રાજકોટ : પિતા સાથે ભાડાનું મકાન શોધવા નીકળેલી બે બહેનો ગુમ , બી ડિવિઝન પોલીસ દ્વારા શોધખોળ શરૂ
શહેરના વેલનાથપરા વિસ્તારમાં રહેતા પ્રૌઢની ૨૨ વર્ષ અને ૧૬ વર્ષની બે દીકરીઓ તેમની સાથે માલધારી સોસાયટીમાં ભાડે મકાન શોધવા માટે ગઈ હતી જ્યાંથી લાપતા થઈ ગઈ હતી.લાંબી શોધખોળ બાદ પણ દીકરીઓની કોઈ ભાણ ન મળતા પિતાએ બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી હતી .
મળતી વિગતો મુજબ, વેલનાથપરામાં રહેતા ૫૩ વર્ષના પ્રૌઢે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાની ૨૨ વર્ષીય અને ૧૬ વર્ષીય ગુમ થઈ હોવાની નોંધ લખાવતા જણાવ્યું હતું કે, ગત તારીખ ૬/૧૧ ના રોજ બપોરના સમયે તેઓ બંને દીકરીઓ સાથે માલધારી સોસાયટી વિસ્તારમાં ભાડાનું મકાન શોધવા માટે ગયા હતા. જ્યાંથી તેઓ દીકરીઓને મકાન શોધવાનું કહીને પોતે તેમના ભાઇના ઘરે તેની ખબર અંતર પૂછવા જતા રહ્યા હતા. ચારેક વાગ્યા આસપાસ દીકરીનો અજાણ્યા મોબાઇલ નંબર પરથી ફોન આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે, અહીં કોઈ ભાડાનું મકાન નથી જેથી પિતાએ કહ્યું હતું કે હજુ એકાદ કલાક સુધી મકાન શોધો બાદમાં આપણે રીક્ષા કરી ઘરે ચાલ્યા જઈશું. પરંતુ ત્યારબાદ દીકરીનો ફોન આવ્યો ન હતો જેથી તેની શોધખોળ કરતા બંને દીકરીઓની ભાળ મળી ન હતી. સગા સંબંધી અને પાડોશીઓમાં પૂછપરછ કરી હતી પરંતુ તેમ છતાં બંને દીકરીઓનો કોઈ પતો ન લાગતા અંતે પોલીસમાં જાણ કરી હતી. બી ડિવિઝન પોલીસે બંને બહેનોની શોધખોળ હાથ ધરી છે