સાગરિતો એકઠા થયા હતા અને ગેંગ બનાવવાનું શરૂ કર્યું હતું. એક બાદ એક લોકો ગેંગમાં જોડાતા ગયા અને જોતજોતામાં ગેંગમાં સામેલ લોકોની સંખ્યા 17એ પહોંચી ગઈ હતી. જો કે આ પછી ગેંગનું નામ પાડવાનો સમય આવ્યો ત્યારે તમામે તેના મોત પામેલા મિત્ર શક્તિ ઉર્ફેે પેંડાનું નામ ગેંગને આપવું જોઈએ તેવું નક્કી કરીને ગેંગને `પેંડાગેંગ’ નામ આપ્યું હતું.
બાકી રહેલા બે આરોપી કોણ? ગેંગની નજીક રહેલાની પોલીસ મથકે દોડધામ
પોલીસ દ્વારા ગુજસીટોકની કાર્યવાહી 17 આરોપી સામે કરવામાં આવી છે જે પૈકી 15ના નામ જાહેર કરવામાં આવ્યા છે પરંતુ બે લોકોને ભાગેડું જાહેર કરી તેની શોધખોળ ચાલી રહી હોય આ બે નામ કોણ હશે તે જાણવા માટે પેંડા ગેંગની નજીક રહેલા લોકો પોલીસ મથકના ચક્કર કાપતા થઈ ગયા છે અને કહી રહ્યા છે કે ગુજસીટોક હેઠળ ક્યાંક મારું તો નામ નથી ને ?
