રાજકોટ : અમે સવા કરોડના ખર્ચે રાઈડનો સામાન અહીં સુધી લાવ્યા, હવે લટકી ગયા !!
- કદાચ રાઈડ ચલાવાની મંજૂરી મળે તો પણ આજ સુધીમાં એક પણ મોટી ચકરડી ફિટ ન કરી શકાય: જ્યારે અમે સામાનના ફેરા કરતા’તા ત્યારે કોઈએ આ વિશે કહ્યું ન્હોતું
- તમામ મોટી રાઈડનું કામ બંધ: ધંધાર્થીઓના શ્વાસ અધ્ધર
રાજકોટના ધરોહર' લોક મેળામાં ફજેત ફાળકા સહિતની મોટી રાઈડ શરૂ થશે કે નહીં તેનો જવાબ આપી શકવાની સ્થિતિમાં અત્યારે કોઈ જ નથી. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા એક માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે જે પ્રમાણે જ દરેક રાઈડનું સંચાલન થાય તેવો આદેશ અપાયા બાદ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટ દ્વારા પણ તમામ નિયમોનું પાલન કરવાની ટકોર કરાયા બાદ હવે રાઈડ બાંધવાનું સઘળું કામ બંધ કરી દેવામાં આવતાં ધંધાર્થીઓની માઠી થઈ જવા પામી છે.
આ અંગે મુળ રાજસ્થાનના અને દરેક શહેરોમાં રાઈડનો ધંધો કરતાં ઈકબાલ નામના ધંધાર્થીએ
વોઈસ ઓફ ડે’ સમક્ષ હૈયા વરાળ ઠાલવતાં જણાવ્યું હતું કે અમે ૫૦ હજાર લેખે એક એવા ૨૫૦ જેટલા ટ્રક ભરીને રાજસ્થાનથી રાઈડનો સામાન ભરીને રાજકોટ સુધી આવ્યા છીએ. એકંદરે અત્યાર સુધીમાં અમને સવા કરોડ જેટલો ખર્ચ થઈ ચૂક્યો છે ત્યારે હવે રાઈડ શરૂ થશે કે નહીં તેને લઈને જ પ્રશ્નાર્થ મુકાઈ જતાં અમને જોરદાર ફટકો પડ્યો છે.
તેણે કહ્યું કે કામ તો ગુરૂવાર રાતથી જ બંધ કરી દેવામાં આવ્યું હોવાથી હવે કદાચ રાઈડ ચલાવાની મંજૂરી મળે તો પણ આજે મેળો શરૂ થાય ત્યાં સુધી એક પણ મોટી ચકરડી શરૂ થઈ શકે તેવી સ્થિતિ નથી. અમે જ્યારે સામાનના ફેરા કરી રહ્યા હતા ત્યારે અમને કોઈએ આ વિશે કહ્યું ન્હોતું.