રાજકોટની ભાગોળે હત્યાની ઘટના : સૂતેલા યુગલ પર ધારિયાથી હુમલો કરી પત્નીને પતાવી દીધી, પતિ ઘાયલ
રાજકોટની ભાગોળે જીયાણા ગામે વાડીમાં ખેતમજૂરી કરતું એક યુગલ તેની ઓરડીમાં મીઠી નિદ્રા માણી રહ્યું હતું ત્યારે ઓરડીનો દરવાજો તોડી અંદર ઘૂસી આવેલા હુમલાખોરે ધારિયાથી હુમલો કરી દેતાં પતિ લોહીલુહાણ હાલતમાં જીવ બચાવી ભાગ્યો હતો જ્યારે પત્નીનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. હત્યાનો આ બનાવ પ્રકાશમાં આવતાં જ એરપોર્ટ પોલીસ મથકનો સ્ટાફ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચે દોડી જઈ હત્યારાની શોધખોળ આદરી હતી.
આ અંગે મુળ મધ્યપ્રદેશના અને હાલ જીયાણા ગામે મનસુખ નાથાભાઈ દોમડિયાની વાડીએ મજૂરી કરતાં લખડીયા માંગલિયા પછાયા (ઉ.વ.60) નામના વૃદ્ધે નોંધાવેલી ફરિયાદમાં જરાવ્યું કે તેના બીજા લગ્ન જમકુ ઉર્ફે રોમકી સાથે થયા હતા. અગાઉ તેના લગ્ન કુમલી નામની મહિલા સાથે થયા હતા પરંતુ તેણે બીજા લગ્ન કર્યા હતા. તે છેલ્લા એક વર્ષથી જમકુ ઉર્ફે રોમકી સાથે મનસુખની વાડીએ મજૂરી કરે છે.
દરમિયાન શનિવારે રાત્રે નવેક વાગ્યા આસપાસ લખડીયા અને તેની પત્ની પતરાવાળી ઓરડીમાં જમીને સૂતા હતા ત્યારે દરવાજો તોડી કોઈ અંદર ઘૂસી ગયું હતું અને લખડીયા ઉપર ધારિયાથી હુમલો કરતાં હુમલાખોરનો હાથ રોકવા જતાં લખડીયાને બન્ને હાથ, કાન અને ડોક ઉપર લાગી જતાં લોહી નીકળતી હાલતમાં તે બહાર તરફ ભાગ્યો હતો. ભાગવા જતાં અંધારું હોવાને કારણે દિવાલ સાથે ભટકાઈ જતાં પગમાં લાગી ગયું હતું. આ સમયે તેની પત્ની જમકું `મને ન મારો મને ન મારો’ એવું બોલતી હતી આમ છતાં લખડીયા ઓરડી બહાર ભાગીને શેઠ મનસુખને જાણ કરી હતી. આ પછી મનસુખ, લખડીયા સહિતનાએ ઓરડીએ આવીને જોતાં જમકુ લોહીલુહાણ હાલતમાં પડેલી જોઈ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે ખસેડાઈ હતી જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. બીજી બાજુ લખડીયાને પણ ઈજા પહોંચી હોય સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.
હત્યાના આ બનાવ બાદ પોલીસે અજાણ્યા હુમલાખોર સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી. તપાસમાં ખુલ્યા પ્રમાણે લખડિયાને કોઈ સાથે દુશ્મની ન હોવાનું કથન તે કરી રહ્યો છે ત્યારે આ હત્યાને અંજામ કોણે અને શા માટે આપ્યો તે દિશામાં પોલીસ તપાસ ચાલી રહી છે.
બોક્સ
લખડીયાએ પણ એક હત્યા કરી’તી
જેની પત્નીની હત્યા થઈ તે લખડીયા માંગલિયા પછાયાએ પણ અગાઉ તેના ગામ અગલગોટા (મધ્યપ્રદેશ)માં માધુ સેઈજાને નામના શખ્સની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી તેને ઈન્દોરની જેલમાં ધકેલી દેવાયો હતો. એ સમયે લખડીયાના લગ્ન કુમલી નામની મહિલા સાથે થયા હતા પરંતુ પતિ જેલમાં જતાં કુમલીએ બીજા લગ્ન કરી લીધા હતા. કુમલી થકી લખડીયાને એક પુત્રી જન્મી હતી જે અત્યારે તેના પતિ અમનામ સાથે સાવરકુંડલામાં ખેતમજૂરી કરે છે.
બોક્સ
હત્યારા તરીકે જેના નામ આપ્યા તે મધ્યપ્રદેશમાં હોવાનો ખુલાસો
પત્નીની હત્યા થયા બાદ પતિનું નિવેદન લેવામાં આવતાં તેણે જાંબુડો અને સૂર્યા એમ બે વ્યક્તિના હત્યારા તરીકે નામ આપતાં પોલીસે આ બન્ને હાલ ક્યાં છે તેની તપાસ કરતાં તે મધ્યપ્રદેશમાં હોવાનો ખુલાસો થયો હતો. જો કે આ બન્નેના ઈશારે આ હત્યાને અંજામ તો અપાયો નથી ને ? તે દિશામાં પણ પોલીસ તપાસ ચાલી રહી છે. એવો પણ ખુલાસો થયો છે કે જ્યારે આ બનાવ બન્યો ત્યારે લખડિયા કે જેના પર હુમલો થયો છે તે નશાની હાલતમાં હતો.