રાઈડસ વગર પણ રાજકોટનો લોકમેળો ટનાટન જ યોજાશે! પ્લાન-B રેડી, SOPમાં કોઈ જ બાંધછોડ નહીં : કલેકટર
આગામી તા.14થી 18 ઓગસ્ટ દરમિયાન રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાનાર લોકમેળાને બાનમાં લેવા પ્રયાસ કરનાર રાઇડ્સ સંચાલકોની દાળ નવા કલેકટર પાસે ગળે તેમ ન હોવાના સ્પષ્ટ સંકેત જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે આપી રાઇડ્સ વગર પણ લોકમેળો ટનાટન યોજાશે અને રાઈડસ વગર મેળો યોજવા પ્લાન-બી રેડી હોવાના સંકેતો આપી હવે લોકમેળામાં ફોર્મ વિતરણ અને સ્વીકારવાની મુદતમાં પણ કોઈ જ વધારો નહીં કરવામાં આવે તેમ સ્પષ્ટ કર્યું હતું.

રાજકોટ શહેરમાં આગામી તા.14થી 18 ઓગસ્ટ દરમિયાન રેસકોર્સ મેદાન ખાતે ભાતીગળ લોકમેળા યોજવા લોકમેળા સમિતિ દ્વારા ફોર્મ વિતરણ શરૂ કરી બબ્બે વખત મુદતમાં વધારો કરવા છતાં પણ યાંત્રિક રાઈડસમાં કડક એસઓપીના પાલન ન કરવું પડે તે માટે રાઈડસ સંચાલકોએ લોકમેળાનો બહિષ્કાર કરવાનું જાહેર કરતા તેની સીધી અસર ફોર્મ વિતરણ ઉપર પડી છે. અગાઉ તા.9થી 13 જૂન સુધી ફોર્મ વિતરણ બાદ ફરી મુદત વધારવામાં આવી હોવા છતાં લોકમેળામાં પ્લોટ અને સ્ટોલની સંખ્યા જેટલા પણ ફોર્મ વિતરણ ન થતા છેલ્લે તંત્ર દ્વારા 11 જુલાઈ સુધી મુદત લંબાવી છે.
બીજીતરફ લોકમેળાનું ગુચવાયેલ કોકડું ઉકેલવા જિલ્લા કલેકટર દ્વારા સીટી પ્રાંત-1, માર્ગ અને મકાન વિભાગ, યાંત્રિક, ઇલકેટ્રીકલ સહિતના વિવિધ વિભાગો સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં એસઓપી પાલન અંગે મહત્વપૂર્ણ ચર્ચા વિચારણાને અંતે રાજ્ય સરકારની એસઓપીનું ચુસ્તપણે પાલન કરતા હોય તેવા સ્ટોલ -પ્લોટ ધારકોને જ આખરી ફાળવણી કરવા નક્કી કરવામાં આવ્યું હતું.નોંધનીય છે કે, ગુજરાત એમ્યુઝમેન્ટ પાર્ક એસોસિએશનના હોદેદાર એવા કૃણાલ ભટ્ટ દ્વારા જિલ્લા કલેકટર કચેરીમાં જ બફાટ કરી લોકમેળાના આયોજનમાં એસઓપી પાલન શક્ય જ ન હોવાનું અને રાજકીય ભલામણને કારણે વગર એસઓપી પાલન કર્યે લોકમેળા યોજાઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું.

યાંત્રિક રાઇડસના વિકલ્પમાં મનોરંજક કાર્યક્રમ : કલેકટર
રાજકોટ જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે લોકમેળાની ગુચ ઉકેલાય તેમાટે સવારે અધિકારીઓ સાથે બેઠક યોજ્યા બાદ પોતાની ત્વરિત અને મક્કમ નિર્ણય શક્તિનો પરિચય આપી બપોર બાદ રાઈડસ સંચાલકો સાથે બેઠક યોજી હતી જેમાં પણ તેઓએ સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે,રાજ્ય સરકારની એસઓપીમાં કોઈ જ બાંધછોડ કરવામાં નહીં આવે. દરમિયાન જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે જણાવ્યું હતું કે,ભૂતકાળમાં રાજકોટના લોકમેળામાં લોકોને મનોરંજન માટે જાણીતા કલાકારોને બોલાવી કાર્યક્રમ યોજાતા હતા તે તર્જ ઉપર પણ લોકોને મનોરંજન મળી રહે તે માટે પ્રયાસ કરવામાં આવશે અને મેળામાં રાઇડ્સ ન હોય તો પણ મનોરંજનમાં કોઈ ઓટ ન આવે તેવો ટનાટન લોકમેળો યોજવામાં આવશે તેમ જણાવી રાઇડ્સ વગરના મેળા માટે પ્લાન-બી રેડી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
આ પણ વાંચો : રાજકોટના રૈયા સ્માર્ટ સિટીથી કાલાવડ રોડ સુધીના રસ્તાને 44.79 કરોડના ખર્ચે થ્રી-લેન કરવામાં આવશે
SOP પાલન કરવું અશક્ય : રાઇડ્સ સંચાલક
લોકમેળામાં રાઈડ્સનું ગૂંચવાયેલું કોકડું ઉકેલવા માટે મંગળવારે જિલ્લા કલેકટરે રાઇડ્સ સંચાલકો સાથે બેઠક યોજી હતી જેમાં જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે એસઓપી પાલનમાં કોઈ જ બાંધછોડ કરવામાં નહીં આવે તેમ સ્પષ્ટ કર્યું હતું. બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમા રાઇડ્સ સંચાલક કૃણાલ ભટ્ટે જણાવ્યું હતું કે, એસઓપી પાલન શક્ય જ નથી. સૌરાષ્ટ્રમાં ગત વર્ષે જે જે મેળાઓ યોજાયા હતા તે બધા SOP પાલન સાથે નહીં પણ રાજકીય ભલામણથી યોજાયા હોવાનું જણાવી રાજકોટના લોકમેળામાં પણ એસઓપીમાં છૂટછાટ મળે તે માટે એમ્યુઝમેન્ટ પાર્ક એસોસિએશન રાજકીય આગેવાનો સાથે સંપર્કમાં હોવાનું જણાવ્યું હતું. વધુમાં આ રાઇડ્સ સંચાલકે ફાઉન્ડેશનના બદલે બીજા વિકલ્પ આપવા માંગણી કરી ભૂતકાળમાં રાઈડસને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ ન હોવાનો રાગ આલાપ્યો હતો.