વાઈબ્રન્ટ સમીટમાં રાજકોટની 13 વર્ષની ટબુકડીનું સ્ટાર્ટઅપ: આર્ચીનું ઈનોવેશન: રોબોટથી પ્રદુષિત પાણીને શુદ્ધ બનાવ્યું
રાજકોટમાં યોજાનારી વાઈબ્રન્ટ સમીટ ઉદ્યોગ, નવીનતા અને સ્ટાર્ટઅપ કલ્ચર માટે મહત્વનું મંચ બની રહી છે. દેશ-વિદેશમાંથી અગ્રણી કંપનીઓ અને ઉદ્યોગપતિઓ આ સમીટમાં ભાગ લઈ રહ્યા છે ત્યારે રાજકોટ માટે ગૌરવની વાત એ છે કે માત્ર 13 વર્ષની નાની વયે એક ટબુકડી બિઝનેસ એન્ટરપ્રિન્યોર તરીકે આગળ આવી છે. પોતાની અનોખી વિચારધારા અને નવીન પ્રયાસ સાથે આ બાળ ઉદ્યોગપતિને વાઈબ્રન્ટ સમીટમાં સ્ટાર્ટઅપ સ્ટોલ ફાળવવામાં આવ્યો છે, જે રાજકોટના ઉજ્જવળ ભવિષ્ય અને યુવા પ્રતિભાની શક્તિ દર્શાવે છે.
આર્ચી પટેલે મરીન સેક્ટરમાં સૌપ્રથમ એ.આઈ. ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રદૂષિત પાણીને શુદ્ધ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ ઇનોવેશન રજૂ કર્યું છે. ઓઝોન પ્યુરિફિકેશન આધારિત આ પ્રોજેક્ટને તેમણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ રજૂ કરી ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું હતું, આર્ચીનાં આ ઇનોવેશનથી દેશનું ગૌરવ વધ્યું છે. હવે આવી પ્રતિભાશાળી બિઝનેસ સાહસિકના સ્ટાર્ટઅપને રાજકોટમાં યોજાનારી વાઈબ્રન્ટ સમીટ દરમિયાન નજીકથી નિહાળવાની અને તેની નવીન વિચારધારાથી પ્રેરણા મેળવવાની તક સૌને મળશે.
ટબુકડી વયે પણ વિરાટ પ્રતિભા ધરાવતી રાજકોટની આર્ચી પટેલ વાઈબ્રન્ટ સમીટમાં પોતાનું અનોખું ઇનોવેશન રજૂ કરવાની છે. સરકાર દ્વારા સ્થાનિક કુશળતા વૈશ્વિક ફલક પર ચમકે એ હેતુ સાથે સ્ટાર્ટઅપ્સ માટે ખાસ સ્ટોલ ફાળવવામાં આવ્યા છે, જેમાં રાજકોટની આર્ચીનું રોબોટિક્સ આધારિત પ્રોજેક્ટ વિશેષ આકર્ષણ બનશે.
દરેક સેગમેન્ટમાં એ.આઈ.નો ઉપયોગ સામાન્ય બની ગયો છે, પરંતુ મરીન સેક્ટરમાં હજુ સુધી એ.આઈ.નો યોગ્ય ઉપયોગ થતો નથી એ બાબત આર્ચીના ધ્યાનમાં આવી હતી. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોિંર્મગની અસર વધતી જઈ રહી છે ત્યારે ભવિષ્યમાં પાણીનું સંરક્ષણ કરી શકાય અને પ્રદૂષિત પાણીને ઉપયોગી બનાવી શકાય એ હેતુથી તેમણે ઓઝોન પ્યુરિફિકેશન આધારિત પદ્ધતિ વિકસાવી છે. આ પદ્ધતિમાં રોબોટની મદદથી પ્રદૂષિત પાણીને શુદ્ધ બનાવી તેનો પુનવપરાશ શક્ય બને છે.
રાષ્ટ્રીય કક્ષાએ પ્રોજેક્ટ રજૂ થયા બાદ તેની પસંદગી આંતરરાષ્ટ્રીય સ્તર માટે કરવામાં આવી હતી. દોહામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય રોબોટિક્સ સ્પર્ધામાં રાજકોટની માત્ર 13 વર્ષની ટબુકડી આર્ચી પટેલે ઉત્તમ પ્રદર્શન કરી દેશને સર્વોચ્ચ સ્થાન અપાવ્યું હતું. હવે આ જ પ્રોજેક્ટ વાઈબ્રન્ટ સમીટ માટે પસંદ થતાં રાજકોટ એકવાર ફરી વિશ્વના નકશા પર ઉજળું ચમકશે.
