બેડીપરામાં રાજકોટનું સૌપ્રથમ 12 માળનું ફાયર સ્ટેશન બનશે : રૂ.21.44 કરોડના ખર્ચે થશે કાયાપલટ
રાજકોટમાં વર્ષો જૂના ફાયર સ્ટેશનની કાયાપલટ કરવાની ગતિવિધિ મહાપાલિકા દ્વારા તેજ કરી દેવામાં આવી છે. થોડા સમય પહેલાં શહેરના કનક રોડ પર આવેલા સૌથી પહેલાં ફાયર સ્ટેશનને તોડી પાડી તેના સ્થાને નવું ફાયર સ્ટેશન બનાવવાનું ટેન્ડર પ્રસિદ્ધ કરાયા બાદ હવે 21.44 કરોડના ખર્ચે બેડીપરા ફાયર સ્ટેશનની કાયાપલટ કરવા માટેનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ ફાયર સ્ટેશનમાં 15 કાર અને 76 ટુ-વ્હીલર પાર્ક થઈ શકશે. આ ઉપરાંત ગ્રાઉન્ડ ફ્લોર પર ફાયરની પાંચ ગાડી તૈનાત રહેશે સાથે સાથે કંટ્રોલરૂમ, ટોઈલેટ સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે. જ્યારે મેઝેનાઈન ફ્લોર પર રેસ્ટ રૂમ-ટોયલેટ, પહેલાં માળે એડમિન ઓફિસ, હોલ, સ્ટેશન ઓફિસ, બે ઓફિસ-ટોઈલેટ, બીજા માળે 3 બીએચકેના બે ફ્લેટ જેનો કાર્પેટ એરિયા 174.34 ચોરસમીટર રહેશે. જ્યારે ત્રીજા માળથી લઈ બારમા માળ સુધી 2 બીએચકેના 40 ફ્લેટ બનાવવામાં આવશે જેનો કાર્પેટ એરિયા 73.30 ચોરસમીટર રહેશે.
આ અંગેનું ટેન્ડર પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે જેની સમયમર્યાદા 6 જૂન છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ સ્ટેન્ડિંગ કમિટીને દરખાસ્ત કરવામાં આવશે. આ તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ બે વર્ષની અંદર ફાયર સ્ટેશન નિર્માણની કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવો દાવો તંત્રવાહકો દ્વારા કરવામાં આવ્યો હતો.